Text Size

બીજાને માટે જીવવાનો મહામંત્ર

જીવનના પરમ પવિત્ર પુરુષાર્થ, પરમ અર્થ કે પરોપકારનું પ્રતિપાદન કરતાં સુંદર, સરસ, પ્રેરક શબ્દોમાં કહેવામાં આવ્યું છે:

સરવર તરવર સંતજન ચોથા વરસે મેહ,
પરમારથ કે કારને ચારો ધરિયા દેહ.

સરવર અને સરિતાનું સમસ્ત સલિલ સંસારને માટે છે. એનો લાભ માનવ કે માનવેતર કોઈ પણ પ્રાણી લઈ શકે છે. પોતાના સલિલ પર સરવર કે સરિતાનો એકાધિકાર નથી હોતો, પોતાના વિશાળ જળભંડારને પોતાના વ્યક્તિગત સુખ માટે વાપરવાને બદલે એ સમષ્ટિગત સુખ શાંતિ અને સમૃદ્ધિને માટે સમર્પે છે, સૃષ્ટિને સશ્ય-શ્યામલા કરવા માટે, હરીભરી બનાવવા માટે, પોતાનો ફાળો પ્રદાન કરે છે. વૃક્ષનું જીવન પણ બીજાને માટે ઉપયોગી થાય છે. એની છાયા, એનાં પર્ણ, પુષ્પ, ફળ તથા કાષ્ટ બીજાને માટે જ વપરાય છે. વૃક્ષ પણ પોતાની સમસ્ત સાધનસામગ્રી કે સંપત્તિ દ્વારા વિશ્વનું બની જાય છે. એટલા માટે તો વિદ્વાનોએ વૃક્ષની પાસેથી પદાર્થપાઠ લેવાનો સંદેશ આપ્યો છે. મેઘ પણ પોતાના જીવનધનને સમર્પીને સૃષ્ટિની સેવા-સહાયતા કરે છે. મેઘ વિનાની સૃષ્ટિની કલ્પના પણ નથી કરી શકાતી. મેઘ જગતને માટે પ્રત્યક્ષ દેવતાનું કામ કરે છે. અસાધારણ આશીર્વાદરૂપ બને છે. પરમાત્માના પરમ કૃપાપાત્ર અથવા પરમાત્માની પરમ કૃપાને પામવાનો પ્રામાણિક પ્રયત્ન કરનારા સંતો પણ તન મન વચન દ્વારા સમસ્ત જીવનને અન્યના અભ્યુદયના મહાયજ્ઞની આહુતિ જેવું બનાવી દે છે. એમનું સમસ્ત જીવન સમાજનું થઈ જાય છે. આપણે પણ એ ચારે પરમાર્થીઓની જેમ આપણા જીવનને પરમાત્માનું સમજીને પરમાત્માની સૃષ્ટિની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ ને સમુન્નતિના કાર્યમાં લગાડી દેવું જોઈએ. જીવન સમાજને સમર્પિત કરવું જોઈએ, અને સમાજને માટે જીવાવું જોઈએ. પરમાર્થ અથવા સમાજની સહાયતા એ આપણો જીવનમંત્ર બની જવો જોઈએ. આપણી પાસે જે પણ ધન હોય, બળ હોય, વિદ્યા હોય, અધિકાર, પદ, પ્રતિષ્ઠા કે સત્તા હોય તે દ્વારા આપણે અન્યને ઉપયોગી થવા તૈયાર રહેવું જોઈએ.

બીજાને ઉપયોગી થવાની શુભ પ્રવૃત્તિનો આધાર લેવાથી લાંબે ગાળે આપણને જ લાભ થાય છે. આપણું હૃદય વિશાળ બને છે, ઉદાર થાય છે, સંવેદનશીલ તથા સહાનુભૂતિ-સંપન્ન થતું જાય છે. અને અંતે આપણી આજુબાજુના સૌમાં, હૃદયની સંપૂર્ણ શુદ્ધિ સધાતાં, આપણે ઈશ્વરદર્શન પણ કરી શકીએ છીએ. બીજાને માટે જીવવાની એક જ સાધના અન્ય સાધનાના ફળને પ્રદાન કરનારી અને જીવનને ઉજ્જવળ બનાવનારી થઈ પડે છે.

આજે આપણે અન્યને માટે જીવનારા, બીજાને માટે પોતાના સ્વાર્થને ગૌણ ગણીને તિલાંજલિ આપનારા માનવોની આવશ્યકતા છે. એવા મજૂરો ને માલિકો, ડોક્ટરો, વકીલો, શિક્ષકો, સેવકો, રાજનીતિજ્ઞો, પ્રધાનો ને સભાસદો, વેપારીઓ, સૈનિકો, જીવનનાં સઘળાં ક્ષેત્રોમાં રહેતા સેવાભાવી માનવોની આવશ્યકતા છે. આપણા દેશના અભ્યુત્થાનને માટે બીજાને સમર્પિત થવાની ભાવનાને દ્રઢીભૂત બનાવવાની આવશ્યકતા છે. આપણે સૌ આપણે માટે જીવીએ છીએ. તેમ અન્યને માટે પણ શ્વાસ લેતાં ને કાર્ય કરતાં શીખીએ તો સમાજનું ચિત્ર બદલાઈ જાય, સમાજની કાયાપલટ થઈ જાય. આપણે જેવા સુખી સુસમૃદ્ધ સમાજની અપેક્ષા રાખીએ છીએ એવા સુખી સુસમૃદ્ધ સમાજની પ્રસ્થાપનામાં વાર ના લાગે. આપણો આજનો મહામંત્ર બીજાને માટે જીવવાનો, કાંઈક કરી છૂટવાનો, હોવો જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You can't cross the sea merely by standing and staring at the water.
- Rabindranath Tagore

prabhu-handwriting

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok