Text Size

08. અષ્ટમ સ્કંધ

કથાવિચાર

બલિરાજાની કથાની અહીં સમાપ્તિ થાય છે. કથાનો મુખ્ય સંદેશ ભગવદ્દભક્તિની પ્રાપ્તિનો, ભગવાનની શરણાગતિનો ને નિર્ભયતાપૂર્વકના વચનપાલનનો છે. જીવનની સુખાકારી, શાંતિ તેમ જ સમુન્નતિ માટે એની અનિવાર્યરૂપે આવશ્યકતા છે.

*

ભગવાને દેવોને દાનવોની વિરુદ્ધ મદદ કરીને વિજય શા માટે અપાવ્યો ? સ્વર્ગનું ને ત્રિભુવનનું આધિપત્ય જો ઇન્દ્રને બદલે બલિની અને અસુરોની પાસે રહેત તો કાંઇ ખોટું હતું ? ભગવાને એવો પક્ષપાત ભરેલો વ્યવહાર શા માટે કર્યો ? એવા પ્રશ્નો પેદા થાય એ પણ સ્વાભાવિક છે. પરંતુ એનો પ્રત્યુત્તર પણ એટલો જ સ્વાભાવિક છે. વિશ્વના મંગલને માટે વિશ્વમાં આસુરી સંપત્તિના અનિષ્ટકારક પરિબળો પોષાય નહિ ને પ્રબળ ના બને અને દૈવી સંપત્તિને મદદ મળે એવી ભગવાનની આકાંક્ષા હતી. એટલે જ એમણે દેવોને મદદ કરી. દેવો પણ સો ટચના સોના જેવા શુદ્ધ તો નહોતા જ પરંતુ દાનવો કે દૈત્યોની સરખામણીમાં સારા અને ઉપદ્રવરહિત હતા. તેથી ભગવાને એમનો સર્વ પ્રકારે ઉત્કર્ષ કર્યો. એ એમનો પક્ષપાત નહોતો પણ વિવેક હતો. બલિને ને બીજા દાનવોને પણ એમણે યોગ્ય પદ આપ્યું જ. એમનું નિકંદન ના કાઢ્યું. એ એમની ઉદારતા, વિશાળતા, અદ્દભુત ગુણગ્રાહકતા કે શરણાગત પ્રતિપાલકતા. માતા અદિતિને આપેલું વરદાન એમણે એવી રીતે પૂરું કરી બતાવ્યું.

*

 વામન ભગવાનની કથામાં એક બીજો મહત્વનો વિચાર સમાયેલો છે. માનવજીવનમાં શુભાશુભ સંસ્કારો, ભાવો, વૃત્તિઓ, વિચારો તથા વ્યવહારોનો સંઘર્ષ ચાલે છે. એમાં કોઇકવાર દૈવી શુભ પક્ષનું પ્રભુત્વ સ્થપાય છે તો કોઇવાર આસુરી અશુભ પક્ષનું. જીવનમાં જ્યારે અવિદ્યાજનક અહંકાર અથવા દેહાધ્યાસરૂપી મહાબળવાન બલિ સુખશાંતિથી છવાયેલા આત્મોન્નતિના સ્વર્ગ પર વિજય મેળવીને ચિંતા, યાતના ને ક્લેશ પેદા કરે છે ત્યારે જીવની દશા ઇન્દ્રની પેઠે ખૂબ જ કફોડી થઇ પડે છે. એ દુઃખી થાય છે. એને એ દુઃખમાંથી અથવા અવદશામાંથી છોડાવવા માટે માનવની અંદર રહેલી અદિતિ અથવા આત્મિક ચેતના સાધના કરે છે. એ સાધનાના સુપરિણામરૂપે પરમાત્માનો પરમ અનુગ્રહ અને સંસ્પર્શ સાંપડે છે. સાધકના અંતરાત્મામાં પરમાત્માની પરાત્પર ચેતના પ્રકટે છે. એને લીધે એની વૃત્તિ વિશદ, સૂક્ષ્મ અને એનું વ્યક્તિત્વ નમ્રાતિનમ્ર, વિશુદ્ધ, વામન જેવું થઇ રહે છે.

વામન ભગવાને બે પગલામાં પૃથ્વી, અંતરીક્ષ અને સ્વર્ગાદિને માપી લીધાં તેમ માનવની સાધનાના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલી શુદ્ધ સુસૂક્ષ્મ આત્મિક ચેતના કે પ્રજ્ઞા વિરાટ બનીને તન ને મનના પ્રદેશની પાર પહોંચી જાય છે.

ભાગવતના આઠમા સ્કંધની પરિસમાપ્તિ પહેલાંના છેલ્લા ચોવીસમા અધ્યાયમાં મત્યસ્યાવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાનનો એ અવતાર પણ લોકહિતની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઇને જ થયેલો. હયગ્રીવ નામના દૈત્યે બ્રહ્માની પાસેથી જે પરમ જ્ઞાનના પ્રતીક જેવા વેદોનું હરણ કરેલું તે વેદોને વિશ્વના હિતને માટે પાછા લાવવાની આવશ્યકતા હોવાથી એ અવતારનો આશ્રય લેવામાં આવ્યો.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok