સકળ વિશ્વના રક્ષણહારા
સકળ વિશ્વના રક્ષણહારા !
મારી સમીપે વસજે રે.
પગલાં ભરું હું આડાં જરી તો,
મીઠી ટકોર મને કરજે રે...સકળ...
મિથ્યા ચિંતાઓ ચિતડે ચઢે તો,
નિશ્ચિંતતા જરી ધરજે રે...સકળ...
ભૂલવા ચહું હું તુજને કદી તો,
ભ્રમણા મારી બધી હરજે રે...સકળ...
શ્રદ્ધા ચળે, સ્નેહ સ્વપ્ને શમે તો,
નિતનવી પ્રેરણા ભરજે રે...સકળ...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સંસારમાં સાચો સંરક્ષક કોણ છે ? માતા-પિતા કે સ્વજનો? નહીં. પ્રભુ જ સર્વપ્રકારે રક્ષા કરવા સમર્થ છે, તેથી પ્રભુને જ પ્રાર્થના કરીએ.
જીવનનાં વિવિધ ક્ષેત્રે ઘણીવાર ભૂલો થતી રહે છે, અયોગ્ય માર્ગે પણ ચાલવા માંડીએ છીએ ત્યારે કોણ સાચું માર્ગદર્શન પૂરું પાડે ? એવી પરિસ્થિતિમાં પણ પ્રભુને જ પ્રાર્થના કરીએ કે મારા મન-અંતરમાં સદબુદ્ધિનો સૂર્યોદય પ્રગટાવજે. વ્યર્થ ચિંતાઓ, ખોટા ભય મનમાં જાગે તો મનને પ્રભુ સિવાય કોણ નિશ્ચિંતતા ધરશે?
જીવનની પગદંડી ઉપર, હે પ્રભુ! તને જ ભૂલી જઉં ત્યારે, ને ભ્રમજાળમાં ભરમાઈ જવાના પ્રંસગે પણ મને તું જ રક્ષજે. શ્રદ્ધાભક્તિ ડગી જાય, પ્રેમભાવ ઓછો થાય ત્યારે પણ મારા જીવનની લગામ તારે હાથ જ રાખજે. નવી પ્રેરણા, નવો ઉત્સાહ મારા પથ પર પાથરજે.
મારા જીવનનો તું જ આધાર છે. તું મારી પાસે સૂક્ષ્મરૂપે વસીને મારા પ્રભુમય જીવનની સર્વપ્રકારે સંભાળ રાખજે. આવી પ્રાર્થના કરીને પ્રભુને પ્રસન્ન કરવાનું સાધના ક્ષેત્રે થઈ શકે.