અરજ સુણો અવિનાશી,
મારી અરજ સુણો, અવિનાશી !
બહુ બહુ દિનની વાસી,
મારી અરજ સુણો, અવિનાશી !
તમારા વિના ઉર અકળાયે
જાણે દીધી ફાંસી;
અનુરાગે અહોનિશ આરાધે
તમને હે સુખરાશિ ! ... મારી.
રસિક બની ઈન્દ્રિયો સઘળી
થઈ તમારી દાસી;
પૂજે સેવે તમને બનતાં
વિષયોથકી ઉદાસી ... મારી.
ધ્યાન ધરે છે પ્રાણ નિરંતર,
અખંડ વિશ્વવિલાસી !
યજ્ઞયાગ શું સાધન તેને,
શું મથુરા કે કાશી ? ... મારી.
કૃપા કરો તો જાય યુગોનું
તિમિર ખરેખર નાસી;
પરમ પ્રકાશિત રૂપ પમાયે,
પ્રકટ બની લો હાસી ! ... મારી.
અરજ છેક સાધારણ મારી
ધ્યાન ધરો અવિનાશી !
‘પાગલ’ પ્રેમીની પૃથ્વીમાં
જોજો થાય ન હાંસી ! ... મારી.
- © શ્રી યોગેશ્વરજી