Text Size

સાધના માટે સાનુકૂળ સમય

સાધનાને માટે સાનુકૂળ આસન અને સ્થાનનો ઉલ્લેખ કરી લીધા પછી સાનુકૂળ સુયોગ્ય સમયનો વિચાર કરી લઈએ. એ વિચાર પણ ઉપયોગી છે. આત્મિક સાધનાને માટે અતીત કાળથી આરંભીને અદ્યતન કાળપર્યંત મુખ્યત્વે બે પ્રકારના સમય સુયોગ્ય ગણાયા છે અને એમની ભલામણ પરંપરાગત રીતે કરવામાં આવે છે. એ બંને સમય બ્રાહ્મમુહૂર્તના ને સાયંકાળના છે. બ્રાહ્મમુહૂર્તનો સમય સૂર્યોદય પહેલાંનો લગભગ ત્રણ કલાકનો સમય છે. એ સમય મોટે ભાગે અસીમ શાંતિનો તથા તાજો ને સ્ફૂર્તિવાળો હોય છે. એ દરમિયાન અધિકાંશરૂપે બહારનાં બીજાં કાર્યો કરવાનાં નથી હોતાં. મન શાંત, સ્વસ્થ ને પ્રસન્ન હોય છે. બહારનું કોઈ આપણને મળવા માટે નથી આવતું અને આપણે મોટે ભાગે કોઈને મળવા જવાનું નથી હોતું. સંસારના બીજાં કર્તવ્યો આરંભવામાં આવે તે પહેલાંનો એ સુંદર સમય આત્મસાધનાના ઉપયોગી કર્તવ્યમાં લગાડીને કૃતાર્થ કરી શકાય છે. ફક્ત તેને માટેની આકાંક્ષા, તમન્ના કે લગની હોવાં જોઈએ. એ સમય દરમિયાન કરવામાં આવતી સાધનામાં મન સહેલાઈથી લાગી જાય છે. બાહ્ય અવરોધો પેદા થવાનો સંભવ નથી રહેતો; સિવાય કે સાધકનું પોતાનું મન જ પુરાણી રસવૃત્તિને લીધે અંતરાયરૂપ અથવા અવરોધક બને. એ શાંત સમય દરમિયાન કરેલી સાધનાની અસર બાકીના આખા દિવસ પર પડતી હોય છે. સમસ્ત દિવસ દરમિયાન એને લીધે સ્ફૂર્તિ, પ્રેરણા ને ચેતના અનુભવાય છે. સાધનાનો એ આહ્ લાદક અભ્યાસક્રમ એક પ્રકારના અસાધારણ આશીર્વાદરૂપ આત્મિક અલ્પાહારની ગરજ સારે છે.

સંધ્યાસમય પણ સાધનાને માટે એવો જ સુંદર ને સાનુકૂળ કહેવાય છે. એ સમયે સમસ્ત પ્રકૃતિ શાંત, નીરવ, નિસ્તબ્ધ થતી જાય છે. વિહંગો વનનો વિહાર છોડીને પોતાના માળા પ્રતિ પ્રયાણ કરે છે, ગોધન ગોસદન કે ઘર તરફ વળે છે, ખેડૂતો ખેતરમાંથી પાછા ફરવાની તૈયારી કરે છે, ત્યારે મનના વિષયવિચારોનાં વિહંગોને પાછાં વાળી, ઈન્દ્રિયોને વિષયોના વનવિહારમાંથી સંકેલી લઈ, આત્માને પરમાત્માભિમુખ કરવાની સાધના સ્વાભાવિક તેમ જ સહેલી બને છે. એ વખતે ધ્યાનાદિમાં બેસવાથી મન એકાગ્ર થવા માંડે છે. બહારથી સઘળી પ્રકૃતિ શાંત હોય છે ત્યારે મન પણ સહેલાઈથી, પ્રમાણમાં ઘણા ઓછા પ્રયત્ને શાંત થવા માંડે છે.

ધ્યાન જેવી આત્મવિકાસની સાધના માટે ત્રીજો સાનુકૂળ સમય રાતનો-ખાસ કરીને મધ્યરાત્રીની આસપાસનો હોય છે. એ વખતે પ્રકૃતિ સંપૂર્ણપણે શાંત, નીરવ ને નિસ્પંદન હોય છે. જોકે સૂવાનો સમય પણ એ વખતે કેટલાકને વધારે અનુકૂળ લાગે તેવો હોય છે તોપણ પ્રમાદનો થોડોક પરિત્યાગ કરવામાં આવે તો એ સમયનો લાભ સારી રીતે લઈ શકાય છે. એ સમયે મન શાંત દશા તરફ સહેલાઈથી ગતિ કરે છે. કેટલાક ઉચ્ચ કક્ષાના સાધકો કે સિદ્ધો મધ્યરાત્રીના એ શાંત સમયનો સદુપયોગ કરીને મનને સાધનામાં પરોવે છે. એવા સાધકો કે સિદ્ધોની નિદ્રા એકદમ ઓછી હોય છે. નિદ્રા પર એમણે આંશિક વિજય પ્રાપ્ત કર્યો હોય છે એવું કહીએ તો ચાલે. કેટલાકે તો નિદ્રાનો સંપૂર્ણ વિજય સાધ્યો હોય છે. રાત્રીની નીરવ શાંતિમાં સાધના કરનારને અનુભવો પણ અનોખા અથવા અવનવા થતા હોય છે. તોપણ મધ્યરાત્રિની આસપાસ ઊઠવાથી જેમની નિદ્રા તથા સાધના બંને બગડવાનો સંભવ હોય તેમણે પર્યાપ્ત નિદ્રા લઈને વહેલી, સવારે ઊઠીને સાધનામાં બેસવું જોઈએ. એમને માટે એ પદ્ધતિ ખૂબ જ હિતાવહ અને અનુકૂળ થઈ પડશે.

મધ્યરાત્રિની આસપાસ ઊઠીને થોડી વાર સાધનામાં બેસીને પાછળથી આવશ્યકતા પ્રમાણે સૂઈ પણ શકાય છે. એવી રીતે સૂવાથી કશી હરકત નથી આવતી. એનો અર્થ એવો નથી કે એ ત્રણ સમય સિવાયના બીજા સમય દરમિયાન સાધના થઈ જ ન શકે. બીજા કોઈ પણ સમય દરમિયાન સાધનાનો આધાર લઈ શકાય. જ્યારે પણ અનુકૂળતા હોય, અનુકૂળતા કાઢી શકાય, રસ પેદા થાય, પ્રેમ અથવા સદ્ ભાવના હોય ત્યારે બ્રાહ્મમુહૂર્ત જ છે એમ માની લેવું. પછી બહાર ભલેને ગમે તે મુહૂર્ત હોય. મધ્યાહ્ન હોય તોપણ શું ? એ વખતે પણ જો શુભ ભાવો ને વિચારો જાગે અને ધ્યાન કે જપ કરવાનું મન થાય તો તેને સુંદર બ્રાહ્મમુહૂર્ત સમજીને એનો ઉપયોગ ઉત્સાહપૂર્વક કરી લેવો. માનવના મનમાં બ્રાહ્મમુહૂર્ત હોય એ પણ કાંઈ ઓછું અગત્યનું નથી હોતું. સાધનાના મંગલ માર્ગમાં ઉત્તરોત્તર આગળ વધતાં આખરે એવી અવસ્થાની પ્રાપ્તિ સહજ બનશે જ્યારે સઘળા સમયો બ્રાહ્મમુહૂર્ત જેવા જ સુમધુર ને શાંત લાગશે અથવા એકસરખો આનંદ આપશે. પછી સમયનું બાહ્ય બંધન નહિ રહે.

નામજપ કરનારા સાધકોએ અમુક સુનિશ્ચિત સમયે એક આસન પર બેસીને જપ કરવાની સાથેસાથે શેષ સમય દરમિયાન પણ નામજપનો આધાર અધિકાધિક પ્રમાણમાં લેવાની આવશ્યકતા છે. એથી એમને લાભ જ થશે. બીજી પ્રવૃત્તિઓ કરતી વખતે પણ માનસિક રીતે નામજપ થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Awake. Be the witness of your thoughts. You are what observes, not what you observe.
- Lord Buddha