if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જીવનના સાધનાવિષયક અલગ અલગ અનુભવોથી અલંકૃત બનીને ઈ.સ. ૧૯૦૩માં સૌથી પ્રથમવાર એ તિરુવણ્ણામલૈ આવી પહોંચ્યા. એમની આકાંક્ષા હજુ અધૂરી જ હતી. તિરુવણ્ણામલૈ પહોંચતાં પહેલાં એમના જીવનમાં એક બીજો નોંધપાત્ર બનાવ બનેલો. એ ફરતા ફરતા નવદ્વીપમાં પ્રવેશ્યા. ત્યાં એમની ખ્યાતિ સાંભળીને એમની કાવ્યશક્તિની કસોટી કરવા પંડિતોએ સભા ભરી. એ સભાના પ્રમુખસ્થાને શીઘ્રકવિ પંડિતપ્રવર અંબિકાદત્તજી વિરાજ્યાં. ત્યાં ગણપતિએ એમની અસાધારણ જન્મજાત ઈશ્વરપ્રદત્ત કવિત્વશક્તિ તેમ જ એમના અપ્રતિમ પાંડિત્યથી એકઠા થયેલા મોટા મોટા કવિઓને  ને પંડિતોને મંત્રમુગ્ધ કરી દીધા. સૌએ એમની અદભુત બૌધિક પ્રતિભાનો સ્વીકાર કર્યો ને એમને કાવ્યકંઠની ઉપાધિ પ્રદાન કરી.

તિરુવણ્ણામલૈમાં અરૂણાચલેશ્વરનું સુંદર મંદિર તથા ભગવાન શંકરનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ હોવાથી મંત્રજપ માટે એમને એ સ્થળ અધિક અનુકૂળ લાગવાથી જ એ ત્યાં આવી પહોંચેલા. તપની સિદ્ધિને માટે ત્યાં રહીને સાધના કરવાની ભાવનાથી એમણે ત્યાં એક વરસ સુધી વાસ કર્યો. એ દરમિયાન મહર્ષિની માહિતી મળવાથી એમણે અરૂણાચલ પર્વત પરની વિરૂપાક્ષી ગુફામાં જઈને બે વાર એમનાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. એ ધન્ય અવસર પર જ એમણે એમની આગળ વિનાયકસ્તોત્રના પેલા સુપ્રસિદ્ધ શ્લોકનો અભિનવ અર્થ કરી બતાવ્યો.

એ પછી એ વેલોરમાં અધ્યાપક તરીકે રહેવા લાગ્યા. ત્યાં એમણે નવયુવકોના એક મંડળની સ્થાપના કરી. એમની અભિલાષા એવી હતી કે એ નવયુવકો એમના પથદર્શન અને એમની પ્રેરણા પ્રમાણે પ્રામાણિકપણે લાંબા વખત લગી મંત્રજપ કરીને દિવ્ય શક્તિનું નિર્માણ કરે અને એ શક્તિ દ્વારા માનવોને માટે આશીર્વાદરૂપ બનતાં રાષ્ટ્રનું અભ્યુત્થાન કરવામાં સફળતા મેળવે.

પરંતુ ...ઈશ્વરની ઈચ્છા કે યોજના જુદી જ હતી. એમના જીવનનો પવિત્ર પ્રવાહ જુદી જ દિશામાં વહેવાનો હતો. એમને માટે જુદા જ અનુભવો નક્કી થયા હતા. એ અનુભવો એમના આત્મવિકાસમાં મદદરૂપ બનવા સરજાયલા. એટલે ઈ.સ. ૧૯૦૭ના ડિસેમ્બર દરમિયાન વેલોરના અધ્યાપકપદનો પરિત્યાગ કરીને એ તપશ્ચર્યામાં લાગી જવાના આશયથી એકવાર ફરીથી તિરુવણ્ણામલૈ આવી પહોંચ્યા.

એમને માટે એ આગમન આશીર્વાદરૂપ, સુખદાયક, શાંતિકારક અને લાભપ્રદ નીવડ્યું. એ શુભાગમન પછી એમના મનમાં એક નવો જ વિચાર પેદા થયો. ભારતનાં વિભિન્ન તીર્થોમાં વરસો સુધી શ્રદ્ધાભક્તિ સહિત રહીને એમણે તપ કરેલું, ચિંતનમનનો આધાર લીધેલો, તેમજ સ્વાધ્યાયમાં મન પરોવેલું, ઉપનિષદ, પુરાણ, ઈતિહાસ, કાવ્ય તથા મંત્રયોગના જુદાજુદા ગ્રંથોને સંપૂર્ણપણે વાંચી વિચારીને એમના રહસ્યને હસ્તગત પણ કરેલું. એ છતાં પણ મનને શાંતિનો અનુભવ કેમ નહોતો થતો ? જીવનમાં અસંતોષ કેમ શેષ રહેલો ? તપથી તો સંતોષ ને શાંતિ સાંપડે છે ને સાંપડવી જોઈએ, છતાં એ શાશ્વત શાંતિ શા માટે નથી સાંપડી ? એનું કારણ શું સમજવું ? એમને થયું કે હું આટલા બધા લાંબા વખતથી ખોટું તપ તો નથી કરી રહ્યો ? તપના રહસ્યને હું સાચા અર્થમાં સમજી શક્યો છું ખરો ? જો સમજી શક્યો હોઉં તો સિદ્ધિની પ્રાપ્તિને આટલી બધી વાર કેમ લાગે છે ? કે પછી મારી સમજ પ્રમાણેની સિદ્ધિપ્રાપ્તિ જેવી કોઈ વસ્તુ જ નથી અને એ સિદ્ધિ મને કદાપિ નથી મળવાની ?

એમનું મન મૂંઝાવા માંડ્યુ. એ કોઈ નિર્ણય પર ના પહોંચી શક્યા.

એ દિવસો વિખ્યાત મહોત્સવના આનંદદાયક દિવસો હોવા છતાં એ પંડિતપ્રવરના પ્રાણમાં વિષાદ ફરી વળ્યો. એમનો આત્મા દુઃખમાં ડૂબી ગયો. શું કરવું તેની સમજ ના પડી. ત્યાં તો મહોત્સવના નવમા દિવસે એમના નિરાશામય જીવનમાં આશાનું અમૂલખ કિરણ પ્રકટ્યું. મધ્યાન્હ સમયે એમને અરૂણાચલ પર રહેતા બ્રાહ્મણ સ્વામીની સ્મૃતિ થઈ. એમની તેજસ્વી, શોકમોહરહિત, સ્થિતપ્રજ્ઞદશાસૂચક, શાંત મુખાકૃતિ એમની આંખ આગળ આવીને ઊભી રહી. એમનું અંતર એક જાતના અજ્ઞાત આકર્ષણ અને અનુરાગથી નાચી ઊઠ્યું. એમને થયું કે આ મહાત્મા પુરૂષ એમના અનુભવના આધાર પર તપના સાચા રહસ્યને જરૂર જાણતા હશે ને તપના ફળની પ્રાપ્તિ કરી ચૂક્યા હશે : મારે એમના જ શરણમાં વિના વિલંબ જવું જોઈએ. એ પ્રત્યક્ષ દેવતા છે ને મને માર્ગદર્શન તથા શાંતિ અવશ્ય આપી શકશે. એમની અંદર એવી શક્તિ છે. હું અત્યાર સુધી આમતેમ ફરતો રહ્યો પણ હવે એમની પાસે પહોંચી જઉં.

એમને જાણે કે અભિનવ પ્રકાશની પ્રાપ્તિ થઈ. મનમાં વ્યાપેલાં વિષાદના વાદળાં ધીમે ધીમે વીખરાવા લાગ્યાં.

બ્રાહ્મણ સ્વામી સાથેના પહેલાંના પ્રસંગની એમને સ્મૃતિ થઈ. એમની આંખ આનંદના અશ્રુથી ઉભરાઈ આવી.

મધ્યાન્હનો વખત હોવા છતાં, તાપની પરવા કર્યા વિના એ વિરૂપાક્ષી ગુફાને લક્ષ્ય કરીને અરૂણાચલ પર્વત પર ચઢવા માંડ્યા. એમનું અંતર અવનવા ઉત્સાહે ઊછળવા લાગ્યું.

પર્વતનું અંતર એમને માટે ટૂંકું થઈ ગયું.

વિરૂપાક્ષી ગુફાની આગળ આવી પહોંચ્યા ત્યારે એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો. ત્યાંની અસીમ શાંતિ એમના અણુપરમાણુને ઘેરી વળી.

એ અતિશય લાગણીવશ બની ગયા.

એમના સદભાગ્યે મહર્ષિ ગુફાની બહારના ઓટલા પર એકલા જ બેઠેલા. એ જોઈને એમને થયું કે ભાગ્ય પોતાને અનુકૂળ છે અને એમની ઉપર ઈશ્વરની કૃપા છે.

મહર્ષિને જોઈને એમના સંયમના સઘળા બંધ તૂટી ગયા. એ વિશેષ સંવેદનશીલ બનીને એમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને બંને હાથે એમના પગ પકડીને લાગણીપ્રધાન બનતાં બોલી ઊઠ્યા :

 ‘જે વાંચવાનું હતું તે બધું વાંચી લીધું. વેદાંતનું પણ સમજપૂર્વક પૂરેપુરું અધ્યયન કર્યું. જ્યાં સુધી તૃપ્તિ ના વળી ત્યાં સુધી જપ કર્યા. તો પણ હજુ સુધી તપ શું છે તેની સમજ મને નથી પડી. એટલા માટે તમારા શરણમાં આવી પહોંચ્યો છું. તમે જ મને સાચી સમજ ને શાંતિ આપી શકો તેમ છો. મારી ઉપર કૃપા કરો ને મને તપના રહસ્યનું ભાન કરાવો.’

એમની આંખ ભરાઈ આવી.

શાસ્ત્રજ્ઞાનનો ને તપનો રહ્યો સહ્યો અહંકાર દૂર થયો.

એના સિવાય આવું સર્વસમર્પણ ના થઈ શક્યું હોત.

સર્વસમર્પણની વચ્ચે અહંકાર જ આવતો હોય છે. પછી એ અહંકાર ગમે તે પ્રકારનો ને ગમે તેટલી માત્રાનો હોય. એની નિવૃત્તિ વિના શાંતિ, પૂર્ણતા કે મુક્તિ નથી.

મહર્ષિ એ સંવેદનશીલ, સમર્પણભાવયુક્ત, શરણાગત, આતુર, શાસ્ત્રી તરફ પંદરેક મિનિટ સુધી શાંતિપૂર્વક જોઈ રહ્યા.

એમને ઓળખતાં એમને વાર ના લાગી.

એ આતુર પંડિતશિરોમણિને શાંતિ આપવા માટે એ ધીમે ધીમે, તૂટ્યાં ફૂટ્યાં તામિલ વાક્યોમાં બોલ્યા : ‘અહંભાવનો જ્યાંથી આવિર્ભાવ થાય છે ત્યાં અનુસંધાન કરવામાં આવે તો મન આખરે એમાં ડૂબી જાય છે. એ જ તપ છે.’

 ‘મંત્ર જપતી વખતે મંત્રના ધ્વનિનો આવિર્ભાવ થાય છે તે તેના મૂળ ઉદભવસ્થાન તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો મન આખરે એમાં ડૂબી જાય છે. એ જ તપ છે.’

એ સુંદર સુયોગ્ય સદુપદેશ ગણપતિ શાસ્ત્રીને સારુ સુધાસભર થઈ પડ્યો.

એના શ્રવણથી એમના સંતપ્ત અંતરને શાંતિ વળી.

એમના અંતરની આગળનાં આવરણ હઠી ગયાં.

મહર્ષિના અસાધારણ અનુગ્રહનો એમને લાભ મળ્યો અને એ પણ અત્યંત અદભુત રીતે.

ઈ.સ. ૧૮૯૬ના સપ્ટેમ્બરમાં શરૂ થયેલું એમનુ સહજ મૌનવ્રત એમના શુભ સંસ્કારોદયથી ઈ.સ. ૧૯૦૭માં પૂર્ણાહુતિ પામ્યું.

પલનિ સ્વામી દ્વારા એમણે એમના પ્રકાશદાતા એ મહાપુરૂષના મૂળ નામને જાણીને એમની પ્રશસ્તિના પાંચ  શ્લોકની એ જ વખતે રચના કરી ત્યારે જ એમના આત્માને સંતોષ થયો. એ શ્લોકોમાં એમણે રમણ શબ્દનો સૌથી પ્રથમ વાર પ્રયોગ કર્યો. એ પ્રયોગને પાછળથી સૌએ અપનાવી લીધો. એ પ્રયોગ મહર્ષિને માટેનો કાયમી ––સનાતન શબ્દપ્રયોગ બની રહ્યો.

બીજે દિવસે ગણપતિ શાસ્ત્રીએ એમના સંબંધીઓ ને શિષ્યોને પત્ર લખીને એમને અરૂણાચલ પર્વત પર રહેતા બ્રાહ્મણ સ્વામીએ આપેલો ઉપદેશ જણાવ્યો અને સૂચવ્યું કે એમને હવેથી મહર્ષિ તરીકે ઓળખવા, કારણ કે એવા અસાધારણ નામને એ યોગ્ય છે. એમનો ઉપદેશ તદ્દન નવો છે અને એવો ઉપદેશ આજ સુધી બીજે ક્યાંય નથી જોવામાં આવ્યો. એમણે બ્રાહ્મણ સ્વામીને ભગવાન મહર્ષિ તરીકે ઓળખવાનો ને બોલાવવાનો સૌને આદેશ આપ્યો. એ રીતે જોઈએ તો ભગવાન રમણ મહર્ષિના નૂતન નામકરણમાં ગણપતિ શાસ્ત્રી નિમિત્ત બન્યા.

ઈ.સ. ૧૯૦૮ના માર્ચ પછી ગણપતિ શાસ્ત્રીએ તિરુવણ્ણામલૈ છોડતી વખતે મહર્ષિની અનુમતિ માગતાં પૂછ્યું :

 ‘અહંના ઉદભવસ્થાનની શોધ મારા સઘળા આદર્શોની સિદ્ધિને માટે પર્યાપ્ત છે કે કોઈ બીજા મંત્ર કે ધ્યાનની જરૂર છે ?’

મહર્ષિએ ઉત્તર આપ્યો:

 ‘અહંના ઉદભવસ્થાનની શોધ પર્યાપ્ત છે.’

એમના વ્યક્તિગત આદર્શ સંબંધી પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું :

 ‘તમારો બધો જ ભાર ઈશ્વરને સોંપી દો. એ એને ઉપાડી લેશે ને તમને તેમાંથી મુક્તિ મળશે. એ એમનું કર્તવ્ય પૂરું કરશે.’

પછીના વરસોમાં શાસ્ત્રીએ તિરુવત્તિયૂર, ગોકર્ણ જેવાં સુંદર તીર્થોમાં તપ કરવાના નિરધાર સાથે નિવાસ કર્યો.

મહર્ષિના અસાધારણ આકર્ષણમાંથી મુક્તિ મેળવવાનું કાર્ય ખૂબ જ કપરું હતું. એ કાર્ય કરવાની ઈચ્છા પણ એમને ન હતી. એટલે સમય મળતાં એ મહર્ષિની મુલાકાત લઈને શાંતિ, પ્રકાશ કે પ્રેરણા મેળવતા. એ મહાપુરૂષને માટે એમને અપાર પ્રેમ હતો ને મહર્ષિ પણ એમની ઉપર પ્રેમ રાખતા. એમની યોગ્યતાને જોઈને એ એમને ઉચિત આદર આપતા.

એમને મહર્ષિની કૃપાથી જુદા જુદા અનુભવોની પ્રાપ્તિ પણ થયા કરતી. ઈ.સ. ૧૯૦૮માં મદ્રાસ પાસે તિરુવત્તિયૂરમાં એમને એક સુંદર અનુભવ થયેલો. ત્યાંના ગણપતિ મંદિરમાં રહીને એમણે અઢાર દિવસ મૌન રાખ્યું ને સાધના કરી. અઢારમે દિવસે એમને-એ આરામ કરતા આડા પડેલા ત્યારે-એક વિલક્ષણ અનુભવ થયો. એમના આશ્ચર્ય વચ્ચે મહર્ષિની આકૃતિ એમની બાજુમાં આવીને બેસી ગઈ. એમણે ઊઠવાનો પ્રયત્ન કર્યો તો મહર્ષિએ એમના મસ્તકને પકડી એમને દબાવીને એ પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો. એથી એમને ઈલેક્ટ્રીક શૉક જેવું લાગ્યું. એમણે માન્યું કે મહર્ષિએ એ રીતે એમને સ્પર્શદીક્ષા આપી.     

પોતાના જીવનનાં આખરનાં વરસોમાં ઈ.સ.૧૯૩૦માં શાસ્ત્રી ખડગપૂર પાસેના નિમપુરા ગામમાં રહેવા લાગ્યા. ત્યાં રહીને એમણે તપમાં જ મનને પરોવી દીધું. એમના શિષ્યો એમનું ધ્યાન રાખતા. ઈ.સ. ૧૯૩૬ના જુલાઈની પચીસમીએ ત્યાં જ એમનો દેહવિલય થયો ત્યારે એ સમાચારથી લાગતાવળગતા સૌ સંવેદનશીલ બની ગયા–– મહર્ષિ પણ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.