અમે નથી હઠવાના,
ભાઇ અમે નથી હઠવાના.
મોટામોટા મારગ આવે,
નદી ઝાડવાં પર્વત સામે
અમે નથી નમવાના ... ભાઇ.
દર્દ વેદના અશ્રુધારના
ઢગલે ઢગલે કષ્ટ આહના,
અમે સદા સહવાના ... ભાઇ.
અમે માર્ગ છે સાચો લીધો,
પ્રેમદેવનો સોદો કીધો,
નથી હવે ડરવાના ... ભાઇ.
મોત અમે છે ઘોળી પીધાં,
જંગલ મંગલ સરખાં કીધાં,
બધે અમે હસવાના ... ભાઇ.
પડવી હો તે વિપત પડે છો,
ઊગે સંકટ ઉષા ભલે સો,
અમે ધપ્યા કરવાના ... ભાઇ.
રગરગમાં છે આશા ઊઠતી,
પ્રાણમાં સદા શ્રદ્ધા ભરતી,
સ્વપ્ન સત્ય કરવાના ... ભાઇ.
હિંમત ધીરજ લગન લઇને,
અમે કરી પુરુષાર્થ જઇ ને,
વિજયમાળ વરવાના ... ભાઇ.
મક્કમ બની જગતમાં જેણે
માગ્યું તે છે મળિયું તેને;
નથી નિરાશ થવાના ... ભાઇ.
- શ્રી યોગેશ્વરજી