Text Size

એક મુસ્લિમ સંતની કબર

એક દિવસ મારા એક મિત્રે મને તિરુવન્નામલાઈની મસ્જિદમાં બંદગી કરવાને માટે આમંત્રણ આપ્યું. હું ત્યાં ગયો ત્યારે મને એમના તરફથી ત્યાં ઉત્તર હિન્દુસ્તાનના એક હાજી નામના મુસલમાન ફકીરની વિચિત્ર કથા કહેવામાં આવી. એ ફકીરે પોતાના મૃત્યુના થોડા દિવસ પહેલાં શિષ્યોને કહેલું કે :

‘જ્યારે હું મારા પાર્થિવ શરીરનો પરિત્યાગ કરીશ ત્યારે મારો આત્મા તમારી સાથે વાસ કરશે. જેમને પણ મારી મદદની આવશ્યકતા હશે તે કોઈ પણ પ્રકારના જ્ઞાતિભેદ તથા સામાજિક મોભાના ભેદભાવ સિવાય મારી કબરની મુલાકાત લઈ શકશે. હું જાણે કે સ્થૂલ સ્વરૂપે હાજર હોઉં તેમ માનીને એ પોતાની આકાંક્ષા અથવા અભિલાષાને રજુ કરી શકશે. એની પ્રાર્થનાને લક્ષમાં લઈને એની વાતને હું ખુદાની પાસે પહોંચાડીશ. ખુદા પોતાના સેવકની અરજીને લક્ષમાં લઈને એની ઈચ્છા પૂરી કરશે.’

હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સૌ કોઈને ન્યાતજાત કે સંપ્રદાયના ભેદ વગર એવી મદદ મળેલી તે વિશેના કેટલાયે કિસ્સાઓ એમણે મને કહી સંભળાવ્યા. અરુણાચલ પર્વતની ગુફાઓની મુલાકાત પછી એક દિવસ સંધ્યા સમયે મેં હાજી ફકીરની કબરને જોવા માટે પ્રયાણ કર્યું. કબરનું સ્થાન એકદમ સાંકડું અને નાનું હતું. એની અંદરના ભાગમાં એક ચોકીદાર દેખાયો. તે કબરની બાજુમાં રહેતો અને દિવસે તથા રાતે અગરબત્તી અને ધૂપ સળગાવતો. કબર સીધીસાદી અને લંબચોરસ હતી. આગળની ઓશરીમાં બે નાની બત્તીઓ સળગતી. ઓશરી લગભગ ત્રણ થી ચાર ફૂટ મોટી તથા માટીથી છવાયેલી હતી. એની એક બાજુએ કબરની સફેદ દીવાલો શોભતી અને બીજી બાજુએથી જોતાં તાપથી તપેલા મેદાની પ્રદેશના ખેતરો દેખાતાં.

એ આખાય દેવસ્થાનમાં ઊંડી નીરવતા તથા શાંતિ વ્યાપેલી. સૂર્ય આથમવાની તૈયારીમાં હોવાથી ધ્યાનને માટે સુયોગ્ય સમય છે એવું લાગ્યું. સ્થાન પણ એને માટે સર્વ પ્રકારે સાનુકૂળ હતું. એનો પુરાવો મને એકાદ મિનિટમાં મળી ગયો.

ભારતનું વાયુમંડળ બીજા દેશોના વાયુમંડળ કરતાં ખૂબ જ અનોખું અને જુદું છે. એમ કહી શકાય કે ત્યાંની હવામાં ચિંતન, મનન અને નિવૃત્તિપરાયણતાના પરમાણુઓ ભરેલા છે. જો આપણે સ્વીકારીએ કે કુદરતમાં કોઈ પણ શક્તિનો સર્વથા ક્ષય નથી થતો તો એ વાતને સહેલાઈથી સમજી શકીએ. અસાધારણ આધ્યાત્મિક શક્તિઓથી સંપન્ન પ્રચંડ પ્રભાવોત્પાદક પરમાણુઓથી ભરપૂર, એવા અસંખ્ય મહામાનવો પ્રાચીનકાળથી માંડીને અર્વાચીનકાળ પર્યંત પોતાના ધ્યાન દ્વારા પેદા થયેલા શક્તિના પ્રવાહોને ભારતના વાતાવરણમાં વહેતા કરી રહ્યા છે. તે ઉપરાંત કેટલાયે ભારતવાસીઓના વિચારો આધ્યાત્મિક ધ્યેય તરફ વળેલા હોવાથી એને લીધે આશ્રમ જેવાં પવિત્ર સ્થળોમાં અને એની આજુબાજુના પ્રદેશોમાં વિશેષ પ્રકારના પરમાણુઓ પેદા થાય છે. મુસલમાન ફકીરની સમાધિનું સ્થાન મારે માટે એવું જ પ્રભાવોત્પાદક સ્થાન બની ગયું. થોડી જ ક્ષણોમાં બાહ્ય જગતને મારી ચેતનામાંથી નિવૃત્ત થતું જોઈને મેં હાજી ફકીરની હાજરીનો અનુભવ કર્યો. જાણે કે કોઈ મધુર તથા માયાળુ સ્વભાવના મહાપુરુષ મારી આવશ્યકતાઓ અને ઈચ્છાઓ વિશે માહિતી મેળવવા માગતા હોય તથા તેમને કોઈ પણ પ્રકારના સંકોચ કે શરમ વિના વ્યક્ત કરવા વિનવતા હોય એવો અનુભવ મને થવા લાગ્યો. પરંતુ એ અવસર પર મારે કોઈ પ્રાર્થના કરવાની ન હતી. મહર્ષિની સંનિધિમાં જે એક વિચાર મારા મનમાં આવ્યા કરતો તે ત્યાં પણ આવવા માંડ્યો. એ વિચારને ધ્યાનના પ્રવાહ નામના શબ્દપ્રયોગ દ્વારા વ્યક્ત કરું તો તે ઉચિત દેખાશે. મારી ઈચ્છા પ્રમાણે તે રાતે ધ્યાનના એ પ્રવાહે મને મારા અંદાજ કરતાં પણ વધારે આગળ લઈ જવામાં મદદ કરી.

એ પછીનાં સપ્તાહો દરમિયાન મેં કેટલાયે અટપટા અઘરા પ્રશ્નોને ઉકેલવા માટે અવારનવાર એ શાંત સ્થાનની મુલાકાત લીધી. એક સમસ્યા તો ઘણી અશક્ય જેવી હતી. એનો ઉકેલ શક્ય નહોતો લાગતો અને તો પણ મેં કબરની મુલાકાત લઈને હાજી ફકીરની મદદની માગણી કરી તો મારી મુલાકાત પછી ત્રણ જ દિવસમાં મારા કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ સિવાય એનો સુખદ અને અણધાર્યો ઉકેલ આવી ગયો. આ પુસ્તકના વાંચનારા કેટલાંયે વાચકો પદાર્થોને સપાટી પરથી જોવા ટેવાયેલા હશે. મારી વાતને સાંભળીને તે તરત જ બોલી ઊઠશે કે એ તો કેવળ અકસ્માત કહેવાય. અકસ્માત દ્વારા શું અભિપ્રેત છે અને એની અંતર્ગત કેવી કેવી ઘટનાઓનો સમાવેશ થઈ શકે છે, તેનું સ્પષ્ટીકરણ મેં એક દિવસ એક ભાઈ પાસે માંગ્યું. પરંતુ તે ભાઈ અથવા બીજા ભાઈ એનું બુદ્ધિસંગત, તર્કબદ્ધ સ્પષ્ટીકરણ ના કરી શક્યા. એમણે જણાવ્યું કે એ તો સૌને સહેલાઈથી સમજાય તેવું છે. મને અત્યાર સુધી એનું સંતોષકારક સ્પષ્ટીકરણ નથી મળ્યું. બીજાના કથનની કે ટિકાટિપ્પણીની મારા પર વિશેષ અસર નથી થતી.

 

Today's Quote

Prayer : Holding in mind what you desire, but without adding desire to it.
- David R Hawkins

prabhu-handwriting