આશા મારી પૂર્ણ કરી દો આજ.
કેટકેટલા દિનથી ઝંખુ, પૂર્ણ કરી દો કાજ ... આશા મારી
મૂંગું મૂંગું રોતાં કરતો નિત્ય કરૂણ અવાજ;
કૃપા કરો તો વાગે મારે મંદિર ઝાંઝ પખાજ ... આશા મારી
તપ્ત હૃદયને શાંત કરી દો તેમ સજાવો સાજ;
પાર ઉતારો શીઘ્ર સલામત, ડગમગ થાય જહાજ ... આશા મારી
પ્રકાશ કિરણે પ્રાણ ભરી દો, 'પાગલ’ના શિરતાજ !
શાંત કરી દો, ધન્ય કરી દો, હવે ગરીબનિવાજ ! ... આશા મારી
સાધારણ ઇચ્છા છે મારી, નથી માગતો રાજ;
શરણાગત છું, રહી તમારે હાથે મારી લાજ ... આશા મારી
- શ્રી યોગેશ્વરજી
Comments