narsinh-mehta

ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. નાનપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં તેમણે ભાઇ-ભાભીને આશરે જીવવું પડયું. ભજન સિવાય તેમને કશામાં રસ પડતો ન હતો. ગૌરી સાથેના લગ્નથી તેમને ત્યાં પુત્ર શામળશા અને પુત્રી કુંવરબાઈનો જન્મ થયો.

પોતાની મસ્તીમાં મસ્ત રહેતા નરસિંહને ભાભીના મહેણાં અવારનવાર મળતાં. એક વાર મહેણું સહન ન થવાથી નરસિંહ મહેતા ઘર છોડી એકાંતમાં આવેલ ગોપીનાથ મહાદેવમાં ચાલ્યા ગયા. ત્યાં ઉપાસના કરવાથી મહાદેવજી પ્રગટ થયા અને એમને રાસલીલાનાં દર્શન કરાવ્યાં. શ્રીકૃષ્ણ-રાધાનાં દર્શન કર્યા ત્યારથી તેમને કૃષ્ણભક્તિની લગની લાગી. પોતાની અનુભૂતિઓને તેમણે શબ્દના માધ્યમ દ્વારા વહેતી કરી. એમણે આશરે ૧૫૦૦ થી વધારે પદો રચ્યાં જેમાં પુત્ર શામળશાનો વિવાહ, પુત્રી કુંવરબાઈનું મામેરું, હુંડીનો પ્રસંગ, હારનો પ્રસંગ, શ્રાદ્ધ, જેવા સ્વાનુભવાત્મક પ્રસંગો ઉપરાંત વસંતનાં પદો, હિંડોળાનાં પદો, કૃષ્ણભક્તિનાં પદો, સુદામાચરિત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેમની સૌથી સુપ્રસિદ્ધ રચના વૈષ્ણવ જન, જે મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતી, ભાગ્યે જ કોઈ અજાણ હશે.

સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય ભકિતનાં દર્શન કરાવ્યાં.

એમની દીકરી કુંવરબાઇના મામેરા વખતે વડસાસુએ લાંબુંલચ લિસ્ટ લખીને કુંવરબાઇના હાથમાં આપી દીધું. કુંવરબાઇ રડતાં-રડતાં પિતાજીની પાસે આવ્યાં ત્યારે નરસિંહ મહેતા એક જ વાકય બોલ્યા, ‘મારો કૃષ્ણ બેઠો છે પછી શાની ચિંતા.’ અને ભગવાન દ્વારિકાધીશે ખરેખર લિસ્ટમાં લખેલી બધી જ વસ્તુ તેમના આંગણે પહોંચાડી.

એક વાર એમના વેવાણે નાહવા માટે ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહ બોલ્યા, ‘થોડું ઠંડું પાણી હોય તો આપોને.’ ત્યારે વેવાણે મહેણું માર્યું, ‘તમે તો ભગવાનના ભગત છો તો વરસાદ વરસાવોને’ અને મહેતાજીએ હાથમાં કરતાલ લઇ એવો મલ્હાર ગાયો કે અચાનક વાતાવરણ પલટાઇ ગયું અને મૂશળધાર વરસાદ તૂટી પડયો. 

જયારે એમના ઉપર ચોરીનો આરોપ આવ્યો ત્યારે ભગવાન દ્વારિકાધીશે મહેતાજીને નિર્દોષ સાબિત કરવા માટે ગળામાં હાર પહેરાવ્યો. આ જોઇને રાજા ચરણમાં ઝૂકી પડયો.

આ જ રીતે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે વેપારીઓ પાસેથી પૈસા લઇને શામળશા શેઠના નામે હૂંડી લખી આપી અને ભગવાન દ્વારિકાધીશે શામળશા શેઠનો વેશ ધરીને હૂંડીનાં બધાં જ નાણાં યાત્રીઓને ચૂકવી આપ્યાં.

શામળશાનો વિવાહ, પત્નીનું મરણ, પિતાજીનું શ્રાદ્ધ, બ્રાહ્મણ હોવા છતાં હરિજનવાસમાં ભજન ગાવા બદલ જ્ઞાતિએ કરેલો બહિષ્કાર આવા અનેક પ્રસંગોએ એમની શ્રદ્ધા હાલી નહીં પરંતુ દૃઢ જ રહી અને એથી ચમત્કારોનું સર્જન થયું. અહીં આપણે એ સંત અને સર્જક એવા નરસિંહ મહેતાની રચનાઓ માણીએ.

Today's Quote

The best way to find yourself is to lose yourself in the service of others.
- Mahatma Gandhi
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.