Text Size

08. અષ્ટમ સ્કંધ

પયોવ્રત

બલિના અસાધારણ સામર્થ્યથી દેવોની થયેલી ભયંકર દુર્દશાના સમાચાર સાંભળીને દેવમાતા અદિતિને ખૂબ જ દુઃખ થયું. એની ચિંતાનો પાર ના રહ્યો. દીર્ઘકાળની સમાધિ પછી જાગેલા અને પોતાની પાસે આવેલા પોતાના પ્રિય પતિ કશ્યપ મુનિને એણે એની વેદના તથા ચિંતાનું કારણ કહી બતાવ્યું. એની ઇચ્છા સ્વાભાવિક રીતે જ દેવોને ફરીવાર ધન, યશ, પદ તથા રાજ્યસુખની ને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવી હતી. એણે એને માટેનો ઉપાય પૂછ્યો ત્યારે કશ્યપ મુનિએ એને સૌના હૃદયમાં વિરાજમાન, સર્વવ્યાપક, સર્વેશ્વર ભગવાનની ઉપાસના કરવાનો આદેશ આપીને જણાવ્યું કે ભગવાનની ભક્તિ કદીપણ નિષ્ફળ નથી જતી. એમના અનુગ્રહથી તારી સમસ્ત કામનાઓની પૂર્તિ થશે.

પરંતુ ભગવાનની ભક્તિ કરવી કેવી રીતે ? ભગવાન શીઘ્રાતિશીઘ્ર પ્રસન્ન થઇને બધી જાતનાં નાનાં મોટાં દુઃખોને દૂર કરે એને માટે કયી અમોઘ આરાધનાનો આધાર લેવો ? અદિતિને એ પ્રશ્નોનો ઉકેલ ના મળવાથી એણે કશ્યપને એ બાબત પૂછવા માંડ્યું ત્યારે કશ્યપ મુનિએ જણાવ્યું કે ભગવાનની અમોઘ આરાધનાને માટે મને બ્રહ્માએ ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતનો ઉપદેશ આપેલો. એ અદ્દભુત વ્રતની રૂપરેખા તારી આગળ રજૂ કરું છું. એની રૂપરેખાને હું હજુ પણ નથી ભૂલ્યો.

એટલા ઉપોદ્દઘાત પછી કશ્યપે અદિતિને ભગવાનના અલૌકિક અનુગ્રહની અનુભૂતિ કરાવનારું વ્રત કહી બતાવ્યું. એનું નામ પયોવ્રત. ભાગવતમાં પ્રસંગોપાત જે જુદાં જુદાં જીવનોપયોગી વ્રતોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં પયોવ્રત પોતાનું મહત્વનું સ્થાન ધરાવે છે. એ વ્રતની ભાગવતોક્ત સંક્ષિપ્ત સમજ આ રહી.

પયોવ્રતનું અનુષ્ઠાન પરમાત્માની પરમકૃપાની પ્રાપ્તિ માટે ફાગણ માસમાં કરવું પડે છે. એ વ્રતના આશ્રય દરમિયાન કેવળ દૂધ પર રહેવાનું હોય છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં વ્રતનો આધાર લેનાર બાર દિવસ દૂધ પર રહીને ભગવાનની ભક્તિ કરે. અમાસના દિવસે જો શક્ય હોય તો ભુંડની ખોદેલી માટી શરીરે લગાડીને સરિતાના નિર્મળ સલિલમાં સ્નાન કરે. એ વખતે આ બોલે-

त्वं देव्यादिवराहेण रसायाः स्थानमिच्छता ।
उदूधृतासि नमस्तुभ्यं पाप्मानं मे प्रणाशय ॥ (સ્કંધ ૮,અધ્યાય ૧૬, શ્લોક ૨૭)

‘હે દેવી ! તમને ફરીથી તમારું મૂળ સ્થાન આપવા માટે વરાહ ભગવાનને રસાતલમાંથી તમારો ઉદ્ધાર કરેલો. તમને પ્રણામ કરું છું. તમે મને પૂર્ણપણે પાપમુક્ત કરી દો.’

એ પછી નિત્ય નિયમોને પૂરા કરીને મૂર્તિ, વેદી, સૂર્ય, પાણી, પાવક અને ગુરુદેવના રૂપમાં રહેલા પરમાત્માની પૂજા કરે અને એમની સ્તુતિ કરે. એ સ્તુતિ ભાગવતના આઠમા સ્કંધના સોળમા અધ્યાયના ૨૯ થી 3૭મા શ્લોક સુધી આપવામાં આવી છે. જેમને રુચિ હોય એ એની ઉપલબ્ધિ કરી શકે છે.

*

પછી પયોવ્રતને ધારણ કરનાર દ્વાદશાક્ષર મંત્રથી ભગવાનની પૂજા કરે ને ખીરનું નૈવેદ્ય અર્પણ કરીને એનો દ્વાદશાક્ષર મંત્રથી હવન કરે. એ નૈવેદ્યને ભગવદ્દભક્તોને વહેંચી દે અથવા પોતે ખાઇ લે. છેવટે દ્વાદશાક્ષર મંત્રની એક માળા ફેરવે, સ્તુતિ બોલે, ને ભગવાનને પ્રદક્ષિણા સહિત પ્રણામ કરે. બ્રાહ્મણોને ભોજન તથા દક્ષિણાદિથી સત્કારે. પયોવ્રતના દિવસો દરમિયાન પ્રતિદિન હવન તથા બ્રહ્મભોજન કરાવે. ફાગણ સુદ એકમથી આરંભીને તેરસ સુધી બ્રહ્મચર્ય પાળે, પૃથ્વી પર શયન કરે તથા ત્રિકાળસ્નાનનો આધાર લે.

એ વ્રત દરમિયાન વ્યવહારની બીજી વિશુદ્ધિ સાચવવાની સુચના કરતાં કશ્યપમુનિ અદિતિને કહે છે કે વ્રતનો આધાર લેનાર અસત્ય ના બોલે, પાપીઓ કે દુર્જનો સાથે સંબંધ ના રાખે, પાપમાં કે કુકર્મમાં ભૂલેચૂકે પણ પ્રવૃત્તિ ના કરે, ભોગોને ત્યાગી દે, કોઇને પણ પીડા ના પહોંચાડે, ને ભગવાનની અખંડ આરાધનામાં મનને જોડી દે. તેરસના દિવસે વિધિવિધાનમાં નિષ્ણાત બ્રાહ્મણો કે પંડિતો પાસે વિષ્ણુ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવે, અને યોગ્ય રીતે જે પાત્ર હોય તેમને દક્ષિણાદિથી સંતોષે. વ્રતના તેર દિવસો દરમિયાન પ્રતિદિન કથા-કીર્તનાદિ કરાવીને મહોત્સવ મનાવે.

એ વ્રત ભગવાનની પરમકૃપાની પ્રાપ્તિ કરાવી આપનારું હોવાથી સર્વયજ્ઞ અથવા સર્વવ્રત પણ કહેવાય છે.

કશ્યપે અદિતિને કહ્યું કે એ વ્રતના અનુષ્ઠાનથી ભગવાન તારા પર વહેલી તકે પ્રસન્ન થશે ને તારી સઘળી મનોકામના પૂરી કરશે.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok