આવ્યા શરણે આજ તમારા.
આ અવનીમાં તમારા વિના સાચા કોણ અમારા ? ... આવ્યા.
કોણ સ્વજન સંરક્ષક જીવન પ્રાણ પુરાતન પ્યારા,
અધમોદ્ધારક શાંતિપ્રદાયક નરરૂપ છતાં ન્યારા ... આવ્યા.
સરિતા સાગર વિના વહે કયાં, શિખા તજી કયાં દીપ,
પરિમલ છોડી પુષ્પ જાય કયાં, તોડી ન શકે પ્રીત;
મેઘબિંદુ મેઘ વિના ન ટકે, સઘળે એવી રીત,
જીવ જાય કયાં ત્યાગી તમને, જપે તમારી માળા ... આવ્યા.
મૂશળધાર મેઘ વરસે છે, ચપલાના ચમકારા,
વાવાઝોડાં વિષમય વાયે, પ્રકાશ ખૂટ્યા સારા;
કૃપા કિરણ રેલી દૂર કરો અનંત આ અંધારાં ... આવ્યા.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)