Saturday, February 11, 2012
   
Text Size

ઈશ્વરદર્શી સંતપુરુષો

પ્રશ્ન : ઈશ્વરદર્શન કરી ચૂકેલા કોઈ પુરૂષો અત્યારે હયાત હશે ખરા ?
ઉત્તર :  છે.

પ્રશ્ન :  તેમના દર્શન સમાગમનો લાભ અમારા જેવા માણસોને મળી શકે ?
ઉત્તર :  શા માટે ના મળી શકે ? સૌ કોઈને મળી શકે.

પ્રશ્ન : તેને માટે મુખ્યત્વે શું કરવું જોઈએ ?
ઉત્તર :  તેમને મળવાની ને તેમનો લાભ ઉઠાવવાની ઉત્કટ ઈચ્છા સેવવી જોઈએ. તે ઈચ્છાની પૂર્તિને માટે ઈશ્વરને સાચા દિલથી પ્રાર્થના પણ કરવી જોઈએ.

પ્રશ્ન : તે ઉપરાંત બીજું કાંઈ ?
ઉત્તર : એટલું પૂરતું છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવાની છે કે એવા પુરૂષો તમને મળે કે ના મળે તો પણ તેમની રાહ જોઈને બેસી રહેવાને બદલે તમારી જાતનું ઘડતર કરીને તમારે પોતે ઈશ્વરની વધારે ને વધારે પાસે પહોંચવાને માટે પ્રયાસ કરવો જોઈએ. તમે જે સ્વસ્થતા ને શાંતિની અભિલાષા રાખો છો તે સ્વસ્થતા ને શાંતિ તમને ત્યારે જ અથવા તેવી રીતે જ મળી શકશે. મહાપુરૂષોના દર્શન-સમાગમનો લાભ મેળવીને પણ છેવટે તો તમારે તમારી જાતનો વિકાસ જ સાધવાનો છે.

પ્રશ્ન :  એવા ઈશ્વરદર્શી, ઈશ્વરના કૃપાપાત્ર મહાપુરૂષો આપણી ઉપર કૃપા કરીને આપણે જે ઈચ્છીએ તે બધું આપી ના દે ? એ આપણને ઈશ્વરનું દર્શન કે સમાધિની પ્રાપ્તિ ના કરાવે ?
ઉત્તર : એમણે એવું શા માટે કરાવવું જોઈએ ?

પ્રશ્ન : આપણી ઉપર કૃપા કરવા.
ઉત્તર : પરંતુ એવી કૃપા એ શા માટે કરે ? એમને એવી કૃપા કરવા પ્રેરિત કરવા માટે તમારી અંદર કશીક યોગ્યતા તો જોઈએ ને ?

પ્રશ્ન : રામકૃષ્ણ પરમહંસદેવે વિવેકાનંદ પર કૃપા કરીને એમને જગદંબાનું દર્શન નહોતું કરાવ્યું અને સમાધિ અવસ્થાનો અલૌકિક અનુભવ પણ નહોતો આપ્યો ? એવી રીતે એવા મહાપુરૂષ આપણા મસ્તક પર હાથ મૂકે તો બેડો પાર થઈ જાય, દર્શન થાય, સમાધિ મળી જાય ને જુદી જુદી સિદ્ધિઓ પણ સાંપડી જાય. પછી સાધનાની કશી કડાકુટ જ ના રહે. સીધા જ સાતમી ભૂમિકાએ પહોંચી જવાય.
ઉત્તર : પરંતુ એવા કોઈક પ્રતાપી કે દૈવી મહાપુરૂષ તમને મળે ને તમારા મસ્તક પર હાથ મૂકે ત્યારે ને ? તમે એવા મહાપુરૂષની માહિતી એટલા માટે જ મેળવવા માગતા લાગો છો. પરંતુ તમારી યોગ્યતા વગર એ કેવી રીતે મળશે ને ધારો કે મળશે તો પણ મદદ કરવા તૈયાર થશે એવું થોડું છે ? એ તમારા મસ્તક પર હાથ મૂકશે તો તમને સમાધિ થશે અને એ સમાધિને તમે જીરવી શકશો એવું પણ ના માની લેતા. તમે વિવેકાનંદની ને રામકૃષ્ણદેવની વાત કરો. પરંતુ વિવેકાનંદ પર રામકૃષ્ણદેવની એટલી બધી કૃપા શા માટે થઈ શકી તે તો વિચારો. વિવેકાનંદની યોગ્યતા કેટલી બધી વિરાટ હતી ? એમના પૂર્વ જન્મના ને ચાલુ જન્મના સંસ્કારો કેટલા બધા મહાન હતા ? રામકૃષ્ણદેવે એમને માટે કેવા સુંદર સારવાહી શબ્દો ઉચ્ચારેલા ? માટે જ એમણે કૃપા કરી અને વિવેકાનંદ પણ એ કૃપાને જીરવી શક્યા. પરંતુ રામકૃષ્ણદેવના બીજા ભક્ત મથુરબાબુનું શું થયું ? રામકૃષ્ણદેવે એમની પ્રાર્થનાથી એમના માથે હાથ મૂક્યો તો એ સહન ના કરી શકવાથી બૂમ પાડી ઊઠ્યા. માટે કશું જ કર્યા વિના, લેશ પણ પ્રયત્ન કર્યા વિના, થોડાક પણ અધિકારને પ્રાપ્ત કર્યા વિના, એમને એમ કૃપા મેળવવાની લાલસા ના રાખો. એવી લાલસા રાખવાને બદલે વધારે ને વધારે યોગ્યતાને તૈયાર કરો એ જ સારું છે.

Today's Quote

We judge ourselves by what we feel capable of doing, while others judge us by what we already have done.
- Longfellow 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 21 guests online

View site in