Saturday, May 25, 2013
   
Text Size

કામ અને ક્રોધ પર શાસન

શ્રીમદ્ ભાગવતના મહાન શિલ્પી મહર્ષિ વ્યાસે એમાં કેટલાક પ્રસંગો એવી ખૂબીપૂર્વક વણી લીધા છે કે વાત નહિ. એ પ્રસંગોને શાંતિથી વિચારીએ તો ઘણું ઘણું જાણવાનું મળે છે, હૃદય મુગ્ધ થાય છે, એ મહાન લોકહિતૈષી કળાકારની કળા પ્રત્યે આપણને આદર ઉત્પન્ન થાય છે, ને જીવનના ઘડતરની કેટલીય નવી તથા સનાતન સામગ્રી તરફ આપણું લક્ષ ખેંચાય છે.

આપણે ભાગવત વાંચીએ છીએ તથા સમયાનુસાર સાંભળીએ છીએ પણ ખરા, પરંતુ કેટલીક વાર એના મર્મનો વિચાર નથી કરતા, તેથી કેટલીક મહામૂલ્યવાન વસ્તુઓથી વંચિત રહી જઈએ છીએ.

એ મહાન ભક્તિરસભરપૂર ગ્રંથના ત્રીજા સ્કંધમાં દેખાવમાં નાનો પરંતુ ગુણમાં મોટો એક પ્રસંગ છે, તેનો વિચાર કરી જઈએ.

મરીચિ ઋષિના પુત્ર કશ્યપ એક મહાન ઋષિ હતા. દક્ષ પ્રજાપતિની પુત્રી દિતિ તેમની ધર્મપત્ની હતી. એ પોતાના પતિને તપ, વ્રત તથા ધર્માનુષ્ઠાનમાં મદદ કરતી.

એકવાર સૂર્યાસ્ત સમયે ઋષિ યજ્ઞશાળામાં બેઠા હતા ત્યાં આવીને દિતિએ કહ્યું કે હું કામવાસનાથી પીડાઈ રહી છું. તમારી બીજી પત્નીઓ સંતાનવાળી છે તેવી રીતે મને પણ સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. તો મારી કામવાસનાની તૃપ્તિ કરીને તમે મને શાંતિ આપો.

કશ્યપ ઋષિએ એની માગણી સાંભળીને ઉત્તર આપ્યો કે તારી ઈચ્છાને હું સહાનુભૂતિપૂર્વક સમજી શકું છું. પતિ તરીકે તારા જેવી સેવાપરાયણ તથા સમજુ સ્ત્રીની ઈચ્છા મારે પૂરી કરવી જોઈએ એ વાતનો પણ સ્વીકાર કરું છું. છતાં પણ તું તારા મનને સમજાવીને સંયમમાં રાખ. કારણ કે અત્યારનો સમય શરીરના સુખોપભોગને માટે એકદમ અયોગ્ય છે. અત્યારે વાયુમંડળમાં ભયંકર પ્રાણીઓ ફરી રહ્યાં છે. વિખરાઈ ગયેલા કાંતીવાળા કેશવાળા, નિર્મળ સુવર્ણ સમાન શરીરવાળા, નિંદાસ્તુતિથી પર, અષ્ટ સિદ્ધિ નવ નિધિના સ્વામી શંકર પોતે અત્યારે પિશાચોની સાથે ફર્યા કરે છે. અત્યારે તો ઈન્દ્રિયોને શાંત કરીને મનને ઈશ્વરની આરાધનામાં લગાડવાનો વખત છે. આ વખતને વિષયી બનીને વેડફી નાખવો ના જોઈએ.

પરંતુ કશ્યપ ઋષિના ઉદગારોની અસર દિતિના પર ના થઈ. એ અતિશય કામાતુર બની હોવાથી એણે પોતાનો આગ્રહ ચાલુ જ રાખ્યો.

કશ્યપે એને વારંવાર સમજાવી, પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું.

એની આંખમાં અને એના અંતરમાં મોહનાં મદોન્મત્ત પ્રચંડ મોજાં ફરી વળ્યાં હોવાથી એને કશી અસર જ ના થઈ.

પરિણામે ... ઋષિએ એની ઈચ્છા પૂરી કરી.

કચવાતે મને દિતિની ઈચ્છા પૂરી કરીને ઋષિએ સ્નાન કર્યું, અને પરમાત્માનું ધ્યાન ધરીને ગાયત્રી તથા પ્રણવમંત્રના જપ કરવા માંડ્યા.

કામવાસનાનો વેગ શાંત થવાથી દિતિનું મન સ્વસ્થ થયું ત્યારે તેને પોતાની ભૂલને માટે પશ્ચાતાપ થયો.

જપ તથા ધ્યાનની પરિસમાપ્તિ પછી કશ્યપે દિતિને કહ્યું કે તેં બહુ મોટી ભૂલ કરી છે. તેં મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. એને લીધે તને બે અધમ પુત્રોની પ્રાપ્તિ થશે. તે પુત્રો પૃથ્વી પર આતંક ફેલાવશે ત્યારે ભગવાન પોતે અવતાર ધારણ કરીને એમનો નાશ કરશે.

એ ભવિષ્યવાણી સાંભળીને દિતિ ધ્રુજવા માંડી. પોતાની ભૂલનું પરિણામ કેટલું બધું ભારે હતું !

પ્રસંગનો પૂર્વાર્ધ અહીં પૂરો થાય છે પરંતુ એનો સાર ઘણો ઊંડો છે. કશ્યપ ઋષિ કેટલા સંયમી, વિવેકી ને જાગ્રત હતા તેનો ખ્યાલ આ પ્રસંગ પરથી સહેજે આવી રહે છે. દિતિની દુર્બળતાનું ભાન પણ થઈ જાય છે. કામ અને ક્રોધના આવેગો ઘોડાપૂર કરતાં પણ વધારે બળવાન છે. જે એમને શાંત રાખે છે ને એમના પર શાસન કરી શકે છે, તે જ ઋષિપદને પામીને પરમાત્માને ઓળખી શકે છે. કામ ને ક્રોધના તોફાની પ્રવાહમાં વહેવાને બદલે જે એનો સંયમ કરે છે અને એનું તટસ્થ રીતે નિરીક્ષણ કરે છે, તે જ સુખી થઈ શકે છે એવું ગીતાએ પણ કહેલું છે. એ સદુપદેશ યાદ રાખીને એને સાર્થ કરવાની કોશિષ કરવામાં આવે તો જીવન અવનવું અને ઉજ્જવળ બને એમાં સંદેહ નથી. આજની ભોગપ્રધાન પ્રજા આ વાતને વિચારશે ?

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The flower which is single need not envy the thorns that are numerous.
- Rabindranath Tagore 
01.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 75 guests online

View site in