Text Size

03. તૃતીય સ્કંધ

મહર્ષિ કપિલનો જન્મ

યુવાવસ્થા તો ઉત્સાહની, સ્વપ્નોના સેવનની ને સર્જનની, થનગનાટની ને જ્યોતિર્મય રસાળ જીવનનિર્માણની અલૌકિક અવસ્થા છે. જેને તેની પ્રાપ્તિ થઇ છે તે બડભાગી છે. જે એની શક્યતાઓ ને શક્તિઓને જાણીને એનો સમુચિત સદુપયોગ કરે છે તે ધન્ય છે, કર્દમ અને દેવહુતિએ એનો સમજપૂર્વકનો આસ્વાદ લેવા માંડ્યો.

ઉત્તમ પ્રકારનો તપસ્વી કે યોગી જ્યારે લગ્નજીવનમાં પ્રવેશ કરે ત્યારે એનું લગ્નજીવન કેવું સુખી, સમૃધ્ધ અને ઇશ્વરપરાયણ તથા અનાસક્ત બને એની ઝાંખી કર્દમના લગ્નજીવન પરથી સારી રીતે થઇ રહે છે. આદર્શ પત્નીનો ધર્મ દેવહુતિના વ્યક્તિત્વમાં વણાઇ ગયેલો. એ ધર્મપ્રેમથી પ્રેરાઇને એણે કર્દમની સુચારુરૂપે સંતોષકારક રીતે સેવા કરવા માંડી. સ્નેહથી જેની સેવા કરવામાં આવે છે તેને તો સંતોષ થાય છે જ પરંતુ એથી અધિક અગત્યની વાત તો એ છે કે એથી સેવા કરનારને પોતાને સંતોષ થાય છે. એ સંતોષ પોતાના સમયનો ને પોતાની રહીસહી શક્તિના સદુપયોગનો છે. સેવા કરનાર બીજાની સુખશાંતિ, સમૃદ્ધિ કે સમુન્નતિના મહાયજ્ઞમાં પોતાના ગજા પ્રમાણે આહુતિ આપે છે એ આનંદનો અનુભવ એને માટે ઓછો નથી. ભાગવત દેવહુતિની સેવાનો ઉલ્લેખ કરતાં કહે છે કે દેવહુતિએ છળકપટ, કામક્રોધ, દ્વેષ, દુરાચાર તથા મદનો ત્યાગ કરી જાગૃતિ તથા લાગણીપૂર્વક, વિશ્વાસ, પવિત્રતા, પૂજ્યભાવ, સંયમ, સેવા, સ્નેહ તથા સુમધુર સંપન્ન વાણીથી બનીને પરમપ્રતાપી કર્દમમુનિને સંતોષ આપ્યો. જેની અંદર એવા ગુણો હોય તે કોને સંતોષ ના આપે ને કોને વશ ના કરે ?

કર્દમ ઋષિએ એવી અસાધારણ સેવાથી સંતુષ્ટ કે પ્રસન્ન થઇને દેવહુતિ પ્રત્યે કરુણાથી તેમજ પ્રેમભાવથી પ્રેરાઇને એને અલૌકિક ભોગોનો આસ્વાદ આપવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પને અનુસરીને પોતાની દૈવી યોગશક્તિની મદદથી એમણે ભોગપદાર્થોનું ઇચ્છામાત્રથી જ નિર્માણ કર્યું.

સૌથી પહેલાં તો એમણે ઇચ્છાનુસાર વિહાર કરવાવાળા સુંદર વિમાનને તૈયાર કર્યું. એ વિમાન દિવ્ય, સર્વ રત્નોથી યુક્ત, સંપત્તિવાળું, સર્વ કામનાઓની પૂર્તિ કરનારું, મણિમંડિત સ્થંભોવાળું, સુખદ અને સારી રીતે શણગારેલું હતું. એમાં અનેક માળ હતા અને એ માળ શય્યાઓ, પલંગો, પંખાઓ અને અનેકવિધ આસનોથી અલંકૃત કરવામાં આવેલા.

દેવહુતિ કર્દમના આદેશને અનુસરીને બિંદુ સરોવરમાં સ્નાન કરીને એ દિવ્ય વિમાનમાં વિરાજી. બિંદુ સરોવરમાં સ્નાન કરવા પ્રવેશી ત્યારે એણે એક હર્મ્યમાં રહેતી હજાર કન્યાઓ જોઇ. એમણે ઉત્તમ પ્રકારનાં સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવ્યું અને સુંદર વસ્ત્રો તથા ભૂષણો પહેરાવ્યા. એથી એ દેવકન્યા કરતાં પણ વધારે સુંદર દેખાવા લાગી.

એ વિમાનમાં દેવહુતિ સાથે વિરાજીને કર્દમે મેરુ પર્વતની પ્રશાંત ગુફાઓમાં તથા સમસ્ત ભૂમંડળમાં વિહાર કર્યો. એ વિહારથી દેવહુતિની પ્રસન્નતા, પરિતૃપ્તિ તથા ધન્યતાનો પાર ના રહ્યો.

કર્દમ ઋષિએ ભય, બંધન તથા દુઃખનો નાશ કરનારા ભગવાનના ચારુચરણનો આશ્રય લીધો હોવાથી એમને માટે કશું જ દુર્લભ નહોતું.

વખતના વીતવાની સાથે દેવહુતિને નવ પુત્રીઓ થઇ. એ પછી કર્દમ ઋષિ પોતાનો પરિત્યાગ કરીને ચાલ્યા ના જાય તે માટે એણે એમને પોતાની પાસે રહેવા માટે વિજ્ઞપ્તિ કરીને કહ્યું કે તમે મને ત્યાગીને તમારા પૂર્વસંકલ્પ પ્રમાણે ચાલ્યા જાવ ત્યારે મારા શોક તથા મોહને દૂર કરનાર બ્રહ્મજ્ઞાની પુત્ર પણ મારી પાસે હોવો જોઇએ. એવો સુપુત્ર જ મને શાંતિ આપી શકે. મારા મનમાં પરમાત્માના પરમજ્ઞાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાનો ઉદય થયો છે. મારો આટલો સમય જુદા જુદા વિષયોપભોગોમાં જ વ્યતીત થવાથી હું મારા જીવનનું સાચું શ્રેય નથી સાધી શકી. તમારા સરખા સત્પુરુષનો સમાગમ થવા છતાં પણ મેં અવિદ્યાનાં બંધનોમાંથી છૂટવાની ઇચ્છા ના કરી. હવે હું એવા બ્રહ્મજ્ઞાની પુત્રની ઇચ્છા રાખું છું જે મારા બધા જ મનોરથોને પૂરા કરે. મને લાગે છે કે જીવન પરમકૃપાળુ પરમાત્માને જાણવા માટે જ છે.

માનવ જીવનભર ભાતભાતના વિષયોમાં ડૂબેલો રહે ને ભાન ભૂલે એના કરતાં વિવેક તથા વૈરાગ્યથી સંપન્ન બને ને મોહને દૂર કરીને આત્મોન્નતિને માર્ગે આગળ વધે એ સદાયે ઇચ્છવા જેવું, અભિનંદનીય અને આવકારદાયક છે. જીવનના વિકાસની એ એક સુંદર નિશાની છે.

કર્દમ તો દિવ્ય દૃષ્ટિથી સંપન્ન હતા. એમણે દેવહુતિના શબ્દો સાંભળીને તરત જ જણાવ્યું કે તારા મનમાં ઊઠેલો સંકલ્પ પરમાત્મા પ્રેરિત લાગે છે. તારો એ સંકલ્પ સફળ થશે. ભગવાન પોતે જ થોડા વખતમાં માનવ જાતિનું મંગલ કરવા માટે તારા ઉદરથી જન્મ લેશે. તે તને તારી ઇચ્છાનુસાર બ્રહ્મજ્ઞાનનો અમોઘ ઉપદેશ આપી, તારા અંતરની અવિદ્યારૂપી ગ્રંથિને શાંતિનું દાન કરશે. એમના પ્રાદુર્ભાવ પહેલાં એની પવિત્ર પૂર્વભૂમિકારૂપે ઇન્દ્રિયોના સંયમ તથા સ્વધર્મના પાલન દ્વારા ભગવાનની આરાધના કર.

દેવહુતિએ પતિની આજ્ઞાનુસાર મનને ભગવાનમાં જોડી દીધું.

સમય પર દેવહુતિને પુત્રજન્મ થયો. એ વખતે દેવતાઓ વાદ્યોને વગાડીને પ્રસન્નતા પ્રકટ કરવા લાગ્યા, ગંધર્વો ગાવા માંડ્યા, અને અપ્સરાઓ નૃત્ય કરવા માંડી. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ, દિશાપ્રદિશા પ્રસન્ન બની, જળાશયો નિર્મળ બન્યાં, ને પ્રાણીમાત્રનાં મન પ્રસન્નતાનો અનુભવ કરવા લાગ્યાં.

પવિત્ર પુરુષોના પ્રાદુર્ભાવથી પૃથ્વીનાં પરમાણુઓ પવિત્ર બને ને પ્રસન્નતાને પ્રકટ કરે એ સહેજે સમજી શકાય તેવું છે. એવા પરમપવિત્ર પુરુષોના પ્રાદુર્ભાવ સમયનું શાસ્ત્રોમાં આવતું એવું વર્ણન એ અર્થમાં સૂચક છે. કેટલાકને એ અત્યુક્તિપૂર્ણ લાગે તો એના મૂળભૂત ભાવાર્થને જ લેવાની આવશ્યકતા છે. તો એના સારાંશને સારી પેઠે સમજી શકાશે.

અપવિત્ર પુરુષોના જન્મથી પૃથ્વીના પરમાણુઓ અપવિત્ર બને ને પ્રસન્નતાને પ્રકટ ના કરે એ પણ સ્વાભાવિક રીતે આપોઆપ જ ફલિત થાય છે.

બ્રહ્મા મરીચિ જેવા પ્રાતઃસ્મરણીય ઋષિવરો સાથે કર્દમ ઋષિના આશ્રમમાં આવ્યા. એમણે કહ્યું કે પરમાત્મા પોતે જ પોતાની દૈવી ગુણમયી માયાનો આશ્રય લઇ, અહીં કપિલસ્વરૂપ ધારીને જન્મ્યા છે. દેવહુતિની અવિદ્યાગ્રંથિનું ભેદન કરશે અને સાંખ્યસાસ્ત્રના આચાર્યોમાં અત્યંત આદરણીય મનાશે. એ વિશ્વમાં કપિલ નામથી વિખ્યાત બનશે.

બ્રહ્માની વિદાય પછી કર્દમે એમની આજ્ઞા પ્રમાણે નવ પુત્રીઓનાં મરીચિ જેવા પ્રજાપતિઓ સાથે લગ્ન કર્યાં. મરિચિને કલા, અત્રિને અનસૂયા, અંગિરાને શ્રધ્ધા, પુલત્સ્યને હવિર્ભૂ, પુલહને ગતિ, ક્રતુને ક્રિયા, ભૃગુને ખ્યાતિ, વસિષ્ઠને અરુંધતી અને અથર્વનને શાંતિ નામની કન્યા પ્રદાન કરી.

કર્દમ ઋષિએ કપિલના મહિમાને જાણીને એકાંતમાં એમની પ્રશસ્તિ કરી. એમણે પોતાના જીવનને સફળ અને ધન્ય માન્યું. એ પછીથી ગૃહત્યાગ કરીને અન્યત્ર જવા માટે એમની અનુમતિ માગી.

કર્દમ ઋષિ કપિલની પ્રદક્ષિણા કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. એમણે વીતરાગ થઇ, અહિંસાવ્રત ધારણ કરીને એક આત્માનું શરણ લીધું. અંતરંગ સાધનાત્મક અભ્યાસક્રમ દ્વારા મનને પરમાત્મામાં જોડીને અતીન્દ્રિય અનુભૂતિની પ્રાપ્તિ કરીને ચરાચરમાં સર્વત્ર પરમાત્માદર્શન કર્યું.

કર્દમ ઋષિના અંત સમય સંબંધમાં ભાગવતકાર કહે છે :

इच्छाद्विपविहिनेन सर्वत्र समचेतसा ।
भगवद्दभक्तियुकतेन प्राप्ता भागवती गतिः ॥ (અધ્યાય ર૪, શ્લોક ૪૭)

ચિત્તને વાસના, રાગ તથા દ્વેષ વગરનું કરીને ભગવાનની દિવ્ય ભક્તિથી ભરપુર બનાવીને મહર્ષિ કર્દમે ભગવાનની પરમગતિને મેળવી લીધી. એટલે કે એ ભગવાનમાં મળી ગયા.

તટસ્થ રીતે વિચારીએ તો માનવમાત્રને માટે બે પ્રકારની ગતિ જ શેષ રહે છે. એક ગતિ વિષયાધીન બનીને રાગદ્વેષ તથા વાસનાઓથી યુક્ત થવાની અને એવી રીતે ઉત્તરોત્તર અશાંતિ ભોગવવાની કે બંધનમાં પડવાની, ને બીજી ગતિ પવિત્ર તેમજ નિર્વાસનિક બની, પરમાત્મપ્રેમને પ્રકટાવી ને પ્રબળ બનાવીને પરમાત્મમય થવાની. એક વિષયવતી કે સાંસારિક ગતિ અને બીજી ભાગવતી ગતિ. માનવે કયી ગતિ મેળવવી છે તેનો નિર્ણય કરવાનો છે ને તદ્દનુસાર પુરુષાર્થમાં લાગી જવાનું છે. જે ઉત્તમ ગતિને મેળવવા માગે તે મેળવી શકે છે. ગતિને સદ્દગતિ કરવી કે દુર્ગતિ તે માનવના હાથમાં છે. જીવન ઝડપથી, અત્યંત ઝડપથી, વહી રહ્યું છે. એની પ્રત્યેક પળનો ઉચિત દિશામાં ઉપયોગ કરવાથી જ કાંઇક મેળવી શકાય.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok