Text Size

સ્થાન વિશે

આસન પર બેસવાના પ્રદેશવિશેષ કે સ્થાન વિશે હવે વિચારીએ. એ સ્થાન કેવું હોવું જોઈએ ? શુચિ એટલે કે પવિત્ર વાયુમંડળવાળું, પવિત્ર પરમાણુઓથી ભરેલું. એ સ્થાનવિશેષમાં બેસતાં કે પ્રવેશતાં જ શાંતિ, ઉત્સાહ ને પ્રેરણા મળે; દિવ્ય ભાવો, સંસ્કારો કે વિચારો પેદા થાય, અને એક પ્રકારની અસાધારણ સાત્વિક્તા કે પરમાત્મપરાયણતા અનુભવાય. ત્યાં ધ્યાનમાં જપમાં અથવા આત્મચિંતનમાં બેસવાનું ગમે અને ઉત્તમ વૃત્તિઓને પોષણ સાંપડે; એવું એ સાનુકૂળ ને સુંદર જોઈએ. એ સ્થાનમાં આત્માને ઉદાત્ત બનાવનારા ને પ્રેરણા પાનારા મહાત્મા પુરૂષોના ને ભક્તોના તથા દેવદેવીઓના સરસ ફોટાઓ જોઈએ. સુવાસિત પુષ્પો રાખવાં જોઈએ અને અગરબત્તીની સુગંધ પ્રકટાવવી જોઈએ. સાધનામાં સારી પેઠે આગળ વધતાં કે પરિપકવતા આવતાં એ બધાની આવશ્યકતા નહિ રહે એ સાચું છે, પછી તો એની મેળે જ આપોઆપ એકાગ્રતાનો અનુભવ સહજ બનશે. પોતાની પ્રેરણા, સ્વસ્થતા અને શાંતિને માટે બહારના વિષયો, પદાર્થો, ઉપકરણો કે વાતાવરણનો આધાર નહિ રાખવો પડે, એમની ઉપર નિર્ભર નહિ રહેવું પડે; સાધક એકદમ આત્મનિર્ભર બની જશે અને આત્માની કે પરમાત્માની અંદરથી જ પ્રેરણા, પ્રકાશ, શાંતિ અને આનંદ લેતો થશે. પરંતુ એવી અસાધારણ ઉત્તમ અવસ્થાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તો બાહ્ય વાતાવરણની અસર થવાની, બાહ્ય પરિસ્થિતિનો અનુકૂળ કે પ્રતિકૂળ પ્રભાવ પડવાનો, ને એનું ધ્યાન પણ રાખવું પડવાનું. એની ઉપેક્ષા કર્યે કે એના પ્રત્યે દુર્લક્ષ કર્યે નહિ ચાલે. એવી ઉપેક્ષા અથવા દુર્લક્ષવૃત્તિ આત્મિક સાધનાના આરંભના અભ્યાસીને માટે ભારે હાનિકારક પુરવાર થશે.

આજના કોલાહલયુક્ત શોરબકોરથી ભરેલા ને છલેલા શહેરી વાતાવરણમાં નિતાંત એકાંત વાતાવરણ મળવું મુશ્કેલ છે. કોઈક બડભાગીને જ મળતું હશે એમ કહીએ તો ચાલે. મોટા ભાગનાં મનુષ્યોને તો રહેવાની પૂરતી જગ્યા પણ નથી હોતી. તે જેમતેમ કરીને જીવે છે ને વસે છે. એવાં પ્રતિકૂળતાવાળાં તથા સાનુકૂળ સ્થળના અભાવવાળાં મનુષ્યો જો થોડાંક વહેલાં ઊઠવાની ટેવ પાડે તો વહેલી સવારની સહજ શાંતિનો લાભ સહેલાઈથી મેળવી શકે. ઘરના એકાદ એકાંત શાંત ખંડને સાધનાખંડ બનાવી શકે. જેમને માટે એવી રીતે પણ એકાંત અનુભવવાનું અને શાંતિ મેળવવાનું શક્ય ન હોય તે વહેલી સવારે ઊઠીને કોઈક શાંત, સુંદર, એકાંત, આહ્ લાદક ઉપવનમાં, મંદિરમાં કે મહાદેવમાં, અથવા  સરિતા કે સાગરના સરસ તટપ્રદેશ પર પહોંચી જાય. એકાંતની પ્રાપ્તિના પ્રશ્નનો પ્રત્યુત્તર એ એવી રીતે જ પ્રાપ્ત કરી લે. સાધનાના માર્ગમાં આગળ વધવાની અભિરુચિવાળા સાધકે એવી રીતે એકાંત ન મળે તો એકાંતને મેળવી લેતાં શીખવું જોઈએ. સાનુકૂળતાને શોધી લેવી એ પણ એક કળા છે. એ કળામાં કુશળ થવાની આવશ્યકતા છે.

કેટલાક સન્માનનીય સુવિચારકો એવું માને છે કે ધ્યાનની અથવા નામજપની સાધનાનું અનુષ્ઠાન દેવમંદિરમાં, પર્વતની પ્રશાંત ગુફામાં, પર્વત પ્રદેશમાં કે સ્મશાનમાં ને સરિતાતટ પર કરવું જોઈએ. એમની માન્યતા છેક જ ખોટી છે એવું નથી. એની પાછળ ઊંડું રહસ્ય રહેલું છે. છતાં એ પણ ચોક્કસ છે કે સૌને માટે એવાં સ્થળોમાં સાધના કરવાનું શક્ય નથી. અનુકૂળતા મળતાં થોડાક દિવસ એવાં એકાંત સુંદર સ્થળોમાં સાધના કરવાનું શક્ય બને તે ભલે, પરંતુ પછી તો પ્રત્યેકે પોતાને પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં રહીને જ આગળ વધવાનું છે અને એવી રીતે આગળ વધવાનું વ્યવહારુ તથા બુદ્ધિસંગત પણ છે. છેવટે તો સાધકે પોતાની દ્રષ્ટિને તથા વૃત્તિને બદલીને વિશદ બનાવીને મહીને મંદિર માનતાં અથવા સ્વભાવથી જ વિનાશશીલ સૃષ્ટિને સ્મશાન સમજતાં શીખવું પડશે. સદ્ વિચાર ને સદ્ ભાવોની સુરસરિતામાં સ્નાન કરવાની ને અંતરના અંતરતમની અલૌકિક પવિત્ર પ્રશાંત પર્વતગુફામાં પ્રવેશવાની સાધનામાં સિદ્ધહસ્ત બનવું પડશે. આ અવનીનાં અણુઓની અલૌકિકતાને ઓળખતાં અથવા અનુભવતાં શીખવું પડશે. એમ થતાં જ્યાં પણ રહેવાનું થશે ત્યાં રહીને આત્મવિકાસની, આત્માનુભૂતિની સાધનામાં આગળ વધી શકાશે.

આરંભના અભ્યાસી પર પરિસ્થિતિનો પ્રભાવ ઘણો પ્રબળ પડે છે એટલે એણે પરિસ્થિતિની પસંદગીનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. જે વાતાવરણ પસંદ કરવામાં આવે તે સાધનાને પોષક હોવું જોઈએ. સંગ પણ સાધનાના માર્ગમાં મદદરૂપ થવો જોઈએ. કુસંગને પસંદ કરવા કરતાં સત્સંગને પસંદ કરવો સારો છે અને સત્સંગ ન જ સાંપડે તો અસંગ અથવા સંગરહિત રહેવાનું સલામત, સારું તથા શ્રેયસ્કર છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer