Text Size

આસન કેવું હોવું જોઈએ

સાધનાના અભ્યાસક્રમ દરમિયાન જેના પર બેસવાનું છે એ આસન કેવું હોવું જોઈએ એ પણ વિચારી લેવું જોઈએ. સાધનામાં આગળ વધેલા અથવા સંસિદ્ધાવસ્થાએ પહોંચેલા સાધકોને આસનની અથવા કોઈ નિશ્ચિત આસનની સમસ્યા એટલી બધી નથી સતાવતી. એ તો કોઈ પણ આસન પર બેસીને સાધના કરી શકે છે. આસન વગરની ધરતી, રેતી કે શિલા હોય તોપણ શું ? એ બધું એમને માટે અલ્પ પણ અંતરાયરૂપ નથી બનતું. એનો આધાર લઈને એ સહેલાઈથી, અનાયાસે, ધ્યાનમાં ડૂબી શકે છે. આસનની અગત્ય મોટે ભાગે આરંભના અભ્યાસીઓને અનુલક્ષીને જ માનવામાં આવેલી છે. અભ્યાસીઓ તો પોતાના મનને ગમે તેવી રીતે, ગમે ત્યાં બેસીને, એકાગ્ર કરી અથવા આત્મામાં ડૂબાડી શકે છે.

આરંભના અભ્યાસીઓને માટે આસનનો ઉલ્લેખ કરતાં ગીતામાં

शुचौ देशेप्रतिष्ठाय स्थिरमानसमात्मनः ।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥

એવા શ્લોકોની રચના કરવામાં આવી છે. એનો ભાવાર્થ સામાન્ય રીતે એવો લઈ શકાય કે આસન સ્થિર હોવું જોઈએ, પવિત્ર પ્રદેશમાં કે સ્થાનવિશેષમાં રાખેલું હોવું જોઈએ, અતિશય ઊંચું અથવા અતિશય નીચું ન હોવું જોઈએ, અને કૃશ, મૃગચર્મ તથા ઉપર સુંદર વસ્ત્રવાળું હોવું જોઈએ. ગીતા અથવા મહાભારતના કાળમાં એવી આસનપદ્ધતિ પ્રવર્તમાન હશે એવું અનુમાન એના પરથી ચોક્કસપણે ને સહેજે કરી શકાય છે. એ પદ્ધતિનું ગીતામાં એવી રીતે પ્રતિબિંબ પડ્યું છે.

જેને પસંદ પડે અથવા ઠીક લાગે તે એવી આસનપદ્ધતિનો આધાર ખુશીથી લઈ શકે. પરંતુ એમાં એક હકીકત ખાસ યાદ રાખવાની છે. મૃગચર્મ કેવી રીતે તૈયાર થાય છે ? મોટે ભાગે વનમાં વિહરતાં નિર્દોષ મૃગને મારીને. એમની હિંસા કરીને એમના ચર્મને ઉતારીને વેચવાનો વ્યવસ્થિત વ્યવસાય કરવામાં આવે છે. મૃગચર્મનો ઉપયોગ કરનારા એ હિંસક વ્યવસાયમાં જાણ્યે કે અજાણ્યે, પ્રકારાંતરે સાથ આપી રહ્યા છે એમ જ કહી શકાય. મૃગચર્મ કે એવી બીજી વસ્તુઓ કોઈ વાપરે જ નહિ તો એમને મારીને એમની દ્વારા કમાવવાનો વ્યવસાય પણ આખરે અટકી જાય. સાધકનું સમગ્ર જીવન નિર્મળ હોવું જોઈએ, એના જીવનનાં સાધનો પણ પવિત્ર હોવાં જોઈએ. એ દ્રષ્ટિથી જોતાં હિંસાના પ્રતીક જેવા મૃગચર્મને એના સાધનાત્મક જીવનની શોભારૂપ ન કહી શકાય. એને માટે ગૌરવ ગણવાનું પણ બરાબર નથી. એટલે સાધકોને એવી ભલામણ કરવાનું મને મન નથી થતું. એમણે એનો ઉપયોગ ન કરવો જોઈએ એવું જ મારું માનવું છે. એને બદલે દર્ભાસન અથવા સુંદર વસ્ત્રના આસનનો ઉપયોગ કરી શકાય. નાની-સરખી ગાદી પણ બનાવી શકાય. હવે તો ખાદી અને ગ્રમોદ્યોગ ભંડારમાં જુદાંજુદાં સ્વચ્છ અને સરસ આસનો મળી શકે છે. એવાં અનુકૂળ આસનોની પસંદગી કરવા સાધક સ્વતંત્ર છે.

કેટલાકની દલીલ એવી છે કે મૃગચર્મમાં વિદ્યુતશક્તિ છે. એ દલીલ સાચી હોય તોપણ એના અનુસંધાનમાં આપણે એટલું જ કહીશું કે સાધકે કોઈ બહારની વસ્તુની વિદ્યુતશક્તિની પાછળ નથી પડવાનું અથવા એની આકાંક્ષા નથી રાખવાની. આત્મા અથવા પરમાત્માની વિદ્યુતશક્તિ સૌથી વિશેષ છે. એ વિદ્યુતશક્તિની આગળ બહારની બીજી વિદ્યુતશક્તિની કાંઈ જ વિસાત નથી. એ પરમ વિશુદ્ધ વિરાટ વિદ્યુતશક્તિ મેળવવા માટે આત્મા અથવા પરમાત્માની વધારે ને વધારે પાસે પહોંચવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. એવી પ્રવૃત્તિ પરમહિતાવહ થઈ પડશે એમાં સંશય નથી. ઉત્તમ વિચારો, ભાવો અને સંસ્કારોથી સંપન્ન બનેલું, વિષયવિમુખ ને પરમાત્માભિમુખ થયેલું મન એકાગ્રતાના અને પરમાત્માનો અસાધારણ અનુરાગ ધારીને પરમાત્મા પ્રત્યે પ્રવાહિત થશે, ત્યારે જે વિદ્યુતશક્તિ ઉત્પન્ન થશે, આત્મનિર્ભર, અક્ષય અને અનોખી હશે. સાધકે એની જ આકાંક્ષા રાખવાની અને એનો જ આધાર લેવાનો છે.

આસન અતિશય ઊંચું અથવા અતિશય નીચું ન હોય એટલે શું સમજવું ? એનો સુચિતાર્થ સ્પષ્ટ છે. અતિશય ઊંચું એટલે અત્યંત સ્થૂળ, ભારે અથવા મુલાયમ. જેના પર બેસવાથી પ્રમાદ પેદા થાય, સૂવાનું મન થાય, આસન ઊંડે ઉતરી જાય, એવું. નીચું આસન એથી ઊલટું, ખૂબ જ પાતળું તથા સખત હોય છે. એવા આસન પર બેસવાથી આરંભમાં પગે ખાલી ચડે છે ને તકલીફ થાય છે. એવું આસન પણ વર્જ્ય છે. એનો અર્થ એ થયો કે આસન બહુ મુલાયમ નહિ અને બહુ સખત કે કઠોર નહિ એવું પ્રમાણસરનું હોવું જોઈએ. તો જ તે અનુકૂળ બની શકે. એ આસન સ્થિર અથવા સમતલ ભૂમિ પર સીધું હોય એ આવશ્યક છે. એને જોતાવેંત એના પર બેસવાનું મન થાય અને અંતરમાં આહ્ લાદ છવાઈ જાય એવું બનવું જોઈએ. એની ઉપર બેસવાથી મનને સ્થિરતાનો, સુખનો ને શાંતિનો અનુભવ થાય એ આવશ્યક છે. મહર્ષિ પતંજલિએ યોગદર્શનમાં આસનનું વર્ણન કરતાં આટલા માટે જ લખ્યું છે કે स्थिरसुखमासनम् જેમાં સ્થિરતા તથા સુખ અનુભવાય એ આસન.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.
- Rabindranath Tagore