Text Size

યોગાસનો વિશે

યોગનાં આસનોનો અભ્યાસ આપણી યુવાન પેઢીને માટે અત્યંત આશીર્વાદરૂપ અને આવશ્યક છે. એ પેઢી એનો લાભ લે એવું આપણે અવશ્ય ઈચ્છીશું અને એને માટે ભલામણ પણ કરીશું. યુવાવસ્થા આસનોના અભ્યાસ ને બીજી બધી જ જાતના યોગાભ્યાસને માટે અનુકૂળ અવસ્થા છે. એ દ્રષ્ટિએ જોતાં યુવાનોએ આસનોના અભ્યાસમાં વધારે રસ લેવો જોઈએ. આપણી યુવાન પ્રજાનું શરીરસૌષ્ઠવ જોઈએ તેટલું સારું નથી એ હકીકતનો ઈનકાર ભાગ્યે જ કરી શકાય તેમ છે. યુવકો ને યુવતીઓમાં સ્વાસ્થ્ય તથા શારીરિક શક્તિનો અભાવ છે. બીજા પ્રાંતોની પ્રજાની સરખામણીમાં ગુજરાતની પ્રજા શારીરિક દ્રષ્ટિએ થોડી નબળી દેખાઈ આવે છે એ વસ્તુ ગૌરવ લેવા જેવી કે શોભાસ્પદ તો નથી જ. એટલે શરીર સુધારણાની વૃત્તિથી પ્રેરાઈને પણ પ્રજા યોગાસન તથા યોગની બીજી ક્રિયાઓના અનુષ્ઠાન તરફ વળે એ બધી રીતે જરૂરી છે.

માર્ગદર્શન
યોગનાં આસનોનો અભ્યાસ પુસ્તક કે ફોટાઓની મદદથી પોતાની મેળે પણ કરી શકાય છે. એવી રીતે અભ્યાસ કરનારાં માણસો પણ નથી હોતાં એમ નહિ, પરંતુ વધારે સારી પદ્ધતિ તો કોઈ અનુભવી કે નિષ્ણાત માણસની મદદથી જ આસનો અને યોગનાં બીજાં અંગોનો અભ્યાસ કરવાની છે. એ પદ્ધતિ વધારે અનુકૂળ અથવા ઉપયોગી છે. પોતપોતાની પ્રકૃતિ તેમ જ શારીરિક યોગ્યતા પ્રમાણે દરેકે જુદાંજુદાં આસનોનો આધાર લેવાનો હોય છે અને આસનોનો ક્રમ પણ એકસરખો સાચવવાનો નથી હોતો. કેટલાંક આસનો કેટલાંકે ટાળવા પણ પડે છે. એની સાચી સંપૂર્ણ સમજ આસનોના અભ્યાસીને પોતાની મેળે ભાગ્યે જ પડી શકે. માટે જ એને માટે અનુભવી માણસનું માર્ગદર્શન ઉપયોગી ઠરે છે કે માર્ગદર્શક બને છે.

સમય
આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ તથા તાજગી હોય, ને બધેથી મંદમંદ પવન વાતો હોય, ત્યારે આસનોનો અભ્યાસ કરી શકાય છે. એ સમય વિશેષ ઉપયોગી ગણાય છે. બીજો અનુકૂળ સમય સાંજનો છે. એ વખતે પણ વાતાવરણ અનુકૂળ હોય છે. આસનોનો અભ્યાસ સ્નાન કરીને પણ કરી શકાય ને સ્નાન કર્યા સિવાય પણ કરી શકાય. જેવી જેની પ્રકૃતિ અથવા તો જેવી જેની અનુકૂળતા. છતાં ઠંડીના દિવસોમાં સવારે સ્નાન કર્યા વિના ને ગરમીના દિવસોમાં સ્નાન કર્યા પછી આસન કરવાનું વધારે ફાવશે તથા ઉચિત લેખાશે.

લાભ
આસનો આમ તો ચોરાસી કહેવાય છે, પરંતુ ચોરાસી આસનોના અભ્યાસની આવશ્યકતા સૌને નથી હોતી. સ્વાસ્થ્ય માટે ઉપયોગી કરવા યોગ્ય આસનો શીખવાથી જરૂરી હેતુ સરી રહે છે. એવાં આસનો આ પ્રમાણે છે: પદ્માસન, બદ્ધ પદ્માસન, સુષુપ્ત પદ્માસન, સર્વાંગાસન, પશ્ચિમોત્તાનાસન, ધનુષાસન, હલાસન, મયૂરાસન, મત્સ્યેન્દ્રાસન, વજ્રાસન, ઉષ્ટ્રાસન, ભુજંગાસન. શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે ને સર્વાંગાસનને પ્રધાન. શીર્ષાસન અત્યંત લાભકારક છે. એથી સમસ્ત શરીરને લાભ થાય છે અને મગજ તથા આંખને સૌથી વધારે લાભ થાય છે. મસ્તકના પ્રદેશમાં એને લીધે લોહીનો સંચાર થાય છે અને નવી સ્ફૂર્તિ, નવી તાજગી ને નવી ચેતના ફરી વળે છે. મગજની ગરમી એથી ઓછી થાય છે, વાળ કાળા થાય છે, તેમજ અવનવી શાંતિનો આસ્વાદ મળે છે. નેત્રોની જ્યોતિ પણ વધે છે. સર્વાંગાસન મુખ્યત્વે પેટને માટે ફાયદાકારક છે. એને લીધે મળદોષ દૂર થાય છે, પાચનશક્તિ વધે છે ને વાયુજન્ય વિકારોમાંથી મુક્તિ મળે છે. પદ્માસન નાડીશુદ્ધિમાં મદદરૂપ થાય છે, તેમ જ જપ ને ધ્યાન જેવી અંતરંગ સાધનાની ક્રિયામાં સહેલાઈથી સુખપૂર્વક બેસવામાં સહાય કરે છે.

આસનો એકલા શરીરને જ અસર પહોંચાડે છે કે એકલા શરીરને લાભ પહોંચાડે છે એવું નથી સમજવાનું. કેટલાક લોકો એમ માને છે કે આસનો કેવળ શારીરિક શક્તિ કે સ્વાસ્થ્ય-સુધાર માટે જ છે અને એનાથી આગળના વિકાસની સાથે એમને કાંઈ જ લાગતુંવળગતું નથી; પરંતુ એમની માન્યતા બરાબર નથી. શરીર, મન અને આત્મા ત્રણે એકમેકની સાથે સંકળાયેલાં છે; અને એકની શુદ્ધિ-અશુદ્ધિ કે શક્તિ-અશક્તિની અસર બીજા પર પડે છે. એટલા માટે આસનો કેવળ શરીર સુધારણાની કસરત નથી, પણ મનને સ્વસ્થ તેમ જ મજબૂત બનાવવા માટેની પ્રાણવાન પ્રક્રિયા છે. આત્માની ઉન્નતિમાં એમનો ફાળો એમની પોતાની રીતે ઘણો મહત્વનો છે. આસનોનો લાભ પુરૂષોની પેઠે સ્ત્રીઓ પણ લઈ શકે છે ને સ્ત્રીઓને માટે પણ એ એટલાં જ ઉપયોગી છે એ ખાસ યાદ રાખવાનું છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

To observe without evaluating is the highest form of intelligence.
- J. Krishnamurti