MP3 Audio
*
અપાર અમૃત ભરિયું પ્રભુના નામમાં,
જે ચાહે તે માણે એનો રંગ જો ... અપાર.
પરમાનંદ ભર્યો છે પ્રભુના ગાનમાં,
જેને ગાતાં અંતર થાય ઉમંગ જો ... અપાર.
સુખનો સાગર ઊછળે પ્રભુના ધ્યાનમાં,
દુઃખ તણો શાને ન થાયે ભંગ જો ... અપાર.
જે ન્હાઇ લે નેહ કરીને નામમાં,
અભિનવ થાયે એનાં અંગેઅંગ જો ... અપાર.
મસ્ત બન્યાથી નામ મહીં પ્રભુ સાંપડે,
જેની આગળ લાજે કોટિ અનંગ જો ... અપાર.
નામ તણો છે પારસ આ સંસારમાં,
પામર થાયે સુવર્ણ એને સંગ જો ... અપાર.
નામ તણું કૈલાસ શિખર સોહામણું,
પ્રેમ તણી પ્રકટે તેમાંથી ગંગ જો ... અપાર.
દર્શન સ્નાને પાને તાપ બધા ટળે,
શાંત બને વૃત્તિનાં વિવિધ વિહંગ જો ... અપાર.
‘પાગલ’ થૈને નામ રસ મહીં ડૂબજો,
જીતી લેશો જીવનનો તો જંગ જો ... અપાર.
- શ્રી યોગેશ્વરજી