Text Size

ચંદ્રવદની દેવી

હિમાલયની ઉત્તરાખંડની ભૂમિમાં કેટલાંક એવાં સુંદર તીર્થસ્થાનો છે, જે યાત્રામાર્ગથી અલગ અથવા એક બાજુએ હોવાથી બહુ પ્રસિદ્ધ નથી. બહારના યાત્રીઓને એમની ખાસ માહિતી નથી હોતી, છતાં આજુબાજુની જનતા એમને ખૂબ જ સારી રીતે જાણે છે અને એમના પ્રત્યે આદર ધરાવે છે. ચંદ્રવદની દેવીનું સ્થાન એવાં તીર્થસ્થાનોમાંનું એક છે. ગઢવાલમાં અને ખાસ કરીને દેવપ્રયાગ તેમજ ટિહરીની આજુબાજુની જનતામાં એની ખૂબ જ પ્રસિદ્ધિ છે. એ બાજુના અસંખ્ય લોકો એનું દર્શન કરવા અવારનવાર આવે છે.

જવાનો રસ્તો : દેવપ્રયાગથી કીર્તિનગરના મોટરમાર્ગે થોડુંક આગળ ચાલ્યા પછી ચંદ્રવદની જવા માટેનો માર્ગ પર્વતમાં ફંટાય છે. દેવપ્રયાગથી લગભગ દસેક માઈલનો માર્ગ પગપાળા જ કાપવો પડે છે. દેવપ્રયાગથી ઘોડાની વ્યવસ્થા અથવા કંડીની સગવડ થઈ શકે છે. રસ્તામાં ત્રણેક પર્વતીય ગામ આવે છે. છેલ્લું ગામ ચંદ્રવદનીથી અડધા માઈલ જેટલું નીચે છે. ચંદ્રવદની દેવીના સ્થાનમાં પાણીની કોઈ વ્યવસ્થા નહી હોવાથી જરૂરી પાણી એ ગામના ઝરણેથી જ લઈ જવું પડે છે.

 એ ગામથી દેવીના સ્થળ પર જવાનું ચઢાણ પૂરું કરીને ઉપર પહોંચો એટલે દેવીનું નાનું મંદિર, પૂજારી માટે રહેવાનું મકાન અને ધર્મશાળા જોવા મળે છે. મંદિરમાં મૂર્તિ નથી, પરંતુ યંત્ર છે. એ સ્થાન આશરે સાત હજાર ફૂટ ઊંચે હોવાથી ઠંડુ રહે છે. ત્યાંથી દૃષ્ટિપાત કરતા આજુબાજુનું દૃશ્ય ઘણું અદ્દભુત અને આકર્ષક લાગે છે. આકાશને અડવા માગતી ઊંચી ઊંચી લીલીછમ પર્વતમાળા, ઘોર જંગલને બીજી બાજુ ધરતીનું દર્શન થાય છે. આસપાસના ભયંકર જંગલમાં જંગલી જનાવરો વાસ કરે છે. કોઈક વાર કોઈ જનાવર દેવીના દર્શન માટે પણ આવી પહોંચે છે. એ સ્થાનમાં શિયાળામાં જવાથી બરફનું દર્શન કરવાની તક સહેજે મળી રહે છે. અમે એકવાર આખો માગશર મહિનો એ સ્થળમાં રહ્યા હતા ત્યારે અવારનવાર બરફ પડ્યા કરતો.

દેવીના એ સ્થળમાં વરસની બંને નવરાત્રી દરમિયાન મેળો ભરાય છે. એ વખતે ત્યાં ઘણાં લોકો ભેગા થાય છે. પર્વતીય પ્રજા પોતાનો પચરંગી પોશાક પહેરીને ત્યાં આવી પહોંચે છે. એ પ્રજાના ગીતો ને નૃત્ય એકદમ અનોખા હોય છે.

એ સ્થાનમાં એ વખતે એક બીજું ક્રુર, કરુણ, કમનસીબ દૃશ્ય જોવા મળે છે. દેવીને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી ત્યાં કેટલાય બકરાંનું અને પાડાઓનું બલિદાન દેવામાં આવે છે. એ પ્રથા વરસોથી ચાલી આવે છે. પરિણામે નીચેનું જંગલ એમના હાડકાં તથા શિંગડાથી ભરાઈ ગયું છે. ને ભયંકર દુર્ગંધ મારે છે. નિર્દોષ પ્રાણીઓની કતલની એવી કથા દેશમાં જ્યાં પણ ચાલતી હોય ત્યાંથી એનો અંત આવવો જોઈએ. એવી પ્રથા કોઈને માટે પણ કલ્યાણકારક નથી થઈ શકવાની. દેવી કે દેવતાની પ્રસન્નતા તો તેથી પ્રાપ્ત નથી જ થવાની. તે તો પ્રાપ્ત થશે કેવળ મનની નિર્મળતાથી, પવિત્ર પ્રેમથી ને એકનિષ્ઠ ભક્તિ સાથેના સત્કર્મપરાયણ જીવનથી. એ હકીકત જેટલી પણ વહેલી સમજી લેવાય તેટલી લાભદાયક છે.

દેવપ્રયાગ જનારા યાત્રીઓએ ચંદ્રવદની દેવીના એ શાંત, એકાંત, આહલાદક અને સુંદર સ્થાનની મુલાકાત જરૂર લેવા જેવી છે.

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting