મધુર આંખને મધુરી વાણી, મધુર વિચાર તમારા,
મધુર ભાવ મધુમુખમંડળ ને મધુમય અંગ નિરાળા;
મધુર ચાલ ને અભિનય મધુરા, મધુર તમારી દ્રષ્ટિ,
જોતાંવેંત જ તમે લાગતાં માધુર્યતણી સૃષ્ટિ.
સમુદ્રમંથન કરી છેવટે તમે અમીને પામ્યાં,
થયાં અમીમય, સોમલ સઘળાં સંપૂર્ણપણે શમ્યાં.
કટુતામાં શ્વાસ લઇ કીધી સતત સ્નેહની વૃષ્ટિ,
જોતાંવેંત જ તમે લાગતાં માધુર્યતણી સૃષ્ટિ.
થયાં વિદાય છતાંયે અભિનવ સ્મરણો નિશદિન જાગે,
નવાનવા છંદે આલાપે આતમ અભિનવ રાગે;
પ્રત્યેક પળે પ્રાણ પામતો અવનવીન કો પુષ્ટિ,
જોતાંવેંત જ તમે લાગતાં માધુર્યતણી સૃષ્ટિ.
વરસો મધુતાને કટુતામાં મહીમંડળે સારા,
જગવો અખંડ અમૃતકેરી નવજીવનની ધારા,
મધુરતા ધરો સૌ કોઇને અર્પો ને સંતુષ્ટિ,
માધુર્યતણી મૂર્તિ સરજો માધુર્યતણી સૃષ્ટિ.
- શ્રી યોગેશ્વરજી