MP3 Audio
*
એને જોવાને તું ચાહ્ય, તો તો દર્શન કેમ ન થાય ?
તારા દિલમાં પ્રેમ ભરાય, તો તો દર્શન કેમ ન થાય ?
જો તું ભજી લે ભાવે એને, એય તને ભજનાર,
તું ચાહે તો એ પણ ચાહે, એ વિણ ના રે’વાય ... તો તો.
તાપ તપેલી ધરા પુકારે, વર્ષા નક્કી થાય,
દિવસ પછી રજની પણ આવે, ક્રમ એ ના ભંગાય ... તો તો.
ધન દારા ને સુતને ચાહે, જેમ તું જીવન ચાહ્ય,
તેમ જ ચાહી લે જો એને, વિલગ કેમ રે’વાય ? ... તો તો.
પ્રેમ જણાયે તારા દિલમાં, તે તેનું છે રૂપ,
ઉષા તણા અજવાળા પાછળ, જેમ રહે રવિભૂપ ... તો તો.
‘પાગલ’ પ્રેમ કરીને કૈંયે માણ્યો તેનો સ્વાદ,
તું પણ તેને કેમ જુએ ના, મક્કમ કર નિરધાર ... તો તો.
- શ્રી યોગેશ્વરજી