Text Size

સંસારને તરવાની કળા

રામકૃષ્ણ પરમહંસદેવે પોતાની સીધીસાદી છતાં અત્યંત અસરકારક ભાષામાં કહ્યું છે કે, ''ફણસને કાપવાથી હાથ ચીકણા થાય છે અથવા ખરડાય છે પરંતુ હાથ ચીકણા ન થાય એને માટે એક સરસ ઉપાય છે. ફણસને કાપતાં પહેલાં હાથે તેલ લગાડી લો એટલે થયું. હાથ ચીકણા નહિ થાય અને ફણસ સહેલાઈથી કાપી શકાશે.’’ એવી રીતે ઘરગથ્થુ ઉદાહરણ આપીને એમણે ઉપદેશ કર્યો છે. તે પ્રમાણે સંસારમાં રહેનાર માણસને પણ તેની ચીકાશ લાગે છે અથવા એ એનાથી ખરડાય છે. પરંતુ મનને જો ઈશ્વરના પ્રેમરસથી રંગી દેવામાં આવે અને પછી સંસારનો વ્યવહાર કરવામાં આવે, તો એ વ્યવહારથી મન ખરડાય નહિ, એનાથી અલિપ્ત રહે. કડછી જેમ જુદીજુદી જાતની રસોઈ કે ભોજનસામગ્રીમાં ફરે છે તેમ એ રહે ને બધામાં ફરે, પરંતુ કશાનો સંગ એને ન લાગે. કશાની અહંતા, મમતા કે આસક્તિ એને ન થાય. એનો અંતરાત્મા તો કેવળ ઈશ્વરાભિમુખ જ રહે. કડછીની જેમ એ જડ નથી, એટલે વિવિધ પ્રકારના સાંસારિક રસાસ્વાદની એને ખબર તો પડે જ, પરંતુ એ કશાથી લેપાય કે બંધાય નહિ. પોતાના જીવનનું ધ્યેય હંમેશાં એની નજર સામે રહે અને એ ધ્યેયની પ્રાપ્તિ માટે ભરચક કોશિશ કરે.

ગીતાની ભાષામાં કહેવું હોય તો એવી અવસ્થાને 'નલિનીદલમંબુવત્’ કહી શકાય. પાણીમાં પ્રકટનાર પદ્મના દલ જેવી દશા. પદ્મની પાંખડી જેવી રીતે પાણીના સ્પર્શથી મુક્ત રહે છે અને પોતાના હૃદયને આકાશ તરફ ઉઘાડું કરે છે તેવી રીતે એવી અવસ્થાવાળી વ્યક્તિનું શરીર સંસારમાં રહે છે પરંતુ અંતર સંસારના વિષયોથી અલિપ્ત રહીને નિત્ય નિરંતર ઈશ્વરનું સ્મરણ, મનન, નિદિધ્યાસન અને એમાંથી આવિર્ભાવ પામતા આનંદમાં મગ્ન રહે છે. 

તમે પણ એવી રીતે સંસારના વિવિધ વિષયો અને વ્યવહારોની વચ્ચે વસવા છતાં વૈરાગ્યજ્યોતિ પ્રજ્વલિત રાખીને અલિપ્ત, અનાસક્ત અથવા વિદેહી થઈ શકો છો. એમાં અશક્ય જેવું કશું જ નથી. જે જગતમાં તમે જીવો છો તે જગતનો વિચાર કરો ને શોધી કાઢો કે તેમાં તમે શા માટે આવ્યા છો ? તમારા જીવનનું પ્રયોજન શું છે ? એ પ્રયોજન પૂર્ણ કરવામાં સહાયક થાય એવું જીવન શું તમે જીવી રહ્યા છો ? કે પછી એનાથી ઊલટી દિશામાં જ પ્રયાણ કરો છો ? કઈ ત્રુટિઓ કે નિર્બળતાઓને લીધે તમારા જીવનધ્યેયની દિશામાં તમે આગળ નથી વધી શકતા ? એમના નિવારણને માટે પ્રામાણિક પ્રયત્નો કરો છો ખરા ? જો નથી કરતા તો શા માટે ? અને જો કરો છો તો પરિપૂર્ણપણે પૂરી શક્તિને કામે લગાડીને કરો છો ખરા ? એવી રીતે અનવરત આત્મનિરીક્ષણ તથા વિવેક અને વૈરાગ્યનો આધાર લો તો સંસાર તમને કાંઈ જ નહિ કરી શકે, અને એમાં રહીને પણ ક્રમેક્રમે વિકાસ કરતાં અને આગળ વધતાં, છેવટે તમે મુક્તાવસ્થાનો મહારસ મેળવી શકશો. તેને માટે તમારી પોતાની જાગૃતિ જોઈએ, લગન જોઈશે, તથા પુરૂષાર્થ ને ઈશ્વરપરાયણતાની જરૂર પડશે. તો સંસારના વ્યવહારો તમારી વચ્ચે નહિ આવી શકે. વિઘ્નરૂપ પણ નહિ થઈ શકે. અલબત્ત, વ્યવહારોના આજના વિકૃત સ્વરૂપને બદલાવીને, તેમનું સંશુદ્ધિકરણ કરવું પડશે. એ મુદ્દો અતિશય મહત્વનો છે અને એના વિના કશું જ કામ નહિ થઈ શકે.

વિવેક ને વૈરાગ્યની એ જાજ્વલ્યમાન જ્યોતિ કાંઈ એમ ને એમ જાગી શકશે કે ? આત્મનિરીક્ષણની આશીર્વાદરૂપ આદત એમ ને એમ પડશે કે ? તેને માટે રસપૂર્વક  નિયમિત સત્સંગ કરવો પડશે. સ્વાનુભવસંપન્ન શાંતિપ્રાપ્ત મહાપુરૂષોનો સમાગમ, સુંદર સ્થળોનો સમાગમ, અથવા તો પ્રેરણાદાયક ઉત્તમ સદ્ ગ્રંથોનો સમાગમ, એ બધો સત્સંગ જ કહેવાય છે. આત્મબળની અભિવૃદ્ધિમાં અને આધ્યાત્મિક વિકાસના પાયાના ચણતરમાં તેમ જ એ ચણતરને મજબૂત બનાવવામાં એ મહત્વનો ભાગ ભજવે છે. સંસારને સફળતાપૂર્વક તરવાની કળા શીખવા માટે એનો આધાર લઈ શકાય છે.

બહારનો સત્સંગ શરૂઆતમાં સુખદાયક, શક્તિસંચારક કે પ્રેરક થશે એ સાચું છે, પરંતુ છેવટે તો માણસે પોતાની અંદરના સત્સંગનો જ આધાર લેવો પડશે તથા રસ કેળવવો રહેશે. જે પરમસત્યરૂપી પરમાત્મા પોતાની અંદર વિરાજેલા છે અને પ્રેરણા, પ્રકાશ, સ્ફૂર્તિ, સ્ફુરણા કે જીવન આપી રહ્યા છે; તે ગૂઢ, પુરાણપુરૂષ પરમાત્માની સાથે સંબંધ બાંધવો, સ્નેહ કરવો, તથા તેમનો સાક્ષાત્કાર અથવા તો અપરોક્ષાનુભવને માટે પ્રયાસ કરવો, એ પરમાત્માનો સમાગમ કરવો, એના જેવો શ્રેયસ્કર સત્સંગ બીજો કોઈ નથી. જીવનના કલ્યાણની કામનાવાળા સાધકે બહારના સત્સંગમાંથી આગળ વધીને છેવટે એ અંદરના સત્સંગમાં પ્રવેશ કરવો જોઈએ. બહારનો સત્સંગ અંદરના એ સર્વોત્તમ સત્સંગ માટેની યોગ્યતા પૂરી પાડવા માટે જ છે. એ અંદરના અલૌકિક સત્સંગમાં સાધક તથા ઈશ્વર બે જ રહે છે અને બેની વચ્ચે જ સંબંધ રહે છે કે સંદેશાવ્યવહાર ચાલે છે. એ દરમ્યાન પ્રાર્થના, જપ કે ધ્યાન ગમે તે થઈ શકે છે.

એવા અતરંગ સત્સંગ માટે વહેલા ઊઠીને એક આસન પર બેસવાની ટેવ પાડવી પડશે. અંદરની દુનિયામાં ઊંડે ને ઊંડે ઊતરવું પડશે. નિયમબદ્ધ ને નિયમિત બનવું પડશે. સંયમી, સાદા ને સેવાભાવી થવાની કોશિશ કરવી પડશે અને દુર્ગણોના દાસત્વમાંથી મુક્તિ મેળવીને સદ્ ગુણોના સ્વામી થવું પડશે.

એક બીજી વાત કહું ? ઘરમાં જો સૌને રુચિ હોય અથવા એવી રુચિ તમે જગાવી શકો તેમ હો, તો સૌ સાથે મળીને દિવસમાં એક કે બે વાર નિર્ધારિત સમયે પ્રાર્થના કરો, અથવા તો રોજ નિયમિત રીતે અમુક વખત કોઈ સુંદર, પ્રેરક પુસ્તકમાંથી પઠન કરો. ઘરના વાતાવરણને સાત્વિક કરવામાં એવી ટેવ ઘણો અસરકારક ભાગ ભજવશે. દિવસના મોટા ભાગના વખતમાં અવકાશ કાઢીને પણ, મનને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે, ચિંતન, મનન તથા નિદિધ્યાસન દ્વારા ઈશ્વરપરાયણ કરવાની કોશિશ કરો તો સંસારને સહેલાઈથી તરી શકશો અને મુક્તિનો એ મંગલ કિનારો મેળવી લેશો; જ્યાં પરમ શાંતિ, પરમાનંદ, પરમાત્મા અને એમની સાથેની એકતા વિના બીજું કાંઈ નહિ હોય. ના, ભૂલેચૂકે પણ નહિ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Resentment is like taking poison and hoping the other person dies.
- St. Augustine