Saturday, February 11, 2012
   
Text Size

આત્મવિકાસની સાધના

પ્રશ્ન : આત્મવિકાસના ક્ષેત્રમાં આગળ વધવા માટે શું કરવું જોઈએ ? જપનો આધાર લેવો આવશ્યક છે કે જપ વિના પણ ચાલી શકે ? સદગ્રંથોના અધ્યયન વિના ?
ઉત્તર : બધાએ જપ જેવાં કોઈ ખાસ મુકર્રર કરેલી બાહ્ય પ્રવૃત્તિનો આધાર લેવાનું આવશ્યક છે જ એવું નથી સમજવાનું, એના વિના પણ ચાલી શકે. સદગ્રંથોના અધ્યયન વિના પણ ચાલી શકે.

પ્રશ્ન : તો પછી આસન, પ્રાણાયામ, ષટક્રિયા, મુદ્રા ને ધ્યાન વિના ? મને તો એમાં રસ જ નથી.
ઉત્તર : તમને રસ છે કે નહિ એ જુદી વાત છે, છતાં પણ એના વિના ચાલી શકે.

પ્રશ્ન : તો પછી શાના વિના ના ચાલે ?
ઉત્તર : સદ્ ગુણો વિના. ગીતાના સોળમાં અધ્યાયમાં જેને દૈવી સંપત્તિના સુંદર નામથી ઓળખાવવામાં આવે છે તે દૈવી સંપત્તિનો કે સદ્ ગુણોનો વિકાસ આત્મવિકાસ માટે અત્યંત આવશ્યક છે. એના વિના આગળ વધવાનું કામ અતિશય અસંભવ છે. સદ્ ગુણોની વૃદ્ધિનું ધ્યાન રાખવાની સાથે જપ, ધ્યાન, બીજી સાધના કે સ્વાધ્યાયનો આધાર લઈ શકાય તો વધારે સારૂં. એથી સંગીન, સારું ને ઝડપી પરિણામ પ્રાપ્ત થઈ શકે.

પ્રશ્ન : સદ્ ગુણોની વૃત્તિ વિના ચાલે જ નહિ ? કેટલાક સંતો તો એવું કહે છે કે સદ્ ગુણી જીવન નહિ હોય તો પણ ચાલશે, તેનું શું ?
ઉત્તર : એ કથન બરાબર નથી. એટલું જ નહિ, સાધકોની કુસેવા કરનારું અને એમને ગેરરસ્તે દોરનારું છે. એવાં કથનોને આદર્શ માનીને અનુસરવાથી સાધકોનું શ્રેય નહિ સધાઈ શકે. જીવનની વિશુદ્ધિ જીવનવિકાસનો મહત્વનો પાયો છે. એ પાયાની અવગણના કરવાથી જીવનવિકાસના સાધકને કે સામાન્ય જનને લાભ નહિ થાય.

પ્રશ્ન : જીવન શુદ્ધિ કેટલા વખતમાં સાધી શકાય ?
ઉત્તર : એને માટે સમયની કોઈ ચોક્કસ મર્યાદા બાંધી ન શકાય. એનો બધોયે આધાર સાધકના પોતાના પ્રયત્ન પર રહેતો હોય છે. પ્રયત્ન જો એકધારો અને પ્રબળ હોય તો શુદ્ધિ પ્રમાણમાં ઘણા થોડા સમયમાં સાધી શકાશે, પરંતુ પ્રયત્ન મંદ અને વહેંચાયેલો હોય તો પ્રમાણમાં ઘણો લાંબો સમય લાગે એ સમજી શકાય તેમ છે. શુદ્ધિની સાધના વહેલી તકે સાધવાની સાધકની તૈયારી હોવી જોઈએ.

પ્રશ્ન : જીવનની શુદ્ધિ સિવાય સાધનાની છેવટની સિદ્ધિ ના મળી શકે ? જો એમ હોય તો પછી પહેલાં શુદ્ધિ સાધવી અને સંપૂર્ણ શુદ્ધિ ના સધાય ત્યાં સુધી સાધનાની સિદ્ધિની ઈચ્છા ન રાખવી એ બરાબર છે ?
ઉત્તર : ના. બંને કામો એક સાથે કરવા જોઈએ. એટલે કે સાધકે જીવનની શુદ્ધિ માટે પોતાના દુર્ગુણોને દૂર કરવાનો વ્યવસ્થિત એકધારો પ્રયત્ન પણ કરવો જોઈએ અને સાધનાની સિદ્ધિને દ્રષ્ટિ સમક્ષ રાખીને તેની વધારેમાં વધારે પાસે પહોંચવાના પ્રામાણિક પ્રયત્ન પણ કરવા જોઈએ. તેને માટે અંતરંગ સાધનાનો જે અભ્યાસક્રમ અપનાવવામાં આવે તેને નિયમિત રીતે વફાદાર રહેવું જોઈએ. ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે આ વાતનો સંકેત કરતાં કહ્યું છે કે સાધકના મનમાં થોડીઘણી અશુદ્ધિને લીધે વિષયોની જે રહી સહી રસવૃત્તિ રહી જાય છે તેનો અંત પરબ્રહ્મ પરમાત્માનું દર્શન થયા પછી સહજ રીતે જ આવી જાય છે. માટે સિદ્ધિની સાધના અલગ અને શુદ્ધિની સાધના અલગ એવા બે વિભાગો પાડવાની જરૂર નથી. જીવનની શુદ્ધિની સાધના જીવન સિદ્ધિની સાધનાના એક અગત્યના અંગરૂપ છે. બંનેનો એકમેકની સાથે ગાઢ સંબંધ છે.

પ્રશ્ન : આત્મવિકાસની સાધનામાં બીજું મહત્વનું અંગ કયું છે ?
ઉત્તર : મનની ચંચળતાનો અભાવ.

પ્રશ્ન : તે કેવી રીતે સાધી શકાય ?
ઉત્તર : જેમ જેમ શુદ્ધિ સધાતી જાય, તેમ તેમ મનની ચંચળતા આપોઆપ ઓછી થતી જાય છે. તે ઉપરાંત પ્રાર્થના, ધ્યાન અને જપ જેવી સાધનાથી પણ ચંચળતા ઘટે છે.

પ્રશ્ન : જીવનવિકાસની સાધનામાં બીજી મહત્વની યાદ રાખવા જેવી વસ્તુ કઈ છે ?
ઉત્તર : બીજાની સેવાની પ્રવૃત્તિ.

પ્રશ્ન : બીજાની સેવા તો કેટલાક લોકો કહે છે તેમ બંધનકારક છે.
ઉત્તર : એવું માનવું ભૂલભરેલું છે. બીજાની સેવાની પ્રવૃત્તિથી મન ધીરે ધીરે શુધ્ધ બનતું જાય છે, સ્થિર થાય છે, ઉદાર તેમ જ વિશાળ બને છે અને ચરાચરમાં ઈશ્વરનું દર્શન કરે છે. આપણા મહાપુરૂષોએ એટલા માટે જ કર્મને યોગ કહેલો છે. એનો આધાર લઈને બીજાનું હિત તો સધાય છે જ પરંતુ સાથે સાથે પોતાનું પરમહિત પણ સાધી શકાય છે.

Today's Quote

Wise people talk because they have something to say; fools, because they have to say something.
- Plato 
06.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 17 guests online

View site in