Text Size

દીવો ક્યારે કરશો ?

ઉત્તરાખંડના પુરાણ પ્રસિદ્ધ દેવભૂમિના મહિમાથી ખેંચાઈને દર વરસે કેટલાય માણસો એ ભૂમિની યાત્રાએ આવે છે. એમાં કેટલાક જિજ્ઞાસુ હોય છે, કેટલાક પર્યટનપ્રેમી, કેટલાક ધર્મશ્રદ્ધાથી સંપન્ન આત્માઓ, તો કેટલાક જીવનની શ્રેય સાધનાના સાધકો. ઉનાળાની ઋતુ શરૂ થાય છે એટલે અસંખ્ય યાત્રીઓ એ દેવભૂમિના દર્શન માટે નીકળી પડે છે.

એમાં કોઈ કોઈ વૈરાગી અને ઈશ્વરપ્રેમી પુરુષો પણ આવતા હોય છે. એમને જોઈને આપણને આનંદ થાય છે અને ઘડી બે ઘડી એમનો સમાગમ કરવાનું મન પણ થઈ જાય છે. એવો સમાગમ ભારે લાભકારક સાબિત થાય છે, અથવા તો એમાંથી જીવનને ઉપયોગી પ્રેરક સામગ્રી મળી રહે છે.

એવા એક સુખદ સમાગમની આજે સ્મૃતિ થઈ આવે છે. એ સમાગમ છે બહારથી એક સામાન્ય જેવા દેખાતા મહાપુરુષનો. એમનું અસલ નામ શું હતું તે તો કોઈ ન જાણે, પરંતુ એ બાબાજીના ટૂંકા નામે ઓળખાતા. બહારથી જોતાં એમનું સ્વરૂપ સાવ સામાન્ય હતું, પણ એમની અંદરનો આત્મા ઘણો મહાન હતો. એની ખાતરી એમના સમાગમમાં આવનારને થયા વિના રહેતી નહિ. બદરીનાથની યાત્રા દરમિયાન પરિચય થવાથી એ મને મળવા ઋષિકેશ મારા સ્થાન પર આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું, ‘આ ભૂમિ તમને કેવી લાગી ?’

‘ઘણી જ સરસ,’ એમણે ઉત્તર આપ્યો, ‘હું હવે કાયમને માટે અહીં રહી જવા માગું છું. ઘેર પાછો નથી જવાનો, મારો વૈરાગ્ય પાકો છે.’

‘તમારા જીવનમાં વૈરાગ્ય થવાનું કારણ ?’ મારાથી પૂછ્યા વિના ના રહેવાયું.

એમણે ગંભીરતાથી કહેવા માંડ્યું, ‘કારણ સાવ સાધારણ છે.’

‘સાધારણ ?’

‘હા. સાધારણ જ કહી શકાય. છતાં પણ એણે મારા જીવનમાં ક્રાંતિ કરી નાખી છે.’

‘તમારા ગુરુ ?’

‘મારા ગુરુ તરીકે મેં એક છોકરીને માની છે.’

‘છોકરીને ?’

‘હા. કેમ ? છોકરીને ગુરુ ના માની શકાય ? જે આપણા જીવનમાંથી મોહરૂપી અંધકાર દૂર કરીને પ્રકાશ પાથરે તે ગુરુ. હું તો એમ જ માનું છું. જુઓ સાંભળો :

‘હું એક મોટો વકીલ હતો અને બહુ જ બુદ્ધિશાળી મનાતો. એકવાર એક અટપટા કેસના કાગળો લઈને હું ઘેર જતો હતો ત્યારે શેરીના નાકા પરના મકાનમાંથી અવાજ સંભળાયો : ‘પિતાજી, દીવો કરોને ! અંધારું થઈ ગયું છે. દીવો ક્યારે કરશો ?’

અવાજ સાંભળીને હું ઊભો રહ્યો. બહાર બધે અંધારું થઈ ગયું છે, તેની મને ખબર હતી. ત્યાં તો છોકરી ફરી બોલી, ‘પિતાજી, દીવો કરોને ! દીવો ક્યારે કરશો ?’

એ શબ્દોના ઉત્તરરૂપે પિતાએ દીવો કર્યો. એ જોઈને હું આગળ વધ્યો. પરંતુ મારા અંતરમાં તોફાન મચી રહ્યું. મને થયું કે મારા જીવનમાં પણ અંધારું છે. અત્યાર સુધી સંસારના નશ્વર પદાર્થો પાછળ દોટ મૂકીને મેં કુડકપટ કરવામાં અને અસત્ય તથા અનીતિનો આધાર લેવામાં બાકી નથી રાખ્યું.

સાઠ વરસ થયા એટલે જીવનનો સંધ્યાકાળ શરૂ થયો ગણાય. હજી ક્યાં લગી કાવાદાવા કર્યા કરીશ ?  હવે તો મારે ચેતવું જોઈએ ને જીવનમાં જ્ઞાનનો, નિર્મળતાનો કે પરમાત્માના પ્રેમનો પ્રકાશ કરવો જોઈએ.

છોકરીના શબ્દોએ એવી રીતે મારા જીવનમાં ક્રાંતિ કરી. મારો આત્મા જાગી ઊઠ્યો. મને થયું કે બાકીનું જીવન સત્કર્મમાં, ઈશ્વરસ્મરણમાં ને શાંતિમાં વીતાવવું જોઈએ. કાળ ક્યારે આવશે એની કોને ખબર છે ?  ઘર તથા ધનની વ્યવસ્થા કરીને થોડા વખતમાં તો આ પ્રદેશમાં રહેવાની ઈચ્છાથી મેં ઘરનો ત્યાગ કર્યો. એ છોકરી મારા જીવનને જગાડવાનું કામ કરી ગઈ.’

એમની વાત સાંભળીને મને આનંદ થયો. પ્રસંગ ગમે તેટલો સાધારણ હોય પણ તે માણસના જીવનને ક્યાં પલટાવી નાખશે તે વિશે કશું જ ના કહી શકાય.

બાબાજી સંન્યાસી ન હતા છતાં આદર્શ ત્યાગી હતા. ગંગા તટ પર રહીને વરસો સુધી એમણે જપતપમાં મન પરોવ્યું, લોકોની શાંત સેવા કરી, ને છેલ્લાં વરસોને સાચી રીતે જીવ્યાના સંતોષ સાથે શરીર છોડી દીધું. અંધારું તો સૌના અંતરમાં છે, પરંતુ એવી રીતે દીવો કોણ કરે છે ?

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi

prabhu-handwriting