Text Size

નિર્વિચાર અને નિર્વિકાર

સાધકની લયદશા જેમજેમ વધતી કે વિસ્તરતી જાય છે તેમતેમ એની અંદરથી શાંતિ અને આનંદનો આવિર્ભાવ થતો જાય છે. એ આવિર્ભાવ વખતના વીતવાની સાથે અખંડ બને છે. એ ઉપરાંત, સમાધિદશામાં સહજ બનેલું પરમાત્મદર્શન જાગૃતિમાં પણ થવા માંડે છે. અને પછી તો કોઈકોઈ કૃતકૃત્ય બડભાગી સાધકને પરમાત્માના ચોવીસે કલાકના અનવરત અખંડ અનુસંધાનનો અનુભવ થાય છે. એવી અવસ્થા અતિશય વિરલ હોય છે. પ્રેમમાર્ગના સાધકને માટે પોતાના ઈષ્ટ કે આરાધ્યદેવનું ચોવીસ કલાકનું દર્શન સહજ બને છે. ભગવાન રામકૃષ્ણ પરમહંસદેવની અવસ્થા એવી અલૌકિક હતી. એ જ્યારે ધારે ત્યારે જગદંબાનું દર્શન કરી શકતા ને જગદંબાની સાથે વાતે વળગતા.

લય અથવા સમાધિદશામાં પહોંચનારા સાધકનું મન સત્યસંકલ્પ બની જાય છે. એના સંકલ્પ સાચા અને શક્તિશાળી અથવા અમોઘ હોય છે. એ જે વિચારે છે તે સાચું થાય છે. એની અંદર આશીર્વાદ આપવાની શક્તિ પ્રકટી ઊઠે છે.

આપણે ત્યાં વિચારકોનો એક વર્ગ એવો છે જે મનને નિર્વિચાર કરવા તરફ વધારે ધ્યાન આપવાનો સંદેશ આપે છે. એ સંદેશ ગીતા તથા પાતંજલ યોગદર્શન જેટલો પુરાતન છે. ગીતામાં न किंचिदपि चिंतयेत् 'કાંઈ પણ ચિંતન ન કરવું’ એવું કહીને નિર્વિચાર દશા તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે, અને યોગદર્શનમાં પણ એનો મહિમા કહી બતાવવામાં આવ્યો છે. પરંતુ ગીતા તથા યોગદર્શન બંનેમાં નિર્વિચાર દશાનો મહિમા કેવળ એ દશા પૂરતો જ નથી ગાવામાં આવ્યો. નિર્વિચાર દશા ગમે તેટલી સારી હોવા છતાં એક સાધન છે ને સાધ્ય નથી, એવું સૂચવવામાં આવ્યું છે. એ દશાનો લાભ લઈને એનાથી આગળ વધવાનું છે. એને માટે યોગદર્શનમાં મહર્ષિ પતંજલિ સ્પષ્ટ રીતે જણાવે છે કે નિર્વિચાર દશામાં નિષ્ણાત બનેલો અથવા સિદ્ધહસ્ત થયેલો યોગી આત્માનુભૂતિ દ્વારા અધ્યાત્મપ્રસાદની પ્રાપ્તિ કરે છે निर्विचारवैशारधैरध्यात्मप्रसादः । આત્મસાક્ષાત્કાર જેવો અદ્ ભુત આત્મપ્રસાદ બીજો કયો છે ? એની અંદર જ જીવનને કૃતાર્થ કરવાની શક્તિ છે.

એનો અર્થ એવો થયો કે નિર્વિચાર દશાને જ સાધનાત્મક જીવનનું સારસર્વસ્વ સમજીને એમાં જ કેદ થઈને બેસી નથી રહેવાનું. વિચારોની દશાથી ઉપર ઊઠીને વિચારરહિત દશામાં પહોંચવાનું છે એ સાચું છે, પરંતુ એથી પણ ઉપર ઊઠીને, મનની પરિધિને પરિત્યાગીને, આત્માના અલૌકિક પાવન પ્રદેશમાં સ્થિતિ કરવાની છે. નિર્વિચાર દશા ત્યારે જ સાર્થક થઈ શકે.

જાગૃતિદશામાં સદા માટે વિચારરહિત રહેવાનું કામ કપરું છે. સ્વલ્પ સમય સુધી વિચારરહિત રહેવાય છે ખરું, પરંતુ પછીથી ભાતભાતના વિચારો મનને ઘેરી વળે છે. એટલે શરૂઆતના સાધન તરીકે મનને અશુભ અથવા પ્રતિકૂળ અવરોધક વિચારોથી મુક્ત કરીને શુભ અને સાનુકૂળ વિચારોથી અલંકૃત કરવાનું કહેવામાં આવ્યું છે  तन्मे मनः शिवसंकल्पमस्तु । શુભ વિશુદ્ધ વિચારોથી વીંટાળાયેલા મનને વિચારરહિત થતા વાર નથી લાગતી.

જાગૃતિદશા દરમિયાન વિચારરહિત બનીને બેસી રહેવા કરતા વિકારરહિત બનવાનું વધારે સારું તથા શ્રેયસ્કર છે. વિકારરહિત દશા સાધકને માટે અત્યંત ઉપયોગી અને આશીર્વાદરૂપ છે સાધકે નિર્વિચાર દશાની પ્રાપ્તિ કરવાની ચિંતા કરવાની સાથે નિર્વિકાર અવસ્થાની અનુભૂતિ કરવાનું અને એવી અનુભૂતિને સહજ બનાવવાનું ધ્યાન રાખવું જોઈએ.

મનમાં વિચાર પેદા જ ન થાય તો વિકારને પ્રગટવાનો સંભવ ઓછો રહે છે. નથી રહેતો એવું કહીએ તો ચાલે. કારણ કે પ્રત્યેક વિકાર નાનામોટા વિચારનું જ અનુસરણ કરતો હોય છે. એની સાથેસાથે એ પણ યાદ રાખવાનું છે કે વિકાર જ ન હોય તો વિચારને ઊઠવાની સંભાવના ઓછી રહે છે. વિચાર એક પ્રકારનો સૂક્ષ્મ વિકાર જ છે. તોપણ સામાન્ય રીતે જીવનધારી માનવે ધ્યાનાવસ્થા પહેલાં ને ધ્યાનાવસ્થા પછી પણ બનતા પ્રમાણમાં વધારે ને વધારે વિકારરહિત બનવાનું ધ્યાન રાખવું જોઈએ.

આત્મવિકાસના સાધકને માટે નિર્વિચાર દશા અને નિર્વિકાર દશા એક જ સિક્કાનાં બે પાસાં જેવી, પંખીની બે પાંખ સરખી અને શરીરની બંને આંખ જેવી છે. એ બંનેમાંથી એકની ઉપેક્ષા કરવાનું ઉચિત નથી. બંનેનો સુભગ સમન્વય સાધકની સાધનામાં આવશ્યક અને આશીર્વાદરૂપ છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Awake. Be the witness of your thoughts. You are what observes, not what you observe.
- Lord Buddha