Text Size

આસન વિશે

સમાહિત થયા વિના, મનને શાંત કર્યા વિના, શાંતિ શી રીતે મળે અને અંતરના ઊંડાણમાં રહેલો અમૂલખ પરમ મહિમાવાન પદાર્થ પણ કેવી રીતે જડે ? વાંચ્યું ઘણું, સાંભળ્યું ઘણું, જોયું ઘણું, વિચાર્યુ ઘણું પરંતુ એના તારતમ્યને તારવીને એ અનુસાર ચાલીને સ્વાનુભવ ન થાય ત્યાં સુધી શું વળે ? સંપૂર્ણ સંતૃપ્તિ કેવી રીતે થઈ શકે ? એને માટે જ અંતરંગ સાધનાની આવશ્યકતા છે. અને એના આરંભ તરીકે સ્થિર આસન જરૂરી લેખાય છે.

સાધનાના અનુષ્ઠાન માટે કયું આસન વાળવું જોઈએ ? સૌથી સારું, સાનુકૂળ ને સુંદર આસન પદ્માસન છે. પદ્માસનથી આરોગ્યની દ્રષ્ટિએ લાભ થાય છે ને મદદ મળે છે. તે છતાં પદ્માસન બધાથી ન થઈ શકે એ દેખીતું છે. ખાસ કરીને જેમને વ્યાયામની ટેવ ન હોય અને જેમના શરીર વધારે પડતાં મેદપ્રધાન કે સ્થૂલ હોય તેમને માટે પદ્માસન કરવાનું કઠિન થઈ પડે. પદ્માસનમાં બેસવાથી મનોવૈજ્ઞાનિક અસર પણ ઘણી સારી થાય છે. ભગવાન બુદ્ધ ને મહાવીરની પદ્માસનસ્થ પ્રતિમાઓનો પ્રભાવ એમને અવલોકતાં વેંત મન પર કેટલો બધો પ્રબળ પડે છે એ વાત જાણીતી છે. પદ્માસનમાં બેસીને જપ કે ધ્યાન કરનાર સાધકને પોતાને એને પરિણામે સારી અસર થતી હોય છે. જેમને પદ્માસનનો અભ્યાસ છે એમને એમાં બેસતાં કશી મુશ્કેલી નહિ પડે, પરંતુ જે નવેસરથી પદ્માસનમાં બેસવા માગતાં હોય તે જો નાની ઉમરનાં હશે તો એમનાં શરીર સહેલાઈથી વળી શકશે, અન્યથા થોડીક મુશ્કેલી પેદા થવાનો સંભવ છે. એવી મુશ્કેલી લાગે ને પદ્માસન સહેલાઈથી ન કરી શકાય ત્યારે આરંભમાં અર્ધપદ્માસન કરવું સારું છે. એવું કરવાથી કષ્ટ નહિ પડે ને પગ ધીરે ધીરે, ક્રમેક્રમે, ટેવાશે.

જેમને પદ્માસન અનુકૂળ ન પડતું હોય તે જપ કે ધ્યાનમાં બેસતી વખતે સિદ્ધાસનમાં બેસી શકે છે. સાધનાના અભ્યાસ માટે એ આસન પણ અનુકૂળ, આદર્શ અને ઉપયોગી છે. એની સમુચિત માહિતી કોઈક સારા અભ્યાસી, અનુભવી કે જાણકાર પાસેથી મેળવી લેવી જોઈએ. એનું અનુષ્ઠાન પદ્માસનના અનુષ્ઠાન કરતાં પ્રમાણમાં સહેલું છે. એને લીધે પણ મેરુદંડ સીધો રહે છે.

કેટલાકનું માનવું એવું છે કે સિદ્ધાસન તો કેવળ અવિવાહિતો, બ્રહ્મચર્યનું પાલન કરનારાઓ અથવા યોગીઓને માટે છે. ભોગીઓથી કે સંસારીઓથી એ ન થઈ શકે. કારણકે સિદ્ધાસનથી સંયમની સાધનામાં મદદ મળે છે ને સંયમી થવાય છે એ માન્યતા તદ્દન સાચી છે એવું નહિ કહી શકાય. સિદ્ધાસનને ભોગની કે સંયમની સાથે સંબંધ નથી પરંતુ રુચિની સાથે સંબંધ છે. એટલે સાધકો પોતાની વ્યક્તિગત રુચિ કે અનુકૂળતા પ્રમાણે પદ્માસન, સિદ્ધાસન કે એવા બીજા કોઈ પણ આસનની પસંદગી કરી શકે છે. એમાં બીજો કોઈ સવાલ નથી સંકળાયેલો. અને પેલી માન્યતા પ્રમાણે ઘડીભરને માટે માની લઈએ કે સિદ્ધાસનથી સંયમની સાધનામાં મદદ મળે છે તોપણ શું ? એવી મદદ મળતી હોય તો તે સદાને સારુ આવકારદાયક છે. સંયમપાલનની આવશ્યકતા ભોગી તથા યોગી, વિવાહિત તથા અવિવાહિત સૌને માટે એકસરખી છે. કુટુંબનિયોજનના આ સક્રાંતિ સમયમાં જાતજાતનાં ને ભાતભાતનાં સાધનોનો આધાર લેવામાં આવે છે ત્યારે એ દિશામાં સિદ્ધાસનનો અભ્યાસક્રમ જો મદદરૂપ થઈ શકતો હોય તો તે ઓછો આવકારદાયક નહિ લેખાય. એટલે મહત્વનો મુદ્દો આપણને સિદ્ધાસનની આવશ્યકતા છે કે કેમ, અને સિદ્ધાસન અનુકૂળ લાગે છે કે નથી લાગતું તે છે. જો એ અનુકૂળ લાગતું હોય અને એમાં રસ પડતો હોય તો બીજી બધી જ વાતોને ગૌણ ગણીને એનો લાભ લેવો જોઈએ. એથી કોઈ પ્રકારની હાનિ થવાને બદલે લાભ જ થયા કરશે.
ત્રીજું આસન સ્વસ્તિકાસન છે. જપ અથવા ધ્યાન કરનાર અથવા એ બંનેને આશ્રય લેનાર સાધક સ્વસ્તિકાસનનો પણ આધાર લઈ શકે. પ્રથમ બે આસનો કરતાં એ આસન પ્રમાણમાં સહેલું અને ઓછું કષ્ટસાધ્ય છે. એ આસન પણ ખૂબ જ ઉપયોગી છે.

એ ત્રણમાંથી કોઈ પણ આસન અનુકૂળ ન લાગે તો સુખાસનમાં પણ બેસી શકાય. સુખાસન તો અમુક ગણ્યાગાંઠ્યા અપવાદોને બાદ કરતાં લગભગ બધા જ સાધકોને સાનુકૂળ થઈ પડે તેમ છે. ભારતના મોટા ભાગના લોકો એ આસનમાં બેસવા ટેવાયેલા છે. એટલે એમાં કશી તકલીફ પડવાનો સંભવ નથી દેખાતો.

એક બીજું આસન શવાસન છે. શવાસનમાં શરીરને શવની પેઠે છૂટું મૂકીને જમીન પર સીધા સૂઈ જવાનું હોય છે. એવી રીતે સૂઈને હાથ ને પગને તથા સમસ્ત શરીરને ઢીલું કરી દેવાનું. મનથી જપનો, ધ્યાનનો કે બંનેનો અભ્યાસ ચાલુ રાખવાનો. એ આસન સૌ કોઈને અનુકૂળ પડવાનું. ફક્ત ધ્યાન રાખવાનું એટલું જ કે એ આસનમાં સાધનાનો અભ્યાસ કરતાં-કરતાં છેવટે તુરીયાવસ્થામાં પહોંચી ન જવાય એટલે કે ઊંઘ ન આવી જાય.

ઊંચી કોટિના યોગીપુરૂષો કેટલીક વાર શવાસનનો આધાર લઈને ધ્યાનાદિ કરતા હોય છે. સામાન્ય માણસો એમને સૂતેલા સમજે છે ને પ્રમાદવશ થયેલા માને છે પરંતુ એ સૂતા નથી હોતા ને પ્રમાદવશ પણ નથી બનતા. એ તો અખંડ જાગ્રત બનીને પોતાનું કાર્ય પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક કરતા હોય છે. ઊંચી શ્રેણીના યોગીપુરૂષો શવાસનમાં જ સાધના કરે છે એવું નથી હોતું. તોપણ કોઈક એવી રીતે સાધના કરતું દેખાય તો તેને સંપૂર્ણ સહાનુભૂતિથી સમજવાની શક્તિ તો આપણી અંદર હોવી જ જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is a perfume you cannot pour on others without getting a few drops on yourself.
- Anonymous