Text Size

ધર્માનુષ્ઠાન ઉધાર નથી

ભારતમાં બધે ઠેકાણે એક જાતની સર્વસામાન્ય મનોવૃત્તિનું દર્શન થાય છે. લોકોને પૂછીએ છીએ કે જપ શા માટે કરો છો, ધ્યાન શા માટે ધરો છો, તીર્થયાત્રાએ કેમ નીકળો છો અને દાન, પુણ્ય કે ધર્મ કેમ કરો છો, તો લગભગ એક જ સરખો ઉત્તર મળ્યા કરે છે કે કેમ ? પુણ્યનો સંચય કરવા તથા પરલોકમાં સુખી થવા. શરીર છૂટ્યા પછી જીવની સદ્દગતિ થાય તથા સ્વર્ગાદિ લોકમાં રહેવાનું અને એશઆરામ કરવાનું મળે એ જ અમારું લક્ષ્ય છે. એ લક્ષ્યથી પ્રેરાઈને જ અમે ધાર્મિક ક્રિયાઓ કર્યા કરીએ છીએ. આ લોકમાં તો જેમતેમ કરીને જીવી રહ્યા છીએ, પરંતુ પરલોકને નથી બગાડવો. પરલોકમાં આ લોકને દુર્લભ ભોગ-પદાર્થોની પ્રાપ્તિ થશે ને સુખી થવાશે તો ઘણું છે. એવી રીતે ધર્મકર્મ કરનારા લોકોની વૃત્તિ વધારે ભાગે પરલોકવાદી બની ગઈ છે. ધર્માનુષ્ઠાન કે સત્કર્મને આ જીવન અને આ લોકની સાથે કોઈ સંબંધ જ ના હોય, અને પરલોકના અથવા તો વર્તમાન જીવન પછીના બીજા જીવનના સુખોપભોગ સાથે જ લેવાદેવા હોય, એવું મનાવા લાગ્યું છે. એટલે એના સ્વાભાવિક પરિણામ રૂપે, ધર્મનું અનુષ્ઠાન કરીને આ લોકમાં જ સુખશાંતિ પ્રાપ્ત કરવાની ને વર્તમાન જીવનને જ સત્વશીલ કે સમૃદ્ધિશાળી બનાવવાની વૃત્તિ ભાગ્યે જ સેવાય છે. એ તરફ લક્ષ પણ ઓછું રહે છે, અને એને માટેના પ્રયત્નો પણ ભાગ્યે જ કરવામાં આવે છે.

પ્રશ્ન એ થાય છે, અને કેટલાય લોકો તરફથી એવો પ્રશ્ન પૂછવામાં પણ આવે છે, કે ભારતનો ધર્મ શું આવો ઉધાર છે ? એને આ લોકની સાથે કશો જ સંબંધ નથી ? એનું અનુષ્ઠાન પરલોકને લક્ષ્ય કરીને જ, પરલોકના સુખોપભોગને માટે જ કરવામાં આવે છે, અને સાંપ્રત જીવનની એ સદાને માટે ઉપેક્ષા કરે છે ? એની મદદથી વર્તમાન જીવનની સમસ્યાઓનો ઉકેલ કરીને એને સુખી ને સમૃદ્ધ ના બનાવી શકાય ? એ ધર્માચરણનું ફળ આ જીવનમાં તો પ્રાપ્ત જ નહિ થવાનું: એનો અર્થ એ કે એને માટે પરલોકમાં જ પ્રતીક્ષા કરવાની એમ ને ? અને પરલોકમાં એ ફળ મળશે એની ખાતરી શી ? અરે પરલોકની પોતાની જ ક્યાં ખાતરી છે ? એના અસ્તિત્વમાં જ શંકા છે. અને ધારો કે શંકા ના હોય તો પણ, કેવળ પરલોકનો વિચાર કરીને જ ધર્માચરણ કરવું અને આ લોક તરફ બિલકુલ ઉદાસીન રહેવું એ શું બુદ્ધિસંગત છે ? એવા ધર્મચરણને અને એનો ઉપદેશ આપનારા ધર્મને આદર્શ કેવી રીતે કહી શકાય ?

આવી પ્રશ્નપરંપરા પેદા થાય એ તદ્દન સ્વાભાવિક છે. એ પ્રશ્નપરંપરાને અને એની પાછળ કામ કરનારા મનને સહાનુભૂતિથી સમજી શકાય તેમ છે. એટલા માટે તો એના ઉત્તરમાં આપણે કહીએ છીએ કે ભારતીય ધર્મ તથા ધર્માચરણ તમે જેમ માનો છો તેમ ઉધાર નથી, પરંતુ નગદ છે. પરલોકનો સ્વીકાર ને વિચાર એમાં કરવામાં આવ્યો છે તે સાચું છે, પરંતુ એકલા પરલોકને જ લક્ષ્ય કરીને ધર્માનુષ્ઠાન કરવું એવું નથી કહેવામાં આવ્યું. આ લોક તથા વર્તમાન જીવન એમાં મહત્વનો ભાગ ભજવે છે, કેન્દ્રસ્થાને છે, તથા તેને સુધારવા, શીલવાન કરવા, શક્તિશાળી બનાવવા તેમ જ સુખ-શાંતિથી સંપન્ન કરવા માટે જ એનો આશ્રય લેવાનો છે. માણસ તન, મન અને અંતરના અથવા તો અવિદ્યાના પરિણામે પેદા થયેલાં અહંતા, મમતા, આસક્તિ અને રાગદ્વેષના જે અનેકાનેક બંધનોથી બંધાયેલો છે તે બંધનોમાંથી મુક્ત કરીને આત્માના અપરોક્ષ અનુભવદ્વાર એને પરમ શાંતિ ને પૂર્ણતાની મૂર્તિ બનાવી દેવો એ ધર્મનું પ્રયોજન કે લક્ષ્ય છે, અને એ લક્ષ્યની સિદ્ધિ આ વર્તમાન જીવનમાં તથા આ લોકમાં જ કરી લેવાની છે: બીજા જીવનમાં તથા બીજા લોકમાં નહિ. એ વાત ભારતના ધર્મગ્રંથોએ કેટલેય ઠેકાણે સ્પષ્ટ કરી છે. એના પ્રતિનિધિત્વરૂપે જ ઉપનિષદે પેલી વિચારધારા રજૂ કરી છે કે इह चेदवेदीदथ सत्यमस्ति, न चेदिहावेदीत् महती विनष्टि: જો આ જીવન દ્વારા આ લોકમાં જ આત્માને જાણી લીધો તો તો ઘણું સારું થયું: કિન્તુ જો આ લોકમાં, આ જીવન દ્વારા આત્મદર્શન ના કર્યું તો મોટું નુકસાન થયું, અથવા તો સર્વનાશ થઈ ગયો. માટે उत्तिष्ठ ઊઠો. जाग्रत જાગો. प्राप्य वशन्निबोधत. મહાન પુરુષોની પાસે પહોંચીને આત્મા વિષે જાણી લો.

એટલે આ લોકનો અનાદર કરવાનો તથા પરલોકને જ સર્વ કાંઈ માનીને આગળ વધવાનો આદેશ ભારતીય ધર્મ કે તત્વજ્ઞાને નથી આપ્યો. પરલોકનો સ્વીકાર એણે અવશ્ય કર્યો છે, એનો વિચાર કરવાનું પણ કહ્યું છે; આ લોકમાં અને આ જીવનમાં પૂર્ણતાને માટેનો અપૂર્ણ રહેલો પુરુષાર્થ બીજા જીવનમાં આગળ ચાલે છે ને ફળે છે. જીવનમાં સાતત્યની સાંકળનો આ જીવન તો એક અંકોડોમાત્ર છે: એ બધું એણે શીખવ્યું છે ખરું, પરંતુ આ લોક તેમ જ વર્તમાન જીવનના ભોગે, એની ઉપેક્ષા કરીને ધર્માનુષ્ઠાન કરવાનો ઉપદેશ એણે નથી આપ્યો. સાથે સાથે જે લોકો ઈહલોકને તથા વર્તમાન જીવનને જ સર્વ કાંઈ સમજી બેઠા છે અને એમાં આંખ મીંચીને ગળાડૂબ ડૂબી રહ્યા છે, તેવા ‘આ લોક મીઠો, પરલોક કોણે દીઠો’ની ફિલસૂફીવાળાની સામે તે લાલબત્તી ધરે છે ને કહે છે કે આ જીવનને અને આ લોકને જ સર્વ કાંઈ ના સમજી લેતા. તમારી બુદ્ધિ અને વિચારશક્તિ અથવા અનુભૂતિ કાચી હોય એટલે જન્માંતર નથી ને પરલોક પણ નથી એવું ના માની લેતા. આ લોકને જ સર્વસ્વ સમજી લેવાની ને પરલોકની જ સુખોપભોગ સામગ્રી તથા સદ્દગતિની આશા રાખીને આગળ વધનારી એ બંને પ્રકારની મનોવૃત્તિનાં ભયસ્થાનો કે જોખમો રજૂ કરીને એ સૌને સાવધ કરે છે. આ લોક ને પરલોક બંનેના સુધારનો એનો ઉપદેશ છે.

છતાં પણ, પરલોકની જ લાલસા રાખીને લોકો ધર્માચરણ કરે છે એ વિચિત્ર છે. એવા લોકોને આપણે કહીશું કે કેવળ પરલોકનો ને બીજા જીવનનો જ વિચાર કરીને બેસી ના રહો. એની મોહિનીમાં ના પડો. ધર્મનું આચરણ આ લોકને સુખી કરવા, શાંતિમય બનાવવા, ને વર્તમાન જીવનને પુષ્ટ કરવા માટે છે. માટે આ લોકને સુધારો, સુખી કરો ને શાંતિમય બનાવો. તમારે બીજા કયા સ્વર્ગલોકની લાલસા છે ? સ્વર્ગલોકની લાલસા રાખવા કરતાં આપણી આ પૃથ્વીને પ્રેમ કરતાં શીખો, ને પૃથ્વીને પવિત્ર, પ્રેમમય, મધુમય તથા સુંદર ને સ્વર્ગમય કરો. એને માટે સૌથી પહેલાં  તો તમારા પોતાના જીવનને સુધારો ને સરસ બનાવો. એમાંથી નરકની નિશાનીઓનો નાશ કરીને એને સ્વર્ગની સૌરભથી ભરી દો. જે વર્તમાન છે કે તમારી સામે છે, તેને સાચા દિલથી ચાહતાં, સુધારતાં ને સમૃદ્ધ કરતાં શીખો. ધર્મ ને તત્વજ્ઞાનને સાચા અર્થમાં ના સમજવાથી, ધર્મ ને તત્વજ્ઞાનના નામે અત્યાર સુધી આપણે વર્તમાન જીવનની, સમાજની ને લોકની ભારે હાનિ કરી છે. એની વાડીને સુધાસિંચનથી રસમય કરવાને બદલે નીરસ કરી છે. હવે એ ભૂલને સુધારવી પડશે. જે જીવનનો લાભ આપણે લઈએ છીએ, ને જે ધરતી પર શ્વાસ લઈએ છીએ, એની અવજ્ઞા કરવાનો આદેશ આપણા ધર્મે કદી પણ નથી આપ્યો. એ વાતને સમજી લઈએ તો જીવનમાં નવો પ્રાણ પેદા થાય, સુખશાંતિ છવાઈ જાય અને આ મૃત્યુલોક આપણે માટે અમૃતલોક બની જાય. ધર્મનું આચરણ આપણને અહીં પણ આત્મસંતોષ આપે, સુખી કરે અને આપણાં તથા બીજાનાં બંધન કાપી નાખે. ધર્મનું અનુષ્ઠાન આપણે માટે ઉધાર નહિ કિન્તુ ખરેખર નગદ થાય.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Our greatest glory is not in never falling, but in rising every time we fall.
- Confucius

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok