મારું હૈયું યાદ કર્યા કરશે,
એ તો જીવનભર તુજને ભજશે.
મારું તનમન હેત તને કરશે,
એ તો જીવનભર તુજને જપશે .. મારું.
પ્રત્યેક પ્રભાતે પાંગરશે,
તારો પ્રેમ સદા અભિનવ બનશે .. મારું.
તુજ જ્યોત સદા જીવન જલશે,
ત્યાં અંધારૂં ન ટકી શકશે .. મારું.
તુજ રૂપ સુધા જીવન બનશે,
આ આંખ ઉભય પ્યાલી બનશે .. મારું.
જ્યાં લગ પૃથ્વી ને પાણી છે,
નભ હિમ માળા હરિયાળી છે,
સંબંધ નહીં છૂટી શકશે .. મારું.
મારું રોમ રોમ તુજને રટશે,
તુજ તીર્થ મહીં તીરથ બનશે,
જીવન તારું સ્મારક બનશે .. મારું.
નશ્વરતા દુ:ખ વિનષ્ટ થશે,
તુજ સંગે તાપ નહીં ટકશે,
આતમને અમૃતપદ જડશે .. મારું.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)