Text Size

વિચારની પદ્ધતિ

 

સહેલામાં સહેલી વસ્તુઓને પણ મેળવવાનું કામ કેટલીક વાર કઠિન થઈ પડે છે.

આપણે આપણા અશાંત મનને સર્વ પ્રકારના ભ્રાંત વિચારો, તુક્કાઓ અને કલ્પના-તરંગોમાંથી મુક્ત કરવાની કોશિશ કરીએ છીએ અને આપણી પસંદ કરેલી વસ્તુમાં એકાગ્ર કરવા માટે મથીએ છીએ ત્યારે મન આપણા સકંજામાંથી છૂટવા માટે બનતા બધા જ પ્રયત્નો કરી છૂટે છે. એની સાથેના સંઘર્ષમાં સફળ થવા માટે મજબૂત મનોબળની જરૂર પડે છે. વિચારો ક્યાંથી પાદુર્ભાવ પામે છે એ શોધી કાઢો એટલે ધ્યેયની પ્રાપ્તિ અનાયાસે આપોઆપ થઈ જશે. સાચા સાક્ષાત્કારનો મર્મ એવો છે. પરંતુ એ અતિશય ગહન હોવાથી એને સમજવાનું કામ ખૂબ જ કઠિન છે. મહર્ષિનો મેળાપ થતાં પહેલાં મેં વરસો સુધી આત્મવિચારનો આધાર લીધેલો. એમની ઉપદેશપદ્ધતિ આ પ્રમાણે છે :

પોતાની જાતને ધ્યાનમાં ડૂબાડી દઈને પ્રત્યક્ષ રીતે અનુભવવું કે આત્મા અથવા સત્ય સ્વરૂપ નાશવંત શરીર, મન, બુદ્ધિ કે લાગણી નથી. એ સત્યનો સ્વાનુભાવ સાચી રીતે સંપૂર્ણપણે થઈ ગયા પછી પ્રત્યેક પળે હું કોણ છું એવા સ્વાત્મસંશોધનાત્મક વિચારનો આશ્રય લેવો. બીજો બહારનો વિચાર પેદા થાય તો તેને મનની અંદર જ આત્મવિચારની મદદથી શાંત કરવો. સાધકનો પ્રયત્ન જેટલો પ્રખર અને અનવરત હોય છે તેટલો જ પરિણામના પ્રકારમાં અને સમયમાં ફેર પડે છે. અસ્થિર મનનો સાધક સાધનાના સંઘર્ષને તિલાંજલિ આપવા તૈયાર થાય છે. જેમ જેમ મનમાં પેદા થતા પ્રત્યેક વિચારને બદલે આત્મવિચારનો આધાર લેવામાં આવે છે તેમ તેમ સંપૂર્ણ શાંતિનો વખત વધતો જાય છે. આરંભમાં તો એ વખત થોડીક સેકન્ડો જેટલો જ હોય છે પરંતુ જેમ અભ્યાસ આગળ વધે છે તેમ મિનિટો સુધી નીરવ શાંતિ અનુભવાય છે. સૌથી મહત્વની વાત મનની એ શાંતિને પામવાની ને એને પામવાનાં સાધનોને યાદ રાખવાની છે. એ સાધનાપ્રક્રિયાને વર્ણવવાનું કામ કઠિન છે. કારણ કે એ મનની પ્રવૃત્તિથી પર છે. મનમાં પેદા થનારા શબ્દો એને સમજાવી ના શકે. તો પણ પ્રત્યેક સાચા સાધકને એવો અનુભવ થતો હોય છે, એ સાચું છે.

હું જયાં પણ વિચરતો ને વસતો ત્યાં આત્મવિચાર મારી સાથે રહેતો. રસ્તા પર ચાલતી વખતે, ટ્રામ તથા ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, અથવા તો આખા દિવસ દરમિયાન મારું મન કોઈ બાહ્ય પ્રવૃત્તિમાં લાગેલું નહોતું રહેતું ત્યારે હું એનો જ આધાર લેતો.

શરૂઆતના દિવસોમાં હું કોણ છું, હું કોણ છું એ પ્રમાણે સંખ્યાની ગણતરી કરીને હું આત્મવિચારનો આધાર લેતો. મારા સંજોગોને લીધે જ્યારે એ અભ્યાસમાં વિક્ષેપ પડ્યો ત્યારે એ વિચારની સંખ્યાને મેં યાદ રાખી. કેટલીક વાર સંજોગોને અનુસરીને હું એ વિચારને કાગળની કાપલી પર લખીને એને મારા ગજવામાં રાખવા માંડ્યો. શરૂઆતના થોડાક દિવસો સુધી એ વિચારની સંખ્યા હજાર જેટલી, અને પાછળથી સાત હજાર જેટલી તથા વધારે રહેતી. બોલવાની ને કોઈક બીજી ફરજિયાત માનસિક પ્રવૃત્તિના વખતને બાદ કરતાં બાકીના બધા જ વખત દરમિયાન પ્રતિપળે મેં આત્મવિચારનો આધાર લેવા માંડ્યો ત્યારે મનમાં આત્મવિચાર આપોઆપ અને અનવરત રીતે પ્રાદુર્ભાવ પામતો હોવાથી, ગણતરી કરવાનું છોડી દીધું. મહત્વની વાત તો એ છે કે આત્મવિચારનો આધાર હું કેવળ મનથી નહોતો લેતો પરંતુ પ્રત્યેક વખતે મારા વાસ્તવિક સત્ય સ્વરૂપના સાક્ષાત્કારની કોશિશ કરતો.

એને લીધે મને આ પ્રકારનાં પરિણામોની પ્રાપ્તિ થઈ : મનની ઊંડી શાંતિ અને એને મારી સ્વેચ્છા પ્રમાણે સ્વતંત્ર રીતે વાપરવાની અહંવૃત્તિ કરતાં અલગ શક્તિ. સામાન્ય માનવ અજ્ઞાનને લીધે માને છે કે પોતે પંચમહાભૂતના શરીરનો, લાગણીઓનો, મનનો તથા બુદ્ધિનો બનેલો છે. ગુરુની કૃપાથી શિષ્ય એવી મિથ્યા ભ્રાંતિમાંથી મુક્તિ મેળવે છે. એના આધ્યાત્મિક જીવનવિકાસમાં એથી મોટી મદદ મળે છે. એના પંથની પ્રગતિ માટે એ અનિવાર્ય રીતે આવશ્યક હોય છે. માનવની ઉપર મનનું આધિપત્ય હોવાથી એ કેવળ ગુલામ છે, અને જે મન તથા ઈન્દ્રિયોના દાસ હોય છે એમને કદી આત્માસાક્ષાત્કાર નથી થઈ શકતો.

આત્મવિચારનો આધ્યાત્મિક હેતુ સ્પષ્ટ છે. એનો આશ્રય લઈને આપણે આપણા જન્મસિદ્ધ અધિકાર જેવા જીવનના મૂલાધાર પરમચૈતન્યની શોધ કરીએ છીએ. હું કોણ નો આધાર લઈને આગળ વધવાથી થતા બીજા લાભોનું વર્ણન બીજાં પ્રકરણોમાં કરવામાં આવ્યું છે. જીવનની સઘળી સમસ્યા આત્મવિચારમાં સમાઇ જાય છે. પ્રત્યેક ધર્મ અને ધર્મગુરુ જણાવે છે કે જીવન તત્વઃ શાશ્વત છે, અવિનાશી છે, પરંતુ તે જીવન એટલે શું ?

મહર્ષિએ જણાવ્યું ને શિષ્યે સ્વાનુભવ કર્યો કે શાશ્વત જીવન એટલે અખંડ આત્મસત્તા અથવા ચેતના.

એ અવસ્થા પર પહોંચવાનો અર્થ સનાતન સત્યની અથવા આત્માની અમરતાની અનુભૂતિ કરવી એવો થાય છે. એ જીવનનું ધ્યેય અથવા જીવનનો અંતિમ આદર્શ છે. બીજું કશું જ નથી. એનું ધ્યાન કરવાથી સ્થૂળ મનની મદદથી પણ સત્યને સારી પેઠે સમજી શકાશે.

ક્રાઈસ્ટે કહ્યું છે તે પ્રમાણે સાધુપુરુષને અને સદાચારીને એવા સ્વર્ગ-સામ્રાજ્ય પ્રાપ્તિ થાય છે. એ મૃત્યુંજય બની જાય છે. માનવજાતિના એ મહાન સદુપદેશકના શબ્દો કેટલા બધા સ્પષ્ટ લાગે છે !

બીજી રીતે વિચારીએ તો સ્પષ્ટ થાય છે કે અવિકસિત માનવની ચેતનામાં કષ્ટ મૃત્યુને લીધે પ્રસંગોપાત્ત વિક્ષેપો આવે છે અને આવવા જોઈએ.

માનવની ચેતનાનો સ્તર અધિકાંશ માનવોના જીવનમાં જોવા મળે છે તેમ મનના સ્તરથી ઉપર ઊઠી ના શકે તો એમાં વ્યાધિ, બંધન, અશાંતિ જેવી માયાની વિકૃતિઓ જન્મે, ભેદભાવ પેદા થાય અને બંધનોની સૃષ્ટિ સર્જાય. પરંતુ એથી ઊલટું, આપણી ચેતના પરમાત્માની પરમ ચેતના પ્રત્યે વળવા માંડે અથવા સંસારના આદિ, અજન્મા, અવિનાશી, સર્વેશ્વર પરમાત્મા સાથે અખંડ અનુસંધાન સાધે તો મૃત્યુની પાર પહોંચાય અને મૃત્યુની પાર પહોંચાય અને મૃત્યુ રહી શકે જ નહિ. એ ચર્ચા પરથી મહર્ષિના ઉપદેશના મર્મને સારી પેઠે સમજી શકાશે. એ પુનરાવતારની સત્યતાને સ્વીકારવા છતાં આત્માની દૃષ્ટિએ એનું અસ્તિત્વ નહોતા માનતા. એમની દૃષ્ટિ પ્રમાણે મૃત્યુ અને પુનરાવતાર બન્ને ભ્રાંતિઓ છે, અને કપડાંને બદલવા છતાં પણ શરીરને અસર નથી થતી તેમ એમની અસર આત્માને નથી પહોંચતી. આત્મવિચાર એવી રીતે પ્રત્યેક પથ પર પ્રકાશ પાડે છે.

 

Today's Quote

If you think you're free, there's no escape possible.
- Ram Dass

prabhu-handwriting