આજ તો સંગમ થાય ખરો !
ઉભય ઉર મળે આજ આપણાં,
ભેદ બધાય ટળો ! ... આજ તો.
જેમ ઉછળતી સરિતા આવે
તેમ રસે ઉછળો;
મળો મને સાર્થક કરવાને,
અંગ ઉમંગ ભરો ... આજ તો.
મઘમઘ થાયે મંદિર મારું,
સ્મિત પ્રસન્ન કરો;
રૂપસુધા પ્રસરાવી સઘળે
લજ્જિત ચંદ્ર કરો ... આજ તો.
વિહવલતા ને શમે વેદના,
નૂતન પ્રાણ ધરો;
કરો અલ્પથી વિરાટ મુજને,
ઉર અભિષેક કરો ... આજ તો.
પ્રેમ પ્રવાહ વહે છે એકલ,
તેને હૃદય ભરો;
રસની વર્ષા વરસો આજે,
જીવનહેતુ સરો ... આજ તો.
આંખ મળે આંખે, ઉર ઉરને,
તન પર હાથ ફરો;
સંવાદભર્યા સ્વરમાં મારી
મનની વૃત્તિ મળો ... આજ તો.
જીવ બનો શિવ, માનવ પ્રભુ હો,
સાધક સિદ્ધ કરો;
‘પાગલ’ પ્રેમોત્સવ હો, આપ્યો
કોલ ન આજ ફરો ... આજ તો.
- © શ્રી યોગેશ્વરજી