Text Size

સંતપુરુષે સ્વાગત કર્યું

અમુક મહાત્મા પુરુષો પોતાનું સ્થુલ શરીર છોડ્યા પછી પણ વધારે વ્યાપક, વિરાટ અને અસરકારક કાર્ય કરતા દેખાય છે. એવા અસીમ શક્તિશાળી મહાપુરુષોમાં ભગવાન કૃષ્ણ, રામ, શંકરાચાર્ય, વ્યાસ, શંકર, બુદ્ધ, મહાવીર ને ઈશુ ખાસ ઉલ્લેખનીય છે.

એમાંના અમુક પોતાના જીવન, કાર્ય, સદુપદેશ કે સાહિત્ય દ્વારા વ્યક્તિ કે સમષ્ટિ પર અસર પહોંચાડે છે. તો બીજા પોતાના ભક્તો, પ્રશંસકો કે શરણાગતોને પ્રેરણા આપી, ઘણી વાર માર્ગદર્શન પૂરું પાડી, દર્શનના દિવ્ય આનંદથી એમના જીવનમાં ક્રાંતિ લાવી, મદદરૂપ બને છે. એમની કરૂણા ને અનુગ્રહ જગતને અમૂલાં હોય છે.

એવા પ્રાતઃસ્મરણીય મહાપુરુષોમાં શિરડીના સંત સાંઈબાબા પણ આગવું સ્થાન ધરાવે છે.

એમણે શરીર તો છોડ્યું ઈ.સ. ૧૯૧૮માં, પરંતુ એમની શક્તિ ત્યાર પછી પણ ઉત્તરોત્તર કામ કરતી હોય એવા અનુભવો અત્યાર સુધી અનેક સ્ત્રીપુરુષોને થતા રહ્યા છે. સ્થુળ દેહ છોડ્યા પછીથી એમની શક્તિ વધુ સક્રિય બની હોવાનું લાગ્યા વિના નથી રહેતું. એ લાગણીના સાક્ષી એક નહિ પણ અનેક મળી રહેશે. એ બાબતમાં મારો જ એક અનુભવ અહીં આપું.

હિમાલયના મારા નિવાસ દરમ્યાન સાંઈબાબાએ મને પોતાની અહેતુકી કૃપાથી પ્રેરાઈને સૌથી પહેલાં દર્શન આપ્યું અને પછી અવારનવાર દર્શન આપીને જુદીજુદી રીતે મદદ કરી ત્યારે મારું મન એમના તરફ વધારે ખેંચાયું. એમની સુચનાને માન આપી સમય મળતાં એમનાં સુંદર સમાધિસ્થાનની મેં મુલાકાત પણ લીધી.

પાંચેક વાર શિરડીની મુલાકાત લીધી પછી મને થયું આપણે સાંઈબાબાની ઈચ્છા કે સૂચનાનુસાર શિરડી જઈએ છીએ, પરંતુ સાંઈબાબા એમના સ્થળમાં આપણો સત્કાર તો કરતા નથી ! એમની સૂચનાનુસાર આપણે ત્યાં જઈએ પણ એ તો શાંતિથી બેસી જ રહે છે. એમણે શું આપણો સત્કાર ના કરવો જોઈએ ! જો કે આપણે સત્કારની આછીપાતળી ઈચ્છાથી પણ એમની પાસે નથી જતા અને ન જ જઈએ, તો પણ શિરડી જઈ દરેક વખતે આપણે ઉતરવાની જગ્યા શોધવી પડે એ સારું કહેવાય ?

એનાં કરતાં એ એક અથવા બીજા રૂપમાં શિરડીમાં પ્રવેશતાં સામે આવે ને જગ્યા પુરી પાડે તો કેવું સારું ? આપણે આટલા બધા પ્રેમથી પ્રેરાઈને જઈએ ત્યારે એમણે પણ એમનો ધર્મ વિચારીને કશું કરવું જોઈએ ! એવી વાતો કરતા અમે મુંબઈથી શિરડી જઈ પહોંચ્યા.

એ દિવસે ગુરુવાર હોવાથી શિરડીમાં દર્શનાર્થીઓની ભીડ ઘણી વધારે હતી. ચિક્કાર ભરેલી મોટરો નવા નવા લોકોને લાવ્યે જતી હતી. જ્યાં જોઈએ ત્યાં લોકોનાં ટોળેટોળાં જોવા મળતાં. અમને આ સંજોગોમાં ઉતરવાની જગ્યા મળવાનું કામ મુશ્કેલ થશે એવું લાગતું હતું પરંતુ સાંઈબાબાની ઈચ્છા જુદી હતી.

અમે મોટરમાંથી ઉતરી આગળ વધ્યા ને ઓફિસના મકાન આગળ ગયા કે તરત લોકોના ટોળામાંથી એક ખેડૂત જેવો દેખાતો માણસ અમારી પાસે આવ્યો ને મને પૂછવા માંડ્યો, ‘તમે અહીં રહેવાના છો ?’

મેં કહ્યું, ‘હા રહેવાનો છું.’

‘તમારે ઉતારો જોઈએ છે ? શિરડીના સરસ સ્થળમાં હું તમારું સ્વાગત કરું છું. આજે ભીડ ઘણી છે, એટલે તમને જગ્યા મળવી મુશ્કેલ છે. બધું ભરેલું છે. મારી પાસે પુરતી જગ્યા છે. એક અલગ ખંડ છે.’

‘તમારું મકાન ક્યાં છે ?’

‘સમાધિ મંદિરની બાજુમાં.’

‘પણ આટલા બધા માણસોમાંથી કોઈ બીજાની પાસે જવાને બદલે તમે મારી પાસે કેવી રીતે આવ્યા ?’

‘મને સાંઈબાબાએ પ્રેરણા કરી છે.’

‘પ્રેરણા ?’

‘હા. તમને જોઈ મને તમને આમંત્રણ આપવાનું મન થયું. એણે મને તમારી પાસે મોકલ્યો છે.’

મને નવાઈ લાગી. મારી સાથેના ભાઈઓ મારા કહેવાથી એ ભાઈનું ઘર જોઈ આવ્યા. એમણે ઉતારો સંતોષકારક હોવાનું જણાવ્યું એટલે અમે એમને ત્યાં ગયા.

મકાન સમાધિમંદિરની બાજુમાં અને ઘણું સ્વચ્છ તથા સુંદર હતું. એમાં રહેતાં અમને ઘણું સારું લાગ્યું. મારી સાથે આવેલા ભાઈઓની શ્રદ્ધા, ભક્તિ એ પ્રસંગથી સાંઈબાબામાં ઘણી વધી ગઈ. વધે એ સ્વાભાવિક હતું.

એ ભાઈઓએ કહ્યું, ‘સાચું છે. એ શક્તિશાળી સંતે એ રીતે આપણને પોતાનો પ્રેમ અને અનુગ્રહ બતાવ્યો.’

મેલાં જેવાં વસ્ત્રોવાળા, ફેંટો બાંધેલા અને શ્યામ શરીરના એ ખેડૂત જેવા યજમાનને હું આજે પણ નથી ભૂલી શક્યો, અને ક્યારેય નહિ ભૂલી શકું.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Contentment is not the fulfillment of what you want, but the realization of how much you already have.
- Unknown

prabhu-handwriting