Text Size

સ્વાતિબિંદુ

તમારી માયાનો કેવો અમાપ, મીઠો, મસ્ત મહેરામણ મારા ઉરમાં ઊછળી રહ્યો છે, તેની કલ્પના તો કરી જુઓ ! તેના તરંગેતરંગમાં તમારું જ તાન, તેના રસમાં તમારો જ રાગ, એના ધીરગંભીર ઘોષમાં તમારું જ ધ્યાન છે.

મારા કોમળ કાળજામાં તમારા અનુરાગનો કેવો અખંડ અનેરો અર્ણવ ઉછાળા મારી રહ્યો છે, તેની કલ્પના તો કરી જુઓ !

મારા અંતર અને મનમાં જ નહિ, અણુએ અણુમાં ડોકિયું કરીને જરા જોઈ તો લો કે તમારા વિના ત્યાં બીજું કોઈયે દેખાય છે ખરું ? હૃદયમાં જ નહિ, રોમેરોમમાં એક તમારું જ રાજ ચાલે છે, તન, મન, અંતરના તાર પર એક તમારું જ સંગીત ચાલે છે.

તમારી પ્રીતનો કેવો પરમ પાવન પારાવાર મારા પ્રાણમાં પોતાના પડછંદા પાડી રહ્યો છે, તેની કલ્પના તો કરી જુઓ !

મહાશિવરાત્રી
(૨૫-૨-૧૯૬૦, ગુરુવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

Add comment

Security code
Refresh

Today's Quote

There is a sufficiency in the world for man's need but not for man's greed.
- Mahatma Gandhi

prabhu-handwriting