if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સવારના ધ્યાનનો સમય થયો. મંદિરનો હોલ ભરાઈ ગયો. મેં અનેક નવા માનવોને નિહાળ્યા. એમાં ભારતીય તથા બીજા દેશોના માનવો પણ હતા. ભારતવર્ષના વિલક્ષણ વાતાવરણમાં જીવનના અંતિમ તબક્કામાં પ્રવેશેલા સંતપુરુષની આજુબાજુ એકઠા થનારા માનવોની લાગણીઓને સમજવાનું કાર્ય સહેલું હતું. હું સાહસપૂર્વક કહી શકું કે હોલમાં એકઠા થયેલા પ્રત્યેક માનવના વિચારોને વાંચવાનું કાર્ય મારે માટે કઠિન ન હતું. અલબત્ત, એ પ્રકારની ઉત્સુક્તા અથવા પ્રયોગવૃત્તિને માટે એ પવિત્ર સ્થાનમાં કોઈ અવકાશ ન હતો. એ વૃત્તિ સહેજ પણ શોભાસ્પદ ન હતી.

એક વસ્તુ સ્પષ્ટ હતી. અમે પ્રત્યેકે પોતપોતાની યોગ્યતા પ્રમાણે મહર્ષિની વિદાય લીધી. કયા ભાવથી વિદાય લીધી તે એટલું બધું મહત્વનું ન હતું. અમે સૌ એ સદગુરુના ચરણોમાં એમના પ્રત્યેના પૂજ્યભાવથી પ્રેરાઈને એકઠા થયેલા તથા ઊંડી શાંતિને અનુભવી રહેલા.

મારી બાજુમાં મેં એક મોટી ઊંમરના યુરોપિયન સદગૃહસ્થને જોયા. એમણે બ્લ્યૂ રંગનું હાફપૅન્ટ અને શર્ટ પહેરેલું. એમના ગળામાં માળા હતી. એમની ચામડીના રંગ પરથી એવું અનુમાન કરવાને કારણ મળતું કે એમણે ભારતમાં ઘણો લાંબો સમય પસાર કર્યો છે. એમના ટૂંકા કાળા કેશ અને મૂછોથી એમનું પાતળું અને કાંઈક ગંભીર મુખ ઢંકાઈ ગયેલું. એ મહર્ષિની મૃખાકૃતિ તરફ, એ મુખાકૃતિને એક શિલ્પકારની અદાથી પોતાના મનમાં કંડારવા માટે તૈયાર થયા હોય તેમ જોઈ રહેલા. એમને ખબર હતી કે પોતાના ગુરુની મુખાકૃતિને એવી રીતે નિહાળવાનું સૌભાગ્ય આ છેલ્લું જ છે. બે દિવસ પછી એમણે વિદાય લીધી. ત્યારથી માંડીને આજ સુધી મેં એમને જોયા નથી. અમે સૌ સાથે જમવા માટે બેસતા ત્યારે એ હોલના દૂરના ખૂણામાં એમનાં પોતાનાં વાસણો લઈને બેસતા. ઘણી ઓછી સામગ્રીઓ લેતા, ખાસ કરીને દૂધની માગણી કરતા. મારે પણ ભોજન વખતે દૂધ મંગાવવું પડતું.

યોગી રામૈયા આશ્રમમાં રહેતા. બ્રાહ્મણોથી વીંટળાઈને રમણ મહર્ષિની સામે આરસની પ્રતિમાની પેઠે અચલ બનીને ઊંડા ધ્યાનમાં વિરાજી રહેલા. મારી સામેના ભાગમાં એક મોટી ઉંમરની સન્નારી બેઠેલી. એ સન્નારી મહર્ષિની સામે અસાધારણ અખૂટ ભક્તિભાવથી ભરાઈને એકીટસે જોઈ રહેલી. એની દૃષ્ટિ નિરાશા તેમજ આંતરિક સંઘર્ષથી ભરેલી હતી. મહર્ષિને એમના ભૌતિક સ્વરૂપમાં એ વધારે વખત સુધી નિહાળી નહિ શકે એવી પ્રતીતિને સ્વીકારવા માટે એ તૈયાર હોય એવું લાગતું ન હતું. અને મહર્ષિ ? એમના નવા ઑપરેશન પછી એ પહેલાં કરતાં ખૂબ જ સુકાઈ ગયેલા. એમની મુખાકૃતિ વધારે ઉજ્જવળ અને ભાવમય બનેલી. એ મુખાકૃતિમાં કશું દુન્યવી નહોતું દેખાતું. એ જાણે કે કોઈ મૂર્તિ જેવા અચલ દેખાતા. એમનો આત્મા એમના સ્થૂલ શરીરને સ્પર્શીને પોતાના અસલ ધામ તરફ જવા માટે જાણે કે તૈયાર થયેલો. એમની શાંતિ અમારી આજુબાજુ સર્વત્ર પ્રસરી રહેલી. કોઈ પ્રશ્નો ઉકેલવાના શેષ નહોતા રહ્યા, કોઈ સમસ્યાઓ સતાવતી નહોતી, કોઈ ઈચ્છાઓ અતૃપ્ત નહોતી રહી, મારા મનમાં કોઈ પ્રકારની ચંચળતા નહોતી. હવે મને સ્પષ્ટ સમજાયું કે પહેલાંની પેઠે વિચાર કરવાની આવશ્યકતા નથી. વિચાર કરવાની પ્રવૃત્તિ એક આવશ્યક, પ્રયોજનરહિત પ્રવૃત્તિ છે એવું મને ભાન થયું. એ અવસ્થામાં મારે કોની સાથે સંબંધ રહ્યો ? મારાં મનમાં શું થવા માંડ્યું ? જે માણસને પોતાનું નામ હતું અને જેની અંદર અનેક પ્રકારના વિચારો પેદા થતા હતા, તે માણસ હવે ક્યાં હતો ? એ બધી ઉપાધિઓ મારા વાસ્તવિક સ્વરૂપથી ઘણે દૂર ચાલી ગઈ હોય તેવું લાગવા માંડ્યું. મને થયું કે આ ઉત્તમ અવસ્થા પર હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે સ્થિર રહી શકું અને શોક તથા મોહની, છાયાઓ અને ભ્રમણાઓની દુનિયામાં ફરીવાર ન પ્રવેશું તો કેટલું બધું સારું !  જ્યાં અહંતા, મમતા, દેશ તથા કાળ સર્વનો અભાવ છે એ સનાતન શાંતિમાં હું સદાને માટે સ્નાન કરું તો કેવું સારું !

મારી આજુબાજુનો પ્રકાશ એટલો બધો પ્રબળ બન્યો કે એની અંદર સર્વ કંઈ ડૂબવા માંડ્યું. મારી ઊઘાડી આંખો પ્રકાશ વિના બીજું કશું દેખતી નહોતી. ચારે તરફ પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ ફરી વળ્યો. મને લાગ્યું કે મારું સ્વરૂપ ધીરે ધીરે શાંત થતું જાય છે. એના પ્રાણવાયુથી અનંતની શાંતિ જોખમાશે કે કેમ તે મને ન સમજાયું.

એ પ્રકાશમાં ભૂત અને ભવિષ્યની સીમાઓ નાશ પામવા લાગી. બંને એકમાં સમાઈ ગયા. બીજી રીતે કહું તો એમ કહી શકાય કે હું એવું અનુભવી શક્યો કે કાળનું અસ્તિત્વ નથી રહ્યું. સંત જૉનના સ્વાનુભવના શબ્દો મારી સ્મૃતિમાં પ્રકાશના પૂંજની પેઠે એકાએક પ્રકટી ઊઠયા : ‘કાળ વધારે વખત સુધી રહી શકશે નહિ.’

હવે મને સમજાયું કે સત્યજીવન કાળથી નિરપેક્ષ છે અને જો આપણે કાળની મર્યાદામાં જીવતા હોઈએ તો એ જીવન સાચું જીવન નથી. એ અદૃષ્ટ પ્રકાશમાં મારો પુનરાવતાર વાસ્તવિક બન્યો હોય એવું અનુભવાયું.

પ્રત્યેક વસ્તુ નવેસરથી ગોઠવાઈ, એકમેક સાથે સંવાદપૂર્વક એક બની જે કંઈ દેખાયું તે શબ્દોથી પ્રગટ કરવાનું શક્ય ન હતું. મગજની અંદર એવા કેટલાક અંશો જીવંત રહ્યા જે એકઠા થઈને કેટલાક રહસ્યમય વિચારો તથા શબ્દોનો આવિર્ભાવ કરવા લાગ્યા. તો પણ એ અવસ્થામાં મારું અસ્તિત્વ રહ્યું હોય એવું મને ન લાગતું. એ અસાધારણ અભિનવ અવસ્થા કયાં સુધી ચાલી, તેની સમજ ન પડી. એ અવસ્થાને કલાકો તેમજ સેકંડોની સમયમર્યાદાથી માપી શકાય તેમ ન હતી. એ અવસ્થામાં એમના વિશે વિચારી શકાય તેમ પણ ન હતું. મારા મનની અંદર એક પણ વિચારને પેદા થવા દઈશ તો હું પાછો ભૌતિક જગતમાં આવી પહોંચીશ, ત્યાં પાછા ફરવાની મને ઈચ્છા ન હતી. એટલે એવા ચોક્કસ વિચારથી મેં એ અવસ્થાને સાચવી રાખી. પરંતુ પાછળથી એ અવસ્થાને સ્પષ્ટ રીતે યાદ રાખવાનું મારે માટે શક્ય ન બન્યું. મનની સાથેનો મારો સંબંધ સંપૂર્ણપણે કપાઈ જવાથી મારી ચેતનાની વચ્ચે કોઈ પ્રકારનો અંતરાય ન રહ્યો.

મેં મારી જાતને હોલમાં સાધકોની પંક્તિઓની વચ્ચે બેઠેલી અને મારી આજુબાજુના પ્રત્યેક પદાર્થ તરફ આશ્ચર્ય સાથે નિહાળતી જોઈ. મને પ્રથમ વિચાર એ આવ્યો કે હું અસીમ શાંતિમાં આવી રીતે ફરી વાર ડૂબકી મારી શકીશ ખરો ? એ પ્રદેશમાં પહોંચાડનારા પવિત્ર પથનું મને વિસ્મરણ તો નહિ થાય ? પરંતુ મારું મન હજુ સુધી પૂર્વવત્ જાગૃત બન્યું ન હતું અને જાગૃતિની એ અવસ્થામાં આવવા માટે હું આતુર પણ ન હતો. મારી અંદરની શાંતિ તથા નીરવતાની પેલી કલ્યાણકારક અવસ્થા હજુ પણ ચાલુ હતી, એટલામાં તો અગરબત્તીના સુવાસિત ધુમાડાની પાછળથી મારી આંખની આગળ રમણ મહર્ષિની મુખાકૃતિ ઉપસ્થિત થઈ. એમની દૃષ્ટિ એવી જ અચલ અને વિશાળ અનંતતામાં અવલોકી રહેલી. એ દૃષ્ટિમાં તફાવત એટલો હતો કે એ વખતે એ મારા અંતરના અંતરતમને પણ જોઈ રહેલા અને થોડા વખત પહેલાં મને થયેલા અનોખા અનુભવને વિચારી રહેલા. મને પ્રતીતિ થઈ કે એ મારા અનુભવને જાણતા હતા. એ અનુભવને જો મહર્ષિ ન જાણે તો બીજું કોણ જાણી શકે ? જે પરમ પ્રદેશમાં એ સદાને માટે વિરાજતા હતા એ પરમ પ્રદેશમાં મેં એકાદ ક્ષણને માટે મહેમાન તરીકે પ્રવેશ કરેલો.

મારા સમસ્ત વ્યક્તિત્વમાંથી એક મૂંગી છતાં પ્રબળ પ્રાર્થના પ્રાદુર્ભાવ પામી : ‘મને એ પ્રદેશમાં પહોંચાડો. એ ધન્ય પ્રદેશમાં હું સદાને માટે રહી શકું એવી કરુણા કરી દો. આ ક્ષણભંગુર સંસારની મને હવે વધારે પરવા નથી. જો આવશ્યકતા હશે તો હું મૃત્યુના દ્વારમાંથી પણ આગળ વધીશ.’

મેં જોયું કે એ હવે ચોક્કસપણે મારી તરફ નિહાળી રહ્યા છે. અને મારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર એમની તેજસ્વી આંખમાં તૈયાર પડ્યો છે. મારા મનમાંથી નીકળતા અનાવશ્યક ઉદગારો શાંત બની ગયા. જે અનિવાર્ય હતું તેને મેં વધાવી લીધું. મેં જાણ્યું કે સઘળું ઉત્તમને માટે જ છે અને હોવું જોઈએ. ફળને પાકતાં જેવી રીતે વાર લાગે છે અને બાળક જેવી રીતે ક્રમે ક્રમે અભિવૃદ્ધિ પામે છે તેવી રીતે સર્વ કાંઈ નિશ્ચિત અને સુયોગ્ય સમયે થતું રહેશે.

એટલામાં તો ઘંટનાદ સંભળાયો. મહર્ષિ એમના પરિચારકોની મદદથી ઊભા થયા અને દરવાજા તરફ ચાલવા લાગ્યા ત્યારે સૌ કોઈ ઊભા થયા. બપોરના ભોજનનો સમય થઈ ચૂકેલો.

રમણ મહર્ષિ સ્થૂલ રીતે સૌની સાથે સમાન વ્યવહાર કરવામાં વિશ્વાસ રાખતા. એના જ એક અંગ તરીકે સર્વ કોઈને એક સરખી રીતે ભોજન પીરસવામાં આવે તેની કાળજી રાખતા. કેટલીક વાર મહેમાનોની વચ્ચે કોઈ પદાર્થને ઓછાવત્તા પ્રમાણમાં પીરસવામાં આવતા ત્યારે મેં એમને વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરતા પણ જોયેલા. એક દિવસ સવારે અમે અમારા કેળના પાંદડાં પર દરરોજ પીરસાતા ભાતની સાથે થોડાંક ફળને જોયાં ત્યારે એ સંતપુરુષે ભોજન દરમિયાન પળાતા મૌનને છોડીને ભોજન પીરસનારા બ્રાહ્મણને કાંઈક સખત શબ્દોમાં થોડાંક વચનો કહ્યાં. એ વખતે મને સમજાયું કે એ મહાપુરુષની પાસે રહેતા આશ્રમવાસીઓને માટે એમની નાની સરખી સૂચના પણ કેટલી બધી ઊંડા રહસ્યવાળી હોય છે. પેલા બ્રાહ્મણ પીરસનારે મારી પાસે આવીને મારું પાંદડું લીધું, મારી ક્ષમા માગી અને ખૂબ જ સંકોચપૂર્વક એને મહર્ષિને બતાવવા માટે આગળ કર્યું. પહેલાં તો મને સમજાયું નહિ કે એ બધાનો અર્થ શો થાય છે. પરંતુ હું સત્વર જોઈ શક્યો કે એ સંતપુરુષ મારા ફળને ગણી રહ્યા છે. અને એ ફળોની સંખ્યાને પોતાના ફળોની સંખ્યા સાથે સરખાવી રહ્યા છે. જ્યારે એમને ખબર પડી કે બંનેની સંખ્યા સરખી જ છે ત્યારે એમણે પેલા બ્રાહ્મણને મારી તરફ અંગુલિનિર્દેશ કરતાં વધારે માયાળુતાપૂર્વક સંબોધન કર્યું. બ્રાહ્મણે સંતોષ પામીને તથા પોતાની જાતને ન્યાય થયો છે એવું સમજીને કેટલાક શબ્દો કહ્યા અને પછી મારા ભોજનને પાછું આણ્યું.

જેમણે એ દૃશ્યને જોયું નથી અને રમણ મહર્ષિને વ્યક્તિગત રીતે જાણ્યા નથી, તેમને આ વાત ક્ષુલ્લક અને કદાચ વજૂદ વગરની લાગશે પરંતુ મહર્ષિ માનવહૃદયને એની નિર્બળતા અને અપૂર્ણતા સાથે સારી રીતે સમજતા એટલા માટે જે ઉપાયોને એ સુયોગ્ય સમજીને બતાવતા તે ઉપાયો કદી પણ નિષ્ફળ જતા નહિ. એમના જેવા પરમ પ્રતાપી આધ્યાત્મિક મહાપુરુષને એવા મિત્રતાપૂર્ણ અભિનય કરતા જોવા એનાથી વધારે ઉત્સાહજનક તથા સુખદાયક બીજું શું હોઈ શકે ? મને એ બધાંના અર્થની ખબર પાછળથી પડી.

એ સંતપુરુષના માયાળુ, અતિશય પ્રેમાળ, મિત્રતાપૂર્ણ વ્યવહારને ન સમજવાથી શરૂઆતમાં કેટલાક સાધકો અથવા નવાગંતુકો એમની સંનિધિમાં સંકોચ અનુભવતા. એને લીધે એમના આત્મિક અંતરંગ વિકાસમાં અંતરાય ઊભો થતો. અમારી અંતઃપ્રેરણાથી અમને સમજાતું કે અમારી અને એમની ભૂમિકા વચ્ચે ઘણો મોટો, આસમાન-જમીનનો તફાવત હતો. રમણ મહર્ષિ શબ્દોનો આધાર લીધા સિવાય અમારા અનુચિત અને અહંકારયુક્ત વ્યવહારને નાપસંદ કરતા. બીજાની પ્રત્યેનો અમારો વ્યવહાર કેવો હોવો જોઈએ તેનું ઉદાહરણ એ પોતાના આચાર દ્વારા રજૂ કરતા.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.