Text Size

Adhyay 1

Pada 1, Verse 10

१०. गति सामान्यात् ।

અર્થ
સઘળાં ઉપનિષદ-વાક્યોનો પ્રવાહ સમાનરૂપે પરમ સત્યને, પરમાત્માને કે ચેતનને જ જગતનું કારણ કહી બતાવે છે તેથી.

ભાવાર્થ
કોઈ નિશ્ચિત અભિપ્રાય પર પહોંચવામાં મુશ્કેલી લાગતી હોય ત્યારે વધારેમાં વધારે વ્યક્તિઓના નિર્ણયને લક્ષમાં લઈને સર્વ સંમત વસ્તુને સ્વીકારવામાં આવે છે. આ સૂત્રમાં એ પ્રકૃતિનો નિર્દેશ કરતાં કહેવામાં આવે છે કે જગતના કારણની ચર્ચા વિચારણા કરનારાં ઉપનિષદના વિવિધ વચનોની ગતિ એ સંબંધમાં કયી દિશા તરફ થઈ રહી છે તેનો વિચાર પણ કરવા જેવો છે. એ સઘળાં વચનોની ગતિ એક જ દિશા તરફ થઈ રહી છે, એ સઘળા ચિંતન મનનના પુણ્ય પ્રવાહો પૃથક્ પૃથક્ રીતે પ્રાદુર્ભાવ પામીને એક જ સંગીતના સ્વર રેલાવતા પ્રવાહિત થઈ રહ્યા છે, કે જગતનું કારણ જડ પ્રવૃત્તિ નથી પરંતુ સચ્ચિદાનંદ પરમાત્મા છે. ઉપનિષદ કે વેદનું એક પણ વચન એવું નથી કહેતું કે સૃષ્ટિની શરૂઆતમાં જડતા હતી. જડ પ્રકૃતિ હતી અને એમાંથી આ બધાનો આવિર્ભાવ થયો, એના આધારે બધું ટકી રહ્યું છે, પોષણ પામે છે. અને આખરે એના અંદર વિલીન બને છે. એ જડ પદાર્થ કે પ્રકૃતિ જ સર્વોપરી છે એવું કોઈ નથી જણાવતું એટલે પ્રકૃતિને જગતનું કારણ ના માની શકાય.

છાંદોગ્ય ઉપનિષદ કહે છે :
आत्मत एवेदं सर्वम् ।
‘પરમાત્મામાંથી જ આ બધું પ્રાદુર્ભાવ પામ્યું છે.’

મુંડક ઉપનિષદ કહે છે :
एतस्माज्जायते प्राणो मनः सर्वेन्द्रियाणि च ।
खं वायुर्ज्योतिशपः पृथिवी विश्वस्य धार्रिणी ॥
‘આ પરમાત્મામાંથી પ્રાણ પેદા થાય છે, મન, ઈન્દ્રિયો, આકાશ, વાયુ, તેજ, પાણી અને વિશ્વને ધારણ કરનારી પૃથ્વીનું પ્રાકટ્ય સહજ બને છે’

વેદ કહે છે :
पुरूष एवेदं सर्व यद् भूतं यच्च भाव्यम् ।
‘જે કાંઈ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે ને ભવિષ્યકાળમાં હશે તે બધું પરમપુરૂષ પરમાત્મા જ છે, બીજું કશું નથી’

हिरण्यगर्भः  समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् ।
स दाधार पृथिवी द्यावुतेमां कस्मै देवाय हविषा विद्येम ॥
‘સૌથી પહેલાં આરંભમાં ભૂતમાત્રના એકમાત્ર અધિષ્ઠાતા સ્વર્ણમય અવિદ્યારહિત પરમાત્મા હતા, એમણે પૃથ્વી તથા અંતરીક્ષ કે સ્વર્ગની સૃષ્ટિ કરી, એમને છોડીને અમે બીજા કયા દેવની પૂજાની સામગ્રીથી ઉપાસના કરીએ’ ?

સામાન્ય રીતે સંસારનું નિરીક્ષણ કરતાં પણ સમજાય છે કે જડ પદાર્થમાંથી ચેતનની રચના નથી થતી, ચેતનમાંથી જડની રચના થતી લગભગ સર્વત્ર દેખાય છે. સંસારના સર્જન સંબંધમાં પણ એ જ સર્વસામાન્ય સનાતન ક્રમ અથવા નિયમ લાગુ પડે છે. મહર્ષિ વ્યાસ આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કરે છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok