Text Size

કર્તવ્યનું અનુષ્ઠાન

સ્વાનુભવસંપન્ન સત્પુરુષો તથા ભગવદ્ ગીતા જેવા મહાન ધર્મગ્રંથો પોતાની આગવી રીતે જણાવે છે કે માનવે કર્તવ્યનું અનુષ્ઠાન કરવું, પ્રમાદી બનીને બેસી ના રહેવું, અને કર્મના સમ્યક અનુષ્ઠાનના પરિણામે જે ફળ મળે તે ફળની ઉપર પોતાનો સર્વાધિકાર કે એકાધિકાર સમજવાને બદલે તેને પરમાત્માની સમર્પેલી સંપત્તિ સમજીને પોતાની જ સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ, સમુન્નતિને માટે જ નહિ પરંતુ પરમાત્માની દુનિયાના બીજાને માટે પણ, બીજાની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ, સમુન્નતિને માટે પણ તેનો સદુપયોગ કરવો. પોતાને પ્રાપ્ત થતું જ્ઞાન, પદ, શાસન, ધન, ઐશ્વર્ય, બળ પરમાત્માનું છે, તેનો મૂળ માલિક પરમાત્મા છે, ને પોતે તો એનો સંરક્ષક છે, એમ સમજીને એકલપેટા બનીને બેસી રહેવાને બદલે, એમની દ્વારા બીજાને ઉપયોગી થવાની પ્રવૃત્તિ કરવી.

એ મહાપુરૂષો ને ધર્મગ્રંથો એક બીજી હકીકત તરફ આપણું ધ્યાન ખેંચતાં જણાવે છે કે માનવે પોતાની ને બીજાની સુખાકારી, શાંતિ, સમુન્નતિ માટેનાં કર્મોનું અનુષ્ઠાન અવશ્ય કરવું. પરંતુ એની સાથે સાથે જે પણ કર્મો કરવામાં આવે તે કર્મોને કર્તવ્યભાવનાથી કે કર્તવ્ય બુદ્ધિથી કરવાનું ધ્યાન રાખવું. કર્મોનું અનુષ્ઠાન બદલો મેળવવાની વૃત્તિથી પ્રેરાઈને ના કરવું. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ફળને મેળવવા માટે જ, ફળના માલિક બનવા માટે જ, જે કર્મ કરે છે તે કૃપણ છે. તેમની બુદ્ધિ મંદ, અધૂરી અને એકાંગી છે. कृपणा: कलहेतव: ।

બદલો મેળવવાની વૃત્તિથી પ્રેરાઈને કરેલાં કર્મોનું પરિણામ કેટલીકવાર સુખદ આવવાને બદલે દુઃખદ આવે છે. એક માણસે પોતાના ઘરની આગળ આંબાના વૃક્ષને ઉગાડવાની ઈચ્છા કરી. આંબાનું વૃક્ષ પૂરેપૂરું ઊગીને ફળ પ્રદાન કરે તે પહેલાં જ એના સ્વર્ગવાસનો સુનિશ્ચિત સમય આવી પહોંચ્યો. શરીર છૂટતાં પહેલાં એને અસાધારણ વેદના થઈ. એનું મન આંબામાં જ રહ્યું. મેં ઉગાડેલા આંબાની કેરી મને ખાવા નહિ મળે. મને તો એમ હતું કે કેટલાંક વરસો સુધી હું કેરી ખાઈ શકીશ. જો આવી રીતે અચાનક જવાની ખબર હોત તો હું અમુક વૃક્ષને ઉગાડત જ નહીં. એવી રીતે અફસોસ કરતાં કરતાં અને વ્યથાને અનુભવતાં એનો પ્રાણ ચાલ્યો ગયો. સંક્ષેપમાં કહીએ તો એની સદ્ ગતિ ના થઈ. એણે જેવા આત્મસંતોષથી વિદાય થવું જોઈએ એવા આત્મસંતોષ સાથે વિદાય ના થઈ શક્યો. એણે બદલાની આશાથી આંબાને ઉગાડેલો તેનું એવું પ્રતિકૂળ પીડાજનક પરિણામ આવ્યું.

બીજા માનવે માર્ગ પર વૃક્ષારોપણ કર્યું. કોઈએ એને પૂછ્યું કે તમારે આ વૃક્ષની છાયાને માણવા માટે ક્યાં બેસી રહેવાનું છે ? આવી મહેનત શા માટે કરો છો ? તમે તો ખૂબ જ વૃદ્ધ છો. એણે ઉત્તર આપ્યો કે મેં મારા જીવનમાં અનેક વૃક્ષોની છાયા લીધી છે ને અસંખ્ય વૃક્ષોનાં ફળ ચાખ્યાં છે. અહીંથી વિદાય થતાં પહેલાં હું પણ બીજાને માટે એકાદ વૃક્ષને મૂકી જાઉં તો કેવું સારું ? હું જે વૃક્ષારોપણ કરું છું તે મારે માટે નથી કરતો, બીજાને માટે કરું છું. કર્તવ્યભાવે બદલાની આશાથી નથી કરતો. મને તેની છાયા નહીં મળે તો કાંઈ નહીં. છાયા નહીં મળે તે જાણું જ છું. એ વૃદ્ધ પુરૂષે વૃક્ષારોપણ કર્યું. થોડાક સમય પછી એના શરીરની સમાપ્તિનો સમય આવી પહોંચ્યો ત્યારે એણે શાંતિથી, કર્તવ્યના અનુષ્ઠાનના સંતોષ સાથે, વિદાય લીધી. પરબને બેસાડનાર, ધર્મશાળા કે મંદિર તૈયાર કરનાર, પુસ્તકાલય કે હોસ્પિટલ અને અન્નક્ષેત્ર બનાવનાર, સ્કૂલ બાંધનાર, પોતાને માટે નહીં પરંતુ બીજાને માટે જ તે કર્મો કરતા હોય છે. તેમના વ્યક્તિગત ફળોપભોગની કામના એમને નથી હોતી. એમના દ્વારા પોતાને શો કે કેટલો લાભ મળશે તેવી ક્ષુલ્લક કે ગૌણ ગણતરી તે નથી કરતા.

એક સદ્ ગૃહસ્થે પોતાના પુત્રને ભારે લાડ લડાવીને મોટો કર્યો. સારામાં સારી વિદ્યા પ્રદાન કરી, ધંધે વળગાડ્યો, અને પ્રભુતામાં પગલાં પડાવીને સ્વતંત્ર રીતે રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. પરંતુ એટલું કરવા છતાં પણ એમને આત્મસંતોષ ના થયો. એમણે પોતાના ગુરૂદેવને કહેવા માંડ્યું : છોકરા પાસેથી મેં મોટી મોટી આશાઓ રાખેલી. એ આશાઓ ફળે તેવું લાગતું નથી, તેનું મને દુઃખ છે. મને જીવનમાં રસ નથી રહ્યો. સંસાર સ્વાર્થી લાગે છે. છોકરાને મેં મોટો કર્યો ને ભણાવીગણાવીને ધંધે વળગાડ્યો તે એટલા માટે કે તે મારી સેવા કરે. પરંતુ સેવાની વાત તો બાજુએ રહી પણ એ મારી સામે જોતો પણ નથી. અમારે મળવાનો કે બોલવાનો પણ સંબંધ નથી રહ્યો. આના કરતાં તો છોકરો થયો જ ના હોત ને પથરો પાક્યો હોત તો સારું. છેલ્લા કેટલાય વખતથી આ અણધાર્યા આઘાતને સહી ના શકવાથી મને બ્લડપ્રેશરનો વ્યાધિ લાગુ પડ્યો છે. અને હું સંન્યાસી થવાનાં સ્વપ્નાં સેવું છું.

ગુરૂએ એ સદ્ ગૃહસ્થને જણાવ્યું કે તમારે તેવાં સ્વપ્નાં સેવવાની આવશ્યકતા નથી. તમે સંન્યાસીનો વેશ ધારણ કરશો તોપણ શાંતિ નહિ પામો. તમે ગીતાપારાયણ કરો છો. ગીતામાં કહ્યું જ છે કે, 'निराशी निर्ममो भूत्वा युध्यस्व विगत ज्वर:।’ તું મનને અહંતા, મમતા, રાગદ્વેષાદિમાંથી મુક્ત અથવા નિર્મળ કરીને મમતારહિત બન, આશા વિનાનો બન, ને યુદ્ધ કર. તમે તમારા પુત્રને મોટો કરીને ઠેકાણે પાડ્યો તે સારું કર્યું. પરંતુ તે કાર્ય કર્તવ્યભાવે કરવાને બદલે સેવા-સહાયતા-બદલાની આશાથી કર્યું. એ આશા પૂરી ના થતાં તમે દુઃખી થયા. તમે એમ માન્યું હોત કે, મારા પુત્રની સંભાળ રાખવાની મારી ફરજ છે. એના જીવનને ઉન્નત બનાવવાનું મારું એક આદર્શ પિતા તરીકે કર્તવ્ય છે. મોટો થઈને છોકરો મારી સેવા કરશે તો પણ ઠીક ને નહિ કરે તો પણ ઠીક. હું તો કોઈ પણ પ્રકારની ભાવિ અપેક્ષા સિવાય મારું કર્તવ્યપાલન કરી રહ્યો છું ને કરીશ. તો તમને આવું દુઃખ ના થાત. તમે અનુકૂળ અથવા પ્રતિકૂળ પ્રત્યેક પ્રકારની પરિસ્થિતિમાં સ્વસ્થ, પ્રસન્ન, શાંત રહી શક્યા હોત. કર્મના ઋણાનુબંધમાં માનતા હોત તો પણ એનો વિચાર કરીને તમે સ્વસ્થ રહી શકત. જેવો જેનો જેની સાથેનો ઋણાનુબંધ. પરંતુ તમે પ્રથમથી જ આશા સેવી, અપેક્ષા રાખી, એટલે એ આશા-અપેક્ષા ના સંતોષાતાં દુઃખી થયા, ભાંગી પડ્યા, જીવનનો રસ તથા ઉત્સાહ ખોઈ બેઠા.

એક ધર્મોપદેશકનો પ્રભાવ અસાધારણ હતો. કોઈએ એમને પૂછ્યું કે તમારા ઉપદેશની અસર જનતા પર થાય છે ? ધર્મોપદેશકે ઉત્તર આપ્યો કે, હું જ્યાં જ્યાં જાઉં છું ને ઉપદેશ આપું છું ત્યાં ત્યાં કોના પર કેટલી અસર થઈ ને કોણ સુધર્યું કે ના સુધર્યું તેનું રજિસ્ટર નથી રાખતો. હું તો મારું કર્તવ્ય કર્યે જાઉં છું. નદી વહ્યે જાય છે, ફૂલ ખીલે છે, સૂર્ય કિરણોને રેલે છે, એમને બીજી ચિંતા, આશા નથી. મારી પ્રવૃત્તિથી મને પોતાને લાભ થાય છે એવી રીતે કોઈ બીજાને પણ લાભ થતો જ હશે. મને એ કર્તવ્ય લાગે છે ત્યાં સુધી હું એનો આધાર લઈશ. પછી વિપળનાય વિલંબ વગર છોડી દઈશ. હું એના કે કોઈ બીજી પ્રવૃત્તિના બંધનમાં નથી.

સમાજમાં કર્તવ્યભાવે, બદલાની અપેક્ષા વગર, કર્મ કરવાની ભાવના વધે છે ત્યારે સમાજ સ્વસ્થ, સુદૃઢ, સમુન્નત, સુખી બને છે. પ્રત્યેકને પોતાને ફાળે આવેલા કર્તવ્યનું સમજપૂર્વકનું, સર્વ શક્તિ-ભક્તિ સાથેનું, અનુષ્ઠાન કરવાનો આત્મસંતોષ સાંપડે છે. હનુમાને જે રામસેવાનું કર્તવ્ય કર્યું તે કોઈ લૌકિક, પારલૌકિક ફળની આશાથી, બદલાની અપેક્ષાથી નહોતું કર્યું. એટલે સીતાનો પુરસ્કાર એમને પ્રિય ના લાગ્યો. સીતાએ એમને વણમાગ્યો આશીર્વાદ આપ્યો. જ્યાં સુધી જગતમાં રામનું નામ અને કામ રહેશે ત્યાં સુધી તમે પણ રહેશો, અને રામનો આધાર લઈને ભક્તો ભવસાગરને પાર કરશે તેમ તમારો આશ્રય લઈને પણ ભવસાગરને પાર કરશે. કેટલો મહામૂલ્યવાન મહાન આશીર્વાદ ? કેવો પ્રાણવાન પુરસ્કાર ?

માતાજીનો સ્વર્ગવાસ થયો ત્યારે ભાવનગરની હોસ્પિટલના મુખ્ય સર્જન ડૉક્ટર ગઢવી સાહેબ અમારા સ્પેશિયલ રૂમમાં આવીને બે મિનિટ શાંત પ્રાર્થના કરીને બોલ્યા : અમે છેવટ સુધી એમને બચાવવા બનતું બધું જ કર્યું. પરંતુ આખરે ઈશ્વરે જે ધારેલું તે જ થયું. એટલો અફસોસ રહી ગયો. પણ અમે કરેલી સેવાનો અમને સંતોષ છે. ડૉક્ટર ગઢવી સાહેબના શબ્દો કેટલા બધા સહજ અને સાચા હતા ! કર્તવ્ય કરનારને પોતાના કર્તવ્યનો સંતોષ થવો જોઈએ. મેં મારા કર્તવ્યને મારી સમજને અનુસરીને, મારી સમગ્ર શક્તિને કેન્દ્રિત કરીને, બજાવ્યું છે. ફળ ઈશ્વરના હાથમાં.

એવા અનપેક્ષ કર્તવ્યભાવનાવાળા કર્મયોગીને સર્વસ્થળે, સર્વકાળે શાંતિ સાંપડે છે. એ કદી કોઈએ કારણે કર્મની, કર્તવ્યની, જીવનની, પદ્ધતિ ખોઈ બેસતો નથી.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Shivprasad S Nayak 2009-12-23 14:24
While i was reading this topic I realised myself in that incident was happened in my life as my two sons not taking any care of us (myself & their mother) when we have done our duty and responsibilitie s for them but we have no grief or repentance about it because i believe in GEETA's advice and your writing on advised.
Thanks for realization,
- Shivprasad Nayak

Today's Quote

God looks at the clean hands, not the full ones.
- Publilius Syrus

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok