સંત શિરોમણિ, નમન કરું છું !
ભાવ ભક્તિની ભેટ ધરીને,
અર્પણ અંતર આજ કરું છું;
આરતી અંતર તણી ઉતારી,
પ્રાણ તણું નૈવેદ્ય ધરું છું ... સંત શિરોમણિ.
દીપશિખા શ્રદ્ધાની સોહે,
સ્વરૂપમાં મન મારું મોહે;
સ્તવન આંસુનું અર્પણ કરતાં,
અંતરમાં અનુરાગ ભરું છું ... સંત શિરોમણિ.
દિવસ વેગથી જાયે દોડી,
દિવસ રાત ને ઋતુની જોડી;
અનિત્ય જીવનમાં નિત્ય તમે,
અર્ધ્ય ચરણમાં આજ ધરું છું ... સંત શિરોમણિ.
કૃપા તમારી થાય સદાયે,
નયન સમીપ રહે નિત 'મા'એ;
એ જ કામના છે ઉર મારે,
પૂર્ણ કરી દો; ધ્યાન ધરું છું ... સંત શિરોમણિ.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)