if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગુરૂમૂર્તમમાં એમનો તપશ્ચર્યાક્રમ એવી અબાધિત રીતે ચાલુ રહ્યો. ત્યાં એમને બે મહિના જેટલો વખત થઈ ગયો. એ દરમિયાન એક નવી મહત્વની ઘટના બની. ગુરૂમૂર્તમના શાંત સ્થળમાં મહર્ષિને લાવવામાં નિમિત્તરૂપ બનનાર તંબિરાન સંજોગવશાત્  એકાએક એમનાથી છૂટો પડ્યો. એક દિવસ સવારે એણે નાયનારને જણાવ્યું કે એક અઠવાડિયાની અંદર પાછો આવું છું. ત્યાં સુધી તમે સ્વામીજીની સેવા કરતા રહેજો. પરંતુ નાયનારને ખબર નહિ કે એ એની તંબિરાન સાથેની છેલ્લી મુલાકાત હતી. તંબિરાન એની ને મહર્ષિની રજા લઈને ગયો તો ખરો, પરંતુ એક વરસ સુધી એના કશા સમાચાર જ ના મળ્યા.

એ ઘટના પછી થોડેક વખતે નાયનારને એના મઠવાળાઓએ બોલાવી લીધો એટલે એની ઈચ્છા વિરુદ્ધ એને મહર્ષિનો ત્યાગ કરવો પડ્યો. નાયનાર તથા તંબિરાન બંને મહર્ષિથી છૂટા પડતી વખતે ગદ્ ગદ બની ગયા. એમનું અંતર અતિશય લાગણીવશ બની ગયું. મહર્ષિ જેવા મહાપુરૂષની સંગતિ ને સેવાનો સુભગ સુયોગ પૂર્વના કોઈક મહામૂલ્યવાન સત્કર્મના પરિણામે પ્રાપ્ત થયેલો તે એના પરિપાકની પરિસમાપ્તિ થવાથી પૂરો થયો. જુદા જુદા જીવોના સંયોગ ને વિયોગ કરાવનાર કાળદેવતા અને એનું નિયમન કરનારી પરમાત્માની પરમશક્તિનું ભાવપૂર્વક સ્મરણ કરીને એમણે એને પ્રણામ કર્યા. સંયોગની પળો ખરેખર કાવ્યમય હોય છે, પરંતુ વિયોગની ક્ષણો પણ કાંઈ ઓછી કવિતામય નથી હોતી.

સૌનો સંયોગ કરાવવામાં મહત્વનો ભાગ ભજવનાર કાળ દેવતાએ એ પછી થોડા જ સમયમાં રમણ મહર્ષિ સાથે એક બીજા ઉલ્લેખનીય પુરૂષનો પરિચય કરાવ્યો.

એ પુરૂષનું નામ પલનિ સ્વામી.

પલનિ સ્વામી નામના સાધુપુરૂષ તિરુવન્નામલૈના ભક્ત નાગલિંગ સ્વામીના મૃત્યુ પછી એના ઘરમાં વાસ કરતા. એ મૂળ કેરલના નિવાસી હતા. એમને ગણપતિ ઉપર ખાસ પ્રેમ હોવાથી એ ગણપતિની સુંદર પ્રતિમાની પૂજા કરતા ને ગણપતિને ભોગ ધરીને એમના પ્રસાદ તરીકે દિવસમાં એકવાર જમતા. એમનું ભોજન મીઠા વિનાનું રહેતું. એમની ગણપતિને માટેની શ્રદ્ધાભક્તિ અનન્ય હતી. એ શ્રદ્ધાભક્તિથી લોકો આશ્ચર્યચક્તિ બની જતા. એકવાર શ્રીનિવાસ અય્યર નામે ભક્તપુરૂષે એમની મુલાકાત લઈને એમની પૂજાની પદ્ધતિ નિહાળીને જણાવ્યું : ‘તમારી પૂજાને એટલી બધી ઉત્તમ ના કહી શકાય.’

‘કારણ ?’

‘કારણકે તે પૂજા પથ્થરની છે. પથ્થરની પૂજા કરવાથી શો લાભ થઈ શકે ?’

‘કશો જ ના થાય ? ’

‘થોડોઘણો કદાચ થતો હશે. પરંતુ પથ્થરની પ્રતિમાની પૂજા કરવા કરતાં પ્રકટની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે.’

‘પ્રકટની પૂજા એટલે ? આ પ્રકટની જ પૂજા છે.’

‘ના. આને પ્રકટની પૂજા ના કહેવાય.’

‘તો પછી ? ’

‘ગુરૂમૂર્તમમાં જે સ્વામી અસાધારણ તપશ્ચર્યા કરી રહ્યા છે તે કોઈ સાધારણ સ્વામી નથી. એમના રૂપમાં સ્વયં ભગવાન જ માનવશરીર ધારણ કરીને આવ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એમની સાધના ખૂબ જ કઠોર છે. એમની સંગતિ તથા સેવાનું સૌભાગ્ય કોઈક બડભાગીને જ પ્રાપ્ત થઈ શકે. એમની સાથે રહીને એમની સેવા કરવાથી તમે સહેલાઈથી તરી જશો. એ સંતપુરૂષને કોઈ સામાન્ય પુરૂષ ના સમજતા. મેં એમનું દર્શન અવારનવાર કર્યું છે. એને લીધે આવી અનુભવવાણી કહી બતાવું છુ.’

પલનિ સ્વામી એ શ્રદ્ધાભક્તિથી તરવરતા શબ્દોને સાંભળીને વિચારમાં પડ્યા.

એમણે વિશેષ ચર્ચા કરવાને બદલે શાંત રહીને થોડા વખત પછી ગુરૂમૂર્તમ પ્રતિ પ્રયાણ કર્યું.

એ વખતે ગુરૂમૂર્તમમાં મહર્ષિ એકલા જ હતા.

પલનિ સ્વામીએ ત્યાં આવીને એમને જોયા કે તરત જ એમને થયું કે આ પરમપ્રતાપી મહાપુરૂષની સંનિધિ અને સેવાથી મારું જીવન ધન્ય બની જશે ને સર્વકાંઈ કૃતાર્થ થશે. આ પુરૂષ પેલા શ્રીનિવાસ અય્યરે કહ્યા પ્રમાણે ખરેખર લોકોત્તર, અસાધારણ અને અદ્દભુત છે. મારે બીજા બધાની આશા છોડીને એમનું જ શરણ લેવું જોઈએ.

એમણે મહર્ષિના શરણને શ્રદ્ધાભક્તિપૂર્વક સ્વીકાર્યું.

એ મહર્ષિની સ્નેહપૂર્વક સેવા કરવા લાગ્યા.

એમની ગણપતિપૂજા શરૂઆતમાં થોડા દિવસ તો ચાલુ રહી પરંતુ પછી એમના અંતરમાં પ્રકાશ પ્રકટવાથી એમણે વિચાર્યું કે ગણપતિપૂજાની અલગ આવશ્યક્તા હવે નથી રહેતી. ગણપતિની પૂજાના પારિતોષિકરૂપે જ મહર્ષિ જેવા મહાપુરૂષની કે સદ્ ગુરૂદેવની પ્રાપ્તિ થઈ છે. એ અર્થમાં એ પૂજા સફળ ને ધન્ય બની છે. હવે મહર્ષિ સિવાય બીજી કોઈ પણ પ્રતિમાની પૂજા શેષ નથી રહેતી. મહર્ષિ જેવા મહાપુરૂષ મળ્યા એટલે મારા સૌભાગ્યનો સૂર્યોદય સોળે કળાએ ખીલી ઊઠ્યો.

મહર્ષિની સેવાનો સઘળો ભાર એમણે જ ઉપાડી લીધો. એ એમની સંપૂર્ણ  સંભાળ રાખતા. કોઈવાર એમને કોઈ કાર્યપ્રસંગે બહાર જવાનું થતું તોપણ એ ખૂબ જ સાવચેતીપૂર્વક મહર્ષિને સ્થાનની અંદર રાખીને બહારના દરવાજા પર તાળુ મારી દેતા. લોકો એમની સાધનામાં વિક્ષેપ પાડીને એમને કોઈ પ્રકારે પજવે નહિ એનું ખાસ ધ્યાન રાખતા. એમના અંતરમાં એ મહાપુરૂષને માટે એવી અસાધારણ ઉત્કટ લાગણી પેદા થયેલી કે વાત નહિ. એનું વર્ણન કરવાનું કામ અશક્ય છે. મહર્ષિના વિના એમના જીવનમાં બીજો કોઈ રસ નહોતો રહ્યો, કશો આનંદ નહોતો લાગતો, એવું કહીએ તો ચાલે. એમના જીવનના આરાધ્ય દેવ એ જ હતા. એમને માટે જ એમના જીવનની સેવાપૂજા, સાધના અને આરાધના હતી. એમની સઘળી સામગ્રી એમની પ્રસન્નતાને માટે જ હતી. એમના પ્રાણમાં પ્રબળપણે પ્રકટેલો જે પ્રેમ એમના ઉપાસ્ય ગણપતિને માટે પ્રવાહિત થઈ રહેલો તે જ હવે એથી પણ વધારે વેગથી એમનાં શ્રીચરણોમાં વહેવા માંડ્યો. એમના આત્માને એથી શાંતિ  મળવા માંડી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.