if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કેટલાક લોકો એમ સમજે છે કે હઠયોગ એ હઠ કરવાનો કે હઠથી કરવાનો યોગ છે. પરંતુ એ સમજ ખોટી છે. હઠયોગને એના બાહ્ય શબ્દાર્થ પરથી સૂચિત થાય છે તેમ હઠ કે દુરાગ્રહની સાથે કશો જ સંબંધ નથી. હઠયોગમાં હ અને ઠ નામના જે બે અક્ષર છે એમનો અર્થ ઈડા ને પિંગલા અથવા તો સૂર્યનાડી અને ચંદ્રનાડી એવો થાય છે. એ બંને નાડીઓમાં સમાધિમાં પ્રવેશ કરવો, તથા એવી સાધનાની મદદથી આત્મદર્શન કરીને ધન્ય બનવું એ હઠયોગ અથવા તો હઠયોગનું ધ્યેય છે. એ યોગના મુખ્યત્વે ત્રણ તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. એ ત્રિવિધ વિકાસ પ્રમાણે પ્રગતિ કરનારે સૌથી પહેલાં તો શરીરની નિર્મળતા ને સુદ્રઢતા તરફ ધ્યાન આપવું પડે છે. હઠયોગના અભ્યાસક્રમમાં એ એક અનિવાર્ય વસ્તુ છે. એને માટે જ હઠયોગમાં જુદીજુદી જાતના આસનોની ભલામણ કરવામાં આવી છે અને એની સાથેસાથે એના પૂરક અંગ તરીકે, ષટ્ ક્રિયાઓનો ઉલ્લેખ કરી બતાવ્યો છે.

એ પછીનો અભ્યાસક્રમ જુદાજુદા પ્રાણાયામનો છે. એ અભ્યાસનો આધાર લઈને અભ્યાસી પ્રાણની શુદ્ધિ સાધે છે, પ્રાણ પર નિયંત્રણ કરે છે, ને ઈચ્છાનુસાર પ્રાણનો નિરોધ પણ કરી શકે છે. પ્રાણાયામની સાધનાથી યોગી એવી રીતે સમાધિમાં એટલે કે હઠયોગના છેલ્લા અને ત્રીજા તબક્કામાં પ્રવેશ કરે છે, અને લાંબા વખતના અતીન્દ્રિય અવસ્થાના એકધારા અનુભવ પછી પોતાની અંદર રહેલા પરમાત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે. હઠયોગનો અભ્યાસક્રમ ત્યાં પૂરો થાય છે.

હઠયોગનો  અભ્યાસક્રમ એવી રીતે એકદમ પદ્ધતિસરનો, વૈજ્ઞાનિક અને ઉપયોગી અભ્યાસક્રમ છે, અને એને હઠ કે દુરાગ્રહ અથવા જક્કીપણા સાથે કશું જ લાગતું વળગતું નથી. હઠયોગનો અભ્યાસક્રમ અત્યંત આશીર્વાદરૂપ છે. ઊગતી પ્રજા એનો વધારે ને વધારે લાભ લે તે જરૂરી છે. ખાસ કરીને હઠયોગનાં આસન અને પ્રાણાયામનાં અંગોનો રસ આપણી પ્રજા ને યુવાન પ્રજા વિશેષ પ્રમાણમાં કેળવે એવી ભલામણ આપણે અવશ્ય કરીશું. તમે જોતા નથી કે આપણી યુવાન પ્રજાની શરીરસંપત્તિ કથળતી જાય છે ? સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપણા યુવકો અને આપણી યુવતીઓ એકદમ પછાત છે તથા અતિશય કરુણ જીવન જીવે છે તેની તમને ખબર નથી ? આપણી યુવાન પેઢીમાંથી બળ તો ઘટતું જ જાય છે પણ સાથેસાથે શારીરિક શક્તિનો પણ હ્રાસ થતો જાય છે તેની માહિતી તમને નથી શું ? કૃત્રિમ રંગરાગ, સૌન્દર્યપ્રસાધન તેમ જ આકર્ષક વેશભૂષાને બાદ કરીને તેની પાછળ રહેનારા તેમના પંચમહાભૂતના માળખાનો વિચાર કરો તો તરત જણાશે કે તેમને ક્ષયરોગ લાગુ પડ્યો છે. જે પ્રજાની શરીરસંપત્તિ જ સારી નથી, જેનામાં બળ નથી, આરોગ્ય નથી, વીર્ય નથી, કષ્ટ સહન કરવાની કે પરિશ્રમ કરવાની શક્તિ નથી, તે પ્રજા તરફથી બીજી કઈ આશા રાખી શકાય ? મનોબળની કિંમત ઘણી વધારે છે એ સાચું છે છતાં શરીરની ઉપેક્ષા પણ કરી શકાય તેમ નથી. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસી શકે છે ને શરીરની અસર મન પર ઘણી ભારે પડતી હોય છે, એ યાદ રાખીને શરીરની પણ વિશેષ સંભાળ રાખવાની જરૂર છે. શરીર તરફ બેદરકાર બનવાનું પાલવે તેમ નથી. શરીરની સ્વસ્થતા તથા સુદ્રઢતાની સિદ્ધિના પ્રયાસો યુવાન પ્રજાએ કરવા જ રહ્યા. એ દ્રષ્ટિએ જોતાં આસન, બીજા યૌગિક વ્યાયામ તથા પ્રાણાયામનું અનુષ્ઠાન ખૂબ જ ઉપયોગી થઈ પડે તેમ છે. જે પ્રજામાં શક્તિ જ નથી તે પ્રજા પોતાની કે બીજાની રક્ષા કેવી રીતે કરી શકશે ? તેની પાસેથી એવી આશા જ કેવી રીતે રાખી શકાશે ? રક્ષા કરવાની વાત તો બાજુ પર રહી, પરંતુ તે સુખ ને શાંતિપૂર્વક જીવી શકશે જ કેવી રીતે ? જીવનસંગ્રામમાં સ્મિત સાથે ને સફળતા-સહિત ઝઝૂમી પણ કેવી રીતે શકશે ?

હઠયોગ આટલો બધો ઉપયોગી છે તોપણ તેની એક મર્યાદા સારી રીતે સમજી લેવા જેવી છે. હઠયોગમાં પ્રારંભથી જ મુખ્યત્વે આસન, ષટ્ ક્રિયા, પ્રાણાયામ તથા મુદ્રા તરફ સારું ધ્યાન આપવામાં આવે છે. તેથી શરીરશક્તિ વધે છે ને પ્રાણ પરનું પ્રભુત્વ પણ મેળવી શકાય છે એમાં સંદેહ નથી, પરંતુ મનની શુદ્ધિ વધે છે અને મન પર પ્રભુત્વ મેળવી શકાય છે કે કેમ એ શંકાસ્પદ જ છે; કારણકે એ યોગના અભ્યાસક્રમમાં મનની શુદ્ધિ પર જોઈતું ધ્યાન નથી અપાતું. એના પુરસ્કર્તા અથવા આચાર્યો એમ માને છે કે પ્રાણનો નિરોધ થતાં મનનો નિરોધ પણ સહજ રીતે જ થઈ જાય છે. એટલે મન તરફ ધ્યાન આપવાને બદલે એ પ્રાણ તરફ જ ધ્યાન આપતા હોય છે. પરિણામે યોગી આસન તથા પ્રાણાયામમાં નિષ્ણાત બને છે ને હેરત પમાડે તેવાં કામો પણ કરી શકે છે પરંતુ કેટલીક વાર એનામાં અહંતા, મમતા, વાસના કે લાલસા રહી જાય છે. એ યોગ એને શાંતિ આપી શકતો નથી, બંધનોમાંથી મુક્ત પણ નથી કરતો. જીવનના સાફલ્યનો આનંદ પણ નથી આપતો, ને પરમાત્માનો સાક્ષાત્કાર નથી કરાવતો. હઠયોગની ઈતર ક્રિયાઓની સાથે એ મનની તાલીમ પણ ધ્યાન રાખે તો જીવનને જરૂર કૃતાર્થ કરી શકે.

રાજયોગની સાધનામાં તો એ ભયસ્થાન જ નથી. કેમકે રાજયોગી તો આરંભથી જ મનની સુધારણાને મહત્વની માને છે. મનનો નિરોધ થશે એટલે પ્રાણનો નિરોધ તો સ્વાભાવિક રીતે જ થઈ જશે, માટે પ્રાણના નિરોધ તરફ વધારે ધ્યાન આપવાને બદલે બધું ધ્યાન મનની શુદ્ધિ ને મનની શાંતિ તરફ જ આપવાની જરૂર છે, એ રાજયોગનો મૂળભૂત ને મહત્વનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને અનુલક્ષીને જ રાજયોગમાં યમ ને નિયમનાં બે પ્રારંભિક સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એને રાજયોગ કહો કે અષ્ટાંગયોગ કહો : બધું એક જ છે. હઠયોગી પ્રાણના નિરોધનો અભ્યાસ કરે છે ત્યારે રાજયોગી મનને શુદ્ધ, સ્થિર, એકાગ્ર ને શાંત કરવાના પ્રયત્નો કરતો હોય છે. એ શરીરની ઉપેક્ષા નથી કરતો, એવી ઉપેક્ષામાં માનતો પણ નથી. એની શરીરસંપત્તિ કુદરતી રીતે જ સારી હોય છે, અને એને વધારે સારી કરવા માટે એ આવશ્યક માત્રામાં આસન-પ્રાણાયામનો આધાર અવશ્ય લેતો હોય છે; પરંતુ નજર સમક્ષ સદાય મન રહેતું હોય છે, એટલે એને માટે અહંતા, મમતા, દુન્યવી વાસના કે લાલસામાં પડવાનો અવકાશ બહુ જ ઓછો રહે છે. નથી રહેતો એમ કહીએ તો ચાલે. અલબત્ત, રાજયોગી પણ જો માનસિક વિકાસ પ્રત્યે બેદરકાર રહેશે તો તેનો ઉદ્ધાર કોઈ જ નહિ કરી શકે. તે પણ અધવચ્ચે જ અટકી પડશે.

હઠયોગીએ રાજયોગનો આધાર લેવો જ જોઈએ, તો જ તે પૂર્ણ ને મુક્ત તથા કૃતકૃત્ય બની શકે, એમ જે કહેવામાં આવે છે એનો આશય એટલો જ કે હઠયોગીએ પ્રાણના નિયંત્રણ પર જ બધો મદાર બાંધવાને બદલે મનના સંયમ કે શુદ્ધિકરણનું પણ ધ્યાન રાખવું જોઈએ. એનો અર્થ એવો નથી કે હઠયોગ કોઈ અપૂર્ણ યોગ છે. ના, હઠયોગ રાજયોગના જેવો જ એક સંપૂર્ણ ને સ્વતંત્ર યોગ છે. તેની સાધના અત્યંત ઉપકારક છે. ફક્ત તે સમજપૂર્વક થવી જોઈએ.

એક બીજી અગત્યની વાત કહી દઉં ? મોટા ભાગના લોકો માને છે તેમ રાજયોગ પણ કાંઈ રાજાઓનો યોગ નથી. રાજયોગનો અર્થ આત્માનું રાજ્ય આપનારો યોગ અથવા તો યોગોનો રાજા- યોગશિરોમણી એવો થાય છે. તેને રાજાઓ સાથે કાંઈ લાગતું વળગતું નથી. હા, પોતાની જાતના રાજા થવાની ઈચ્છાવાળા લોકો એનો આધાર અવશ્ય લે. એમને એ મદદરૂપ થશે. એવા વિશાળ અર્થમાં જ એ રાજયોગ છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.