પ્રેમની અપાર આનંદોર્મિમાં
હું મારાં અનેકવિધ ગીત ગાતાં ફરતો હતો,
ને પુષ્પે પુષ્પે ને વૃક્ષે વૃક્ષે
એ દેવતાનું દર્શન કરવા પ્રયાસ કરતો હતો.
રોજ રોજ મંદિરમાં જવાનો મારો નિયમ હતો,
ને અનેક પ્રકારની નિયમિત પૂજાવિધિમાં મારો સમય પસાર થતો.
પ્રેમના પરમ દેવતાના દર્શન માટે જ મારો પ્રયાસ હતો.
ને એથી જ હું એવી સાધના કરતો હતો.
રાતોની રાત સાગરના પેલા એકાંત તટ-પ્રદેશમાં પસાર કરતો,
ને તારાગણના ઊંડા અંતરમાં પણ
તેના મુખનું મધુ માણવા મહેનત કરતો.
ખરેખર, મારો પ્રયાસ ઘણો જ દયાજનક હતો.
ને તે રાતે, એ એકાંત સાગરતટે,
મેં પ્રેમનું ગીત ગાયું,
ને તેને સાંભળી ચૂકેલા પેલા પ્રેમીએ મને એની આંખ જોવાનું કહ્યું;
ત્યારે......ત્યારે મેં તેમાં શું જોયું ?
મને સમજ ના પડી;
પણ તેણે કહ્યું: 'આ પ્રેમ.'
ને ખરે જ, મેં ત્યાં, એ અનુરાગે અંજાયેલી આંખનાં આંસુમાં,
પ્રેમદેવતાનું દર્શન કર્યું.
તેનું દર્શન કરવાનું રહસ્ય મને હાથ લાગ્યું.
- શ્રી યોગેશ્વરજી