એવો આશીર્વાદ આપો, ઓ અવિનાશી, એવો આશીર્વાદ આપો.
દર્શન આપીને ક્લેશ કાપો, ઓ અવિનાશી, એવો આશીર્વાદ આપો !
પર્વતનાં ઝરણાં આ, જેવાં વહ્યા કરે,
તેવા તમારી પ્રતિ ભાવો વહ્યા કરે,
એવો આશીર્વાદ આપો, ઓ અવિનાશી, એવો આશીર્વાદ આપો !
સાંજ પડયે કિરણ બધાં સૂરજમાંહી મળે,
તેમ મારો પ્રાણ એક તમને પામી મળે,
એવો આશીર્વાદ આપો, ઓ અવિનાશી, એવો આશીર્વાદ આપો !
ફૂલ જેમ ખીલીને પૂજા વનની કરે,
તેમ ફૂલ જીવનનું પૂજા તમને ધરે;
એવો આશીર્વાદ આપો, ઓ અવિનાશી, એવો આશીર્વાદ આપો !
સૂર્ય વૃક્ષ તેમ નદી સૌને ય શાંતિ દે,
તાપે તપી તેમ જીવન આનંદ દે;
એવો આશીર્વાદ આપો, ઓ અવિનાશી, એવો આશીર્વાદ આપો !
‘પાગલ’ કે’ તેજ ને છાયા શો આપણો,
કો’દી તૂટે નહીં સંબંધ આપણો;
એવો આશીર્વાદ આપો, ઓ અવિનાશી, એવો આશીર્વાદ આપો !
- શ્રી યોગેશ્વરજી