જે મદદ માગતા મારી, તેને મદદ કરૂં છું હું !
જે કરતા મારી યારી, તેને પ્રેમ કરૂં છું હું ! જે મદદ.
જે પોકારે ને પ્રાર્થે, ને છાયા શીતળ માગે;
જે સ્તવે, મને નિજ માને, જીવે મારા અનુરાગે.
તેને છાંય ધરૂં છું હું, અનુરાગ કરૂં છું હું ! જે મદદ.
જે આધાર મને માને, આનંદે મારે ધ્યાને;
મારા જ શરણમાં રાચે, ને નેહે કેવલ નાચે;
તેનો આધાર થઊં હું,વળી શરણ દઊં છું હું ! જે મદદ.
પડતાંને ઝીલું પ્રેમે, ના નષ્ટ થવા દઉં કેમે;
હો કદી જાનજોખમ છો,છે ભક્ત મને પ્યારો તો;
જે મારા તરફ જુએ, તે કદીકાળ ન રુવે ! જે મદદ.
છે પ્રાણ ભક્ત તો મારા, હો સાધારણ કે સારા;
મારી ફેરવતા માળા, તે જીવન માનું મારા;
જે મુજને સાદ કરે, તેની વ્હાર કરૂં છું હું ! જે મદદ.
આ વચન કેમ વિસરાયાં ? ના સંકટ કેમ હરાયાં ?
'પાગલ’નાં લોચન ભીનાં, આનંદે ના ઉભરાયાં !
એ વાત કહું છું હું, અનુરાગ ચહું છું હું ! જે મદદ.
- શ્રી યોગેશ્વરજી