Text Size

Adhyay 1

Pada 2, Verse 03-05

३. अनुपपत्तेस्तु न शरीरः ।

અર્થ
તુ = પરંતુ.
અનુપપત્તઃ = જીવાત્મામાં એવા ગુણોની સંગતિ ના હોવાથી
શરીરઃ = જીવાત્મા.
ન = નથી.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદના વર્ણનને અનુલક્ષીને પરમાત્મા ઉપાસ્યદેવ છે એવું સિદ્ધ કર્યું. હવે એની સાથે સાથે સહજ રીતે જ ફલિત થનારી એક બીજી વાત કહી બતાવે છે કે એ વર્ણન પ્રમાણેના ગુણધર્મો જીવાત્મામાં નથી દેખાતા. જીવાત્મા જગતકર્તા, સર્વ વ્યાપક, સર્વરસ કે પૂર્ણકામ છે એવું નહિ કહી શકાય. માટે એને પરમાત્માનું આસન ના આપી શકાય અને સૌના એક માત્ર આરાધ્ય તરીકે પણ ના માની શકાય.

---
 
४. कर्मकर्तृव्यपदेशाच्च ।

અર્થ
કર્મ કર્તૃવ્યપદેશાત્ = એ વર્ણનમાં ઉપાસ્ય દેવને પ્રાપ્ત કરવા યોગ્ય કહ્યા છે ને જીવાત્માને પ્રાપ્ત કરનાર કહ્યો છે તેથી.
ચ = પણ.

ભાવાર્થ
પરમાત્મા પરમ ઉપાસ્યદેવ હોવાથી જીવાત્મા એમને જાણવાની, પામવાની અથવા આરાધવાની અભિલાષા રાખે છે. એ વિના એને શાંતિ નથી વળતી અને એનો અસંતોષ કાયમ જ રહે છે. પરમાત્મા એના પ્રાપ્તવ્ય છે. માટે તો એ એમની ઈચ્છા રાખે છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ એ ભાવનાનો પ્રતિઘોષ પાડતાં કહેવામાં આવ્યું છે કે ‘પરમાત્મા મારા હૃદયમાં રહેનારા મારા આત્મા છે. મૃત્યુ પછી અહીંથી પ્રયાણ કરીને પરલોકમાં હું એમને પ્રાપ્ત કરીશ.’

एष म आत्मान्तहृदय एतद् ब्रह्मैकमितः प्रेत्यार्भिंसमबितास्मि ।

ઉપનિષદે એવી રીતે જીવાત્મા તથા પરમાત્મા વચ્ચે સુંદર સ્વાનુભવપૂર્ણ લક્ષ્મણરેખા દોરી આપી છે. તે પ્રમાણે જીવાત્મા ઉપાસક છે અને પરમાત્મા ઉપાસ્ય. જીવાત્મા સાધક છે ને પરમાત્મા સાધ્ય છે, એ પુરવાર થાય છે. ઉપાસના જીવાત્માની નથી કરવાની, પરમાત્માની જ કરવાની છે.

---
  
५. शब्दविशेषात् ।

અર્થ
શબ્દ વિશેષાત્ = શબ્દનો પ્રયોગ ભેદ હોવાને લીધે પણ.

ભાવાર્થ
ઉપાસ્યદેવ જીવાત્મા નથી પરંતુ પરમાત્મા છે એ બતાવવા માટે આ સૂત્રમાં એક બીજી મહત્વની દલીલ રજૂ કરવામાં આવે છે કે છાંદોગ્ય ઉપનિષદમાં જીવાત્મા તથા પરમાત્માને માટે જુદા જુદા શબ્દપ્રયોગો કરવામાં આવ્યા છે. એમાં જણાવ્યું છે કે ‘આ મારા હૃદયમાં રહેનારા અંતર્યામી આત્મા છે. આ બ્રહ્મ છે.’ એનો અર્થ એ થયો કે અંતર્યામી આત્મા, બ્રહ્મ અથવા પરમાત્મા એ જેના હૃદયમાં રહેલા છે અને જેનું હૃદય છે તે જીવાત્મા કરતાં જુદા છે. જીવાત્મા એમને હૃદયમાં રહેલા અનુભવે છે, એ શબ્દભેદ સ્પષ્ટ રીતે બતાવે છે કે પરમાત્મા ઉપાસ્યદેવ છે, જીવાત્માથી જુદા છે, અને જીવાત્માને ઉપાસ્યદેવ ના માની શકાય.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok