Sunday, February 05, 2012
   
Text Size

હે સર્વશક્તિમાન

જ્યાં ભય નથી, વૈમનસ્ય નથી, ધિક્કાર નથી,
પરસ્પરના ભેદભાવની દુર્ભેદ્ય દીવાલો તૂટી પડી છે,
માનવ માનવ વચ્ચેના પ્રેમની
પતિતપાવની મધુમય મંદાકિની પ્રકટી રહી છે.
સંસારના સઘળા સભ્યો
એક જ કુટુંબના સદસ્યો સમા
સ્નેહાળ સેવાપરાયણ સૌરભભીના બનીને શ્વાસ લે છે;
વિસંવાદની શતશત સિતારીઓની વચ્ચેથી પણ
સંવાદના સ્વર્ગીય સૂર છૂટે છે:
અને સૌ કોઈ એનો અમીમય આસ્વાદ લૂંટે છે.

સત્યને જ્યાં એનું પોતાનું સિંહાસન સમર્પિત થયું છે,
અસત્યનું અવસાન થયું છે;
દંભના દાનવે સરળતાને સારું પોતાનું ઘર ખાલી કરી આપ્યું છે;
શોષણને સ્થાને પોષણ છે
સ્વાર્થને બદલે નિઃસ્વાર્થતા,
સત્તાખોરીને બદલે સેવાની તમન્ના કે સદ્દભાવના;
શરીરના સ્વાદમાં લપટાઈને
માનવે જ્યાં આત્માની અવજ્ઞા નથી કરી
અને જડ જગતની આરાધનામાં
આત્મોન્નતિનું અવસાન નથી થયું :
સ્વતંત્રતાનો સદાય થાય છે સદુપયોગ
સ્વ અને પરની સમુન્નતિને માટે:
માનવની બધી જ બેડીઓ તૂટી પડી છે;
મન, વચન, વાણી, કલમને મુક્ત છતાં મંગલ રીતે
વહેવાના અવકાશની ગૌરવભરી ઘડી છે :
માનવતાનું કમનીય કમળ
સત્કર્મના સૂર્યોદયથી શત શત દલે ખીલી ઊઠ્યું છે,
દાનવતાનું દલ દૂર થયું કે ભાગી છૂટ્યું છે :
એવું વાયુમંડલ
આ વિશાળ વિશ્વમાં વ્યાપ્ત કરી દો, સર્વશક્તિમાન !
એવી ઉષાની ઉલ્લાસમય માધુરી
પૂર્વ ને પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ, બધે જ ભરી દો :
એવા દૈવી દિનનું અને દિવસોનું પ્રાક્ટય
પૃથ્વી પર કરી દો.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Wealth consists not in having great possessions, but in having few wants.
- Epicurus 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 395 guests online

View site in