Friday, July 25, 2014
   
Text Size

દરજીની પ્રામાણિકતા

શું માનવતા રસાતલમાં જવા બેઠી છે ? રસાતલમાં જતી રહી છે ? આગલે દિવસે જ કોઈએ એના સમર્થનમાં દલીલો કરતાં કહેલું કે માનવતા મરી પરવારી છે. પરંતુ એવું નથી લાગતું. એટલી બધી નિરાશાજનક વાત કરવાનું મન નથી થતું. જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં માનવતાનો હ્રાસ થતો જતો હશે તે ભલે, પરંતુ એનો સર્વનાશ નથી થયો. ચારે તરફ મોટા પ્રમાણમાં અંધકારના ઓળાઓ ઉતર્યા હશે એ બનવાજોગ છે. તો પણ અંધકારનાં એ ગાઢ આવરણોની વચ્ચે એમના પ્રાણને પ્રકાશિત કરવાનો પ્રામાણિકપણે પ્રયાસ કરતા પ્રદીપો પણ પ્રકાશે છે. આકાશના તારાઓની પેઠે એ પણ ટમકે છે એની ના નહિ. આજુબાજુના દુર્ગંધીયુક્ત વાતાવરણમાં એવાં અલ્પસંખ્યક પુષ્પો પણ પ્રકટે છે જે પોતાની સુવાસથી સઘળે સંજીવન ભરે છે. ચારે તરફ રેતાળ રણ છે, વૃક્ષોનું નામનિશાન નથી, જળાશય નથી, શીળી છાંય નથી, તો પણ ક્યાંક ક્યાંક વનસ્થલી છે. મીઠી વીરડી અને શીળી છાંયડી છે. એનો ઈન્કાર નથી થઈ શકે તેમ. એને લીધે જ જગત જીવવા જેવું લાગે છે, રસાળ ભાસે છે, અને શ્વાસ લે છે. એટલે માનવતા મરી પરવારી નથી. એનું પ્રમાણ ઓછું થયું હશે ને થતું જતું હશે તે ભલે, પરંતુ એનો મઘમઘાટ સંપૂર્ણપણે શાંત નથી થયો. એનો સૂર્ય આથમી નથી ગયો. માનવનું દિલ દાનવતાથી દૂષિત નથી થયું. દેવત્વથી દીપ્તિમાન પણ છે. એ હકીકતની પ્રતીતિ કરાવતા પ્રસંગો આજે પણ બને છે. અહીં જેનો ઉલ્લેખ કરી રહ્યો છું તે સિંધી દરજીનો એવો જ પુણ્ય પ્રસંગ છે.

આજથી પાંચેક વરસ પહેલાં મારા રોજના નિયમ પ્રમાણે હિમાલયના મસૂરી નગરના નિવાસસ્થાનમાં મારું લેખન કાર્ય ચાલી રહેલું. મારું સમગ્ર ધ્યાન એમાં કેન્દ્રિત થયેલું. સવારનો શાંત સમય હતો. ત્યારે કોઈએ ઓરડામાં એકાએક પ્રવેશ કર્યો. આગંતુક પુરુષને હું ઓળખતો ન હતો એટલે મેં એમના તરફ જિજ્ઞાસાપૂર્વક જોયું તો એમણે મને પૂછ્યું : ‘માતાજી નથી ?’

‘કેમ ? એ બહાર ગયાં છે. તમારે કાંઈ કામ છે ?’

‘કામ તો છેક સાધારણ છે.’

‘તમે ક્યાં રહો છો ને શું કરો છો ?’

‘કુલડી બજારમાં રહું છું ને દરજીકામ કરું છું.’

‘દરજીકામ કરો છો ?’

‘હા. માતાજી મને એમનો સાલ્લો છેડો ઓટવા માટે આપી ગયેલા. એ સાલ્લાને મેં ઓટવા માટે ઉકેલ્યો તો એની અંદરથી થોડીક નોટો નીકળી.’

‘નોટો નીકળી ?’

‘હા. રૂપિયાની નોટો નીકળી. તે લઈને હું આપવા માટે આવ્યો છું. હું તો જાતમહેનત કરનાર એક સામાન્ય દરજી છું. મને ઈશ્વર આજીવિકા જેટલું આપી રહે છે. મારે પરધન ના જોઈએ. દરજી તરીકેના જીવન દરમ્યાન મને આવા અનુભવો અવારનવાર થયા કરે છે. કપડાંમાં રહી ગયેલી નાનીમોટી રકમ કેટલીકવાર મારા હાથમાં આવી જાય છે. એ રકમ એના માલિકને સુપ્રત કરું છું ત્યારે જ મને શાંતિ વળે છે.’

એમણે સાલ્લામાંથી મળેલી ત્રણસો રૂપિયા જેટલી રકમ મને સુપ્રત કરી.

એ નાનકડા છતાં પણ મોટા મનના દરજીની વાત સાંભળીને મને આનંદ થયો. એમના પ્રત્યે આદરભાવ જાગ્યો. મેં એમની પ્રામાણિકતા જોઈને એમને પુરસ્કાર આપવાનો વિચાર રજૂ કર્યો તો એમણે હાથ જોડીને જણાવ્યું : ‘મેં તો માનવી તરીકેનું મારું સામાન્ય કર્તવ્ય જ બજાવ્યું છે. એના બદલામાં જે આત્મસંતોષ મળે છે એ જ સાચો પુરસ્કાર છે. બીજો કોઈ સ્થૂળ પુરસ્કાર ના લેવાનો હોય. મને આશીર્વાદ આપો કે મારી બુદ્ધિ બગડે નહીં. આર્થિક રીતે હું મારી પત્ની ને પુત્રો સાથે સુખી છું. પાકિસ્તાનની સ્થાપના પછી અમે અહીં આવીને કાયમી વસવાટ કર્યો છે. બધાં સાથે મળીને કામ કરીએ છીએ. દાળરોટલો મળી રહે છે એનો આનંદ છે. છેવટ સુધી મહેનત કરીને જીવીએ, કુકર્મ ના કરીએ, અને અનીતિનું કમાવાની ઈચ્છા ના રાખીએ એ જ ભાવના છે.’

‘તમારી ભાવના ખરેખર ખૂબ ઊંચી છે.’

‘છોકરાઓને પણ કહું છું કે ભલે નાના મકાનમાં રહેવું પડે, નોકર ચાકર કે મોટર ના થાય પરંતુ નીતિ કે માણસાઈને ના ચૂકશો. માણસાઈ ગઈ તો બધું જતું રહ્યું એવું સમજી લેજો. ઈશ્વરની કૃપાથી છોકરાઓ પણ સારા છે.’

થોડાક વખત પછી એમણે કહ્યું : ‘સાંભળ્યું તો છે કે તમારાં પ્રવચનો અહીં રોજ ચાલે છે. લોકો વખાણ પણ કરે છે. પરંતુ મારાથી નથી આવી શકાતું. મારી બુદ્ધિ કાચી છે. સાંભળી સાંભળીને આચરણમાં ના ઉતારું તો શું કામનું ? દરજીકામ કરતાં કરતાં ઈશ્વરનું નામ લેતો રહું છું. એથી મને શાંતિ મળે છે.’

‘તમે જે કરો છો તે બરાબર છે.’

એ ચાલી નીકળ્યા ત્યારે મને થયું કે આવી પ્રામાણિકતા અને સદભાવના સૌમાં ફેલાવા માંડે તો ?  સમાજનું સ્વરૂપ કેટલું બધું સુધરી જાય ?

કુલડી બજારના એ દરજી આજે પણ એવા જ પ્રામાણિકતાપૂર્વક પોતાની નાનકડી દુકાનમાં કર્માનુષ્ઠાન કરી રહ્યા છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Faith is the bird that feels the light and sings when the dawn is still dark.
- Rabindranath Tagor 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 61 guests online