Wednesday, July 30, 2014
   
Text Size

નીલકંઠના ભક્તપુરુષ

ઋષિકેશની આખીયે ભૂમિ નૈસર્ગિક સૌંદર્યથી સંપન્ન, શાંત અને સુંદર છે, પરંતુ એમાં પણ સ્વર્ગાશ્રમની ભૂમિ વધારે શાંત, સુંદર અને ચિત્તાકર્ષક છે. વખતના વીતવાની સાથે પરિસ્થિતિ પલટાતી જાય છે તો પણ એ દિવ્ય પ્રાચીન ઋષિમુનિઓના પવિત્ર સાધનાત્મક પરમાણુઓથી ભરપૂર ભૂમિમાં આજે પણ કેટલાય જ્ઞાનીપુરુષો, ભક્તો, યોગીઓ, સાધકો ને સિદ્ધો જોવા મળે છે. હિમાલયની ઋષિમુનિસેવિત ભૂમિમાં અસાધારણ આધ્યાત્મિક અવસ્થા પર પહોંચેલા સ્વનામધન્ય સત્પુરુષોનો કદીપણ સર્વથા અભાવ નથી  રહ્યો. સ્વર્ગાશ્રમ તથા લક્ષ્મણઝુલાનો પુણ્યપ્રદેશ એમની પવિત્ર પદરજથી વધારે પવિત્ર ને પ્રાણવાન બનતો રહ્યો છે.

એ પુણ્યપ્રદેશથી આગળ વધીને સ્વર્ગાશ્રમની પાછળની પર્વતમાળામાં પ્રવેશીએ એટલે નીલકંઠ નામે શાંત, એકાંત, સુંદર સ્થળ આવે છે. ઋષિકેશમાં અને એમાંય વિશેષરૂપે સ્વર્ગાશ્રમ વિસ્તારમાં એ સુંદર સ્થળની પ્રસિદ્ધિ ઘણી છે. આબાલવૃદ્ધ સૌ કોઈ એનાથી સુપરિચિત છે. અમે એ સરસ તીર્થસ્થળની મુલાકાત લીધી ત્યારે ત્યાં એક હરિજન ભક્તનો નિવાસ હતો. નીલકંઠ મહાદેવનું સ્થાન બાબા કાલી કમલીવાલાની સેવાસંસ્થાની અંતર્ગત હોવાથી એનો વહીવટ પણ એ સંસ્થા તરફથી જ ચાલે છે. હરિજન ભક્ત એ સંસ્થા તરફથી સફાઈ માટે નીમાયેલા.

એમનો આત્મા જન્માંતર શુભ સંસ્કારોથી સંપન્ન, ભક્તિભાવથી ભરપૂર અને અસાધારણ હતો એટલે એમણે એ સ્થાનની બહારની સાફસુફી કરવાની સાથે સાથે પોતાની અંદરની આત્મિક સાફસુફી પણ શરૂ કરી. એના અમોઘ અકસીર ઉપાય તરીકે વધારે ને વધારે પ્રમાણમાં નામજપ કરવાનું અને એ તીર્થસ્થળમાં જે આવે તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું શરૂ કર્યું.

એક પ્રવાસીએ એમને પૂછ્યું : ‘તમે સૌને દંડવત પ્રણામ કરો છો ?’

‘હા.’ એમણે ઉત્તર આપ્યો.

‘એનું કારણ ?’

‘સૌની અંદર મારા ઈષ્ટદેવની ઝાંખી કરું છું એટલે સૌને પૂજ્યભાવે પ્રણામ કરવાની મેં ટેવ પાડી છે. ‘સિયારામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરિ જુગપાનિ.’ એથી મને ખૂબ જ લાભ થાય છે. નમ્રતા, આત્મીયતા અને ભગવદ્ ભાવના વધે છે. કરાળ કલિકાળમાં ઈશ્વરની કૃપાપ્રાપ્તિ તથા જીવનના કલ્યાણ માટે બીજું કયું સાધન થઈ શકે તેમ છે ?  હું તો અધમાધમ, પાપી, મલિન અને મંદબુદ્ધિ છું. સાધનાના મર્મને કેવી રીતે સમજી શકું ?  એક સદગુરુએ આપેલા મંત્રને મેં પકડી રાખ્યો છે. એનું શ્રદ્ધાભક્તિપૂર્વક રટણ કરું છું ને સૌને પગે લાગું છું.’

‘તમને ઝાડુ કાઢવાનો કે સાફસુફી કરવાનો કંટાળો નથી આવતો ? એ કામ હલકું અથવા નાનું છે એવું નથી લાગતું ?’

‘ના. મારાથી બીજું કયું કામ થઈ શકે તેમ છે ? ઝાડુ કાઢવાનું કે સાફસુફી કરવાનું કામ મને આનંદ આપે છે. એ કામ કરતાં હું નામજપ કર્યા કરું છું ને વિચારું છું કે મારી સાફ કરેલી સડક કે ધર્મશાળાનો ઉપયોગ કરીને બીજાને સંતોષ થશે. સફાઈનું કાર્ય મારે માટે સાધના જેવું ઉપયોગી છે. પરંતુ વાતો કરીને તમારો વધારે વખત નહીં બગાડું. જીવન ખૂબ જ મૂલ્યવાન છે. શ્વાસોશ્વાસે જેટલું બને તેટલું સ્મરણ કરીએ તો જ તેને સાર્થક કરી શકાય.’

એ ભક્તપુરુષની ભાવનાને જાણીને અમને આનંદ થયો.

દિવસનો મોટો ભાગ અને રાતનો પણ મોટા ભાગનો સમય એ નામજપમાં પસાર કરતા. કહેતા કે જન્મો સુધી અજ્ઞાનનિંદ્રામાં પડ્યા પછી હવે તો જાગવું જ જોઈએ. વધારે ને વધારે ભજન કરવું જોઈએ. રાતે ઉંઘમાં કાપ મૂકીને ભજન કરવાથી મન સહેલાઈથી સ્થિર થાય છે અને અનેરો આનંદ અનુભવે છે. એ લાભ કોણ જવા દે ?

કામના બદલામાં કોઈ એમને બક્ષીસ આપતું તો એને સ્વીકારવાની સાફ ના પાડતા ને કહેતા, ‘મારા કામનો સંતોષ એ જ બક્ષીસ છે. હું તો માત્ર કર્તવ્ય બજાવું છું. એને માટે કશી બક્ષીસ કે કશું આપવાનું ના હોય.’

અમે નીલકંઠથી નીકળીને સ્વર્ગાશ્રમની દિશામાં થોડાક આગળ વધ્યા ત્યારે એમણે અમારી પાછળ દોડતા આવીને પૂછ્યું : ‘પાછળ કાંઈ રહી ગયું તો નથી ?’

‘ના.’

‘રહી ગયું છે. તમારા ઓરડાને સાફ કરવા ગયો ત્યારે આ નોટ જોઈ.’

નોટ સો રૂપિયાની હતી. અમારી સાથેના જ એક ભાઈની એ નોટ ઉતાવળમાં પડી ગયેલી.

હરિજન ભક્તની પ્રામાણિકતા પેખીને અમને આનંદ થયો. એમણે એ વખતે પણ કોઈ પ્રકારનું પારિતોષિક લેવાની ના પાડી અને જણાવ્યું : ‘મને મારા ગુજરાન પૂરતું મળી રહે છે, પછી વધારે શા માટે લઉં ? પરધન મારે મન પથ્થર બરાબર છે.’

હરિજન ભક્તની ભાવના અદભુત અને આદરણીય હતી. ભક્ત અથવા પરમાત્માના પરમ કૃપાપાત્ર બનવા માટે પોતાના સહજ કર્મને ત્યાગવાની આવશ્યકતા નથી; વૃત્તિ તથા બુદ્ધિને ઉદાત્ત કરવાની ને ઈશ્વરાભિમુખ બનાવવાની આવશ્યકતા છે. એમના જીવનમાંથી એ સંદેશ સાંપડ્યો.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher) 
15.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 39 guests online