Text Size

શાંતિની સમસ્યા - ૧

માનવમાત્રની સાંપ્રત સમસ્યા શાંતિની પ્રાપ્તિની છે. એ સમસ્યા કેવળ સાંપ્રત છે એવું નથી સમજવાનું. પ્રાગૈતિહાસિક કાળમાં, સંસ્કૃતિના ઉષઃકાળમાં, માનવ સુશિક્ષિત, સુવિચારશીલ અથવા સુસંસ્કૃત બનવા માંડ્યો ત્યારથી માંડીને ઠેઠ આજ સુધી એ સમસ્યા એને સતાવી રહી છે. એના સમ્યક્ ઉકેલને માટે એ પોતાની મેળે પોતાની આગવી રીતે વ્યક્તિગત કે સામૂહિક રીતે પ્રયત્નો પણ કરે છે અને ભવિષ્યમાં પણ એના પ્રયત્નો ચાલુ રહેશે એવું અનુમાન સહેલાઈથી કરી શકાય છે. એટલે શાંતિની પ્રાપ્તિની અથવા અનુભૂતિની એ સમસ્યા, અભિલાષા અથવા આરઝૂ સર્વકાલીન છે. અને એ સર્વકાલીન હોવાની સાથેસાથે સર્વદેશીય અથવા સાર્વત્રિક પણ છે. એટલા માટે તો ભારતમાં જ નહિ પરંતુ ભારતની બહાર બધે જ, જ્યાં-જ્યાં માનવનો જાગ્રત અંતરાત્મા અસ્તિત્વ ધરાવે છે ત્યાં-ત્યાં સર્વત્ર, એને માટેની અસાધારણ, અખંડ, અદમ્ય આકાંક્ષાનો આવિર્ભાવ થયેલો દેખાય છે. એની સાથેસાથે એક અન્ય હકીકતનું વિસ્મરણ પણ નથી થવા દેવાનું. માનવ જે શાંતિને ઝંખે કે શોધે છે તે શાંતિ સ્વલ્પ સમય સુધી સાંપડનારી, કામચલાઉ, પરિવર્તનશીલ, અનિત્ય, એકાદ વાર સાંપડ્યા પછી સત્વર અદૃશ્ય થઈ જનારી ક્ષણજીવી શાંતિ નથી પરંતુ દેશકાળની અસર નીચે ન આવનારી જરાવ્યાધિવિનાશાદિ વિકારરહિત, સનાતન, શાશ્વત, અખંડ શાંતિ છે. જેની સ્વાનુભૂતિ સાંપડ્યા પછી આત્મા પરિપૂર્ણપણે પરિતૃપ્તિ તથા ધન્યતા અનુભવે ને અન્ય પ્રકારની શાંતિની અપેક્ષા જ ન રહે એવી સંપૂર્ણ, સ્વાત્મનિર્ભર, સ્વાત્મસંતુષ્ટ શાંતિના અમૃતમય આસ્વાદ માટે સુસંસ્કૃત સુવિચારશીલ માનવનો અંતરાત્મા આતુર છે - કેટલીકવાર ક્રંદન પણ કરી ઊઠે છે.

જીવનને શાંતિથી સમલંકૃત કરવાના પાર વિનાના પ્રયોગો કે પ્રયત્નો માનવે ને માનવસમાજે નથી કર્યા એમ નહિ. આજે પણ એવા પ્રયોગો કે પ્રયત્નોની પરંપરા ચાલુ છે ને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. એ પ્રયોગો મોટે ભાગે ભૌતિક અન્વેષણ પૂરતા મર્યાદિત, વૈજ્ઞાનિક સંશોધન પૂરતા સીમિત, ઈન્દ્રિયોના વિભિન્ન વિષયોમાં લીન અથવા કેન્દ્રિત અને મન તથા બુદ્ધિનાં ચિંતનમનન, ઉડ્ડયન અને વિકાસજન્ય રસ તેમજ આનંદ સાથે સંબંધ ધરાવનારા છે. એમનું સહાનુભૂતિપૂર્વકનું સ્વસ્થ તથા તટસ્થ વિહંગાવલોકન કરી લઈએ.

ભૌતિક સાધનોથી અથવા સુખોપભોગથી વ્યક્તિ તથા સમષ્ટિને શાંતિ સાંપડી શકે છે એવું માનનારો વર્ગ વિશ્વમાં ઘણો મોટો છે. એ વર્ગનું સર્વત્ર વર્ચસ્વ છે એમ કહીએ તો ચાલે. એ માનવની તથા માનવસમાજની પ્રાથમિક જીવન-જરૂરિયાતોમાં વિશ્વાસ રાખે છે અને એમની પરિપૂર્તિના પાર વિનાના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો પ્રામાણિક તથા વાસ્તવિક હોય છે. એમની સદંતર ઉપેક્ષા ન કરી શકાય. ધર્મ, અધ્યાત્મ અથવા સાધનાના નામ પર કરવામાં આવતી એમની ઉપેક્ષા આદર્શ અને કલ્યાણકારક નથી. એવી ઉપેક્ષા જીવનને સુખશાંતિથી સંપન્ન કરવાને બદલે દુઃખ, ક્લેશ, દીનતા અને અશાંતિથી ભરી દે છે અને જીવનને અમૃતમય નહિ પરંતુ વિષમય તથા સંવાદી નહિ પરંતુ વિસંવાદી કરી નાંખે છે. એવું જીવન નીરસ ને નિરાનંદ બની જાય છે. ભૌતિક સાધનસંપત્તિ કે સમૃદ્ધિ જીવનને શાશ્વત શાંતિ તથા સર્વોત્તમ-સંપૂર્ણ સુખનું દાન નથી કરી શકતી એ જેમ સાચું છે તેમ એ પણ એટલું જ સાચું છે કે એના સિવાય જીવનની સ્વસ્થતા તેમ જ સંગીનતા નથી ટકી શકતી.

માનવને આવશ્યકતાનુસાર અન્ન, વસ્ત્ર તથા આવાસાદિની આવશ્યકતા છે. એનો ઈનકાર કદાપિ ન કરી શકાય. પરંતુ અન્ન, વસ્ત્ર અને આવાસાદિ જ જીવનનું સારસર્વસ્વ છે એવું માનનાર ને મનાવનારા ભારે ભૂલ કરે છે. જ્યાં અન્ન, વસ્ત્ર, આવાસાદિની પ્રચૂરતા છે ત્યાં પણ માનવનો અંતરાત્મા શાંત ને પ્રસન્ન તથા પરિપૂર્ણ છે અને એની જીવન-સંબંધી સઘળી સમસ્યાઓ ઉકલી ગઈ છે એમ નહિ કહી શકાય. સમસ્યાઓ, ભીતિ, મોહવૃત્તિ, વાસના તથા સુખદુઃખની સંમિશ્રિત અનુભૂતિ તો ત્યાં પણ થતી હોય છે. ભૌતિક સાધનસંપત્તિથી સમૃદ્ધ દેશોની પ્રજા એના ઉદાહરણરૂપ છે. એ પ્રજા પાસે યૌવન છે, સ્વાસ્થ્ય છે, સૌન્દર્ય છે અને સમૃદ્ધિ છે તોપણ કેટલીક વાર સુખપૂર્વક સુઈ નથી શકતી. એ અનિદ્રા, માનસિક અસ્વસ્થતા ને અસમતુલાના ભયંકર વ્યાધિથી પીડાય છે અને એને લીધે કેટલીક વાર જીવનને અભિશાપરૂપ સમજીને આત્મઘાત કરવા પણ પ્રેરાય છે. એ દશા ખરેખર દીન અથવા દયનીય છે. એને માનવજીવનની મંગલ ને ગૌરવપૂર્ણ દશા ન કહી શકાય.
ઈન્દ્રિયોના વિભિન્ન પ્રકારના વિષયોપભોગોમાં રુચિ રાખનારા વર્ગની દશા પણ એવી જ દીન કે દયનીય બની જાય છે. એની પરવશતાનો પાર નથી રહેતો. એ વિષયોપભોગો એના અતૃપ્ત આત્માને શાંતિ નથી આપી શકતા ને પરમતૃપ્તિ નથી ધરતા. એનો અત્યાર સુધીનો અનુભવ તો એવો જ છે. મહાભારતમાં યયાતિએ જણાવ્યું છે તેમ કામનાઓના ઉપભોગથી કામનાઓ શાંત નથી થઈ શકતી. ઘી વગેરેથી જેમ પાવક પ્રદીપ્ત થાય છે એમ એ એમના ઉપભોગથી વધારે ને વધારે બળવાન બનતી જાય છે. આ રહ્યા એ અનુભવાત્મક અમર અસરકારક ઉદગારો -

न जातुः काम कामानामुपभोगेन शाम्यति ।
हविषा कृष्णवत्मैंव  भूय  एवाभिवर्धते ॥

જીવનમાં શાશ્વત સુખશાંતિની સંપ્રાપ્તિ માટે માનવ માનસિક અથવા બૌદ્ધિક સ્તરોનો આધાર લઈને ચિંતનમનન, અધ્યયન, અધ્યાપન અને જ્ઞાનવિજ્ઞાનની પ્રાપ્તિની પ્રક્રિયા દ્વારા પણ પ્રામાણિક પ્રયત્નો નથી કરતો એમ નહિ. એવા પ્રયત્નોમાં પ્રીતિ રાખનારા માનવો મોટી સંખ્યામાં મળી આવે છે. તો પણ શાશ્વત શાંતિની સંપ્રાપ્તિની દિશામાં થનારા એમના પ્રયત્નો અધૂરા રહે છે ને કેટલીકવાર અવનવી અશાંતિકારક અટપટી સમસ્યાઓ ઊભી કરે છે. કેવળ બૌદ્ધિક વિકાસને જ જીવનનું સારસર્વસ્વ સમજનારા પુરૂષો જ જીવનની સનાતન શાંતિની ને સાર્થકતાની સ્વાનુભૂતિ કરી શકતા હોય તો પંડિતો, પ્રોફેસરો, સદુપદેશકો, શાસ્ત્રીઓ, આચાર્યો અને વિચારવિશારદોને એવી સ્વાનુભૂતિ થઈ શકતી હોત. પરંતુ પરિસ્થિતિ એથી જુદી જ દેખાય છે. એમનાં જીવન સંપૂર્ણપણે સદાસર્વદા સ્વસ્થ, સુખી ને શાંતિમય નથી દેખાતાં. માનસિક કે બૌદ્ધિક વિકાસનો અનાદર નકામો છે. એની આવશ્યક્તાને ઓળખીને જીવનમાં એનો પ્રત્યેક પળે, પ્રત્યેક સ્થળે આદર કરતાં શીખવાનું છે; પરંતુ સાથેસાથે એની મર્યાદાને પણ સમજી લેવાની છે જેથી એમાં જ આસક્ત અથવા કેદ ન થઈ જવાય.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna