મન મથુરા, કાયા કાશી, દિલ દ્વારકા
ગંગા યમુના સરસ્વતીનો સંગમ થાય શુચિ ત્યાં.
મંદિર મંદિર ફરી રહ્યો તું, મંગલ મન મંદિર આ,
અણુ અણુમાં ને અખિલ જગતમાં વસે વિશ્વપતિ આ
.... મન મથુરા.
ઝાંખી કરતું જરીક પ્રેમે બંધન પછી રહે ના;
સફળ જન્મ ઉત્સવ સમ થાયે, ભમે ભ્રાંતિ સાથે કયાં ?
બદલ બદરી, વદન વિશ્વનાથ, જગત જગન્નાથ આ,
રોમ રોમ રામેશ્વર, કોઈ તીર્થ નિરાળું ના
.... મન મથુરા.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)