Text Size

10. દસમ સ્કંધ

બકાસુર અને અઘાસુર

એ દિવસો દરમિયાન એક બીજો મહત્વનો નોંધપાત્ર બનાવ બની ગયો. ગોકુળના પ્રદેશમાં ઉપરાઉપરી અમંગલ ઉત્પાતો થતા જોઇને નંદે તથા બીજા વયોવૃદ્ધ ગોપોએ એ પ્રદેશનો પરિત્યાગ કરીને બીજે સ્થળે વસવાનો વિચાર કર્યો અને થોડા વખતમાં એ વિચારને અમલમાં પણ મૂકી દીધો. એમણે ગોકુળને બદલે વૃંદાવનમાં વસવાનું શરૂ કર્યું. ભગવાન કૃષ્ણની લોકોત્તર જીવનલીલા ત્યાં આગળ વધી. એમના જીવનનું જન્મ પછીનું એ બીજું સ્થળાંતર હતું. એમને જે અનેક સ્થળાંતરો કરવાના હતાં તેમનો તે દ્વારા માત્ર આરંભ જ થયેલો. એ સ્થળાંતરો એમના લોકકલ્યાણના મહાન પ્રયોજનની પૂર્તિ માટે આવશ્યક હતા.

વૃંદાવનની ભૂમિ ખૂબ જ સુંદર, પવિત્ર અને સસ્યશ્યામલા હોવાથી સૌ કોઇને ગમી ગઇ તો ખરી પરંતુ ત્યાં પણ જુદા જુદા ઉત્પાતો તો થતા જ રહ્યા. એ દૃષ્ટિએ જોતાં એ ભૂમિ શુકનવંતી ના નીવડી. કૃષ્ણ તથા બલરામ બીજા ગોપબાળોની સાથે એકવાર ત્યાં યમુનાતટ પર વાછરડા ચરાવી રહેલા ત્યારે એમનો નાશ કરવાની કુટિલ કામનાથી પ્રેરાઇને એક અસુર આવ્યો ને વાછરડાનું રૂપ લઇને વાછરડાંના ટોળામાં પેસી ગયો. કૃષ્ણ એની કુટિલતાને જાણીને બલરામ સાથે એની સુંદરતાથી મુગ્ધ થયા હોય અને એના વિશે કશું જ જાણતા ના હોય તેમ એની પાસે પહોંચ્યા. એમણે એના બંને પગને પૂંછડા સહિત પકડીને એને આજુબાજુ બધે ફેરવીને એક વૃક્ષ પર જોરથી પછાડ્યો. એવી રીતે એનો નાશ કર્યો. એ જોઇને બીજા ગોપબાલોની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એ કૃષ્ણની પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરીને પોતાની કૃતજ્ઞતા બતાવવા લાગ્યા.

એ પછી અઘાસુર નાશનો બનાવ બન્યો.

એક દિવસ ભગવાન કૃષ્ણ ગોપબાલોની સાથે વહેલી સવારે વનમાં વિહાર કરવા નીકળી પડ્યા.

વનમાં એ ગોપબાલોની સાથે મળીને નિર્દોષભાવે એક સામાન્ય બાળકની જેમ જુદી જુદી ક્રીડાઓ કરવા લાગ્યા. એમની એવી કલ્યાણકારક ક્રીડાઓને વ્રજવાસીઓએ ન જાણે કેટકેટલા જન્મોના પુણ્યોદયના પરિણામે પ્રાપ્ત કરેલી. વ્રજવાસીઓનું એ સર્વોત્તમ સૌભાગ્ય હતું કે એ એમની વચ્ચે વસવા આવેલા અને એમના જીવનને જુદી જુદી રીતે જ્યોતિર્મય તથા રસમય અને સુખશાંતિથી સભર કરવાની પ્રવૃત્તિ કરી રહેલાં.

વનમાં ભગવાન કૃષ્ણ ગોપબાળોની સાથે ક્રીડા કરી રહેલા ત્યારે ત્યાં અઘાસુર નામનો એક અસુર આવી પહોંચ્યો. એ કૃષ્ણની ગોપબાળકો સાથેની ક્રીડાને જોઇને જલવા માંડ્યો. બીજાના સુખને ને બીજાની શાંતિ કે સંપત્તિને જોઇને જે આનંદી ના શકે પરંતુ જલવા માંડે એ અસુર છે એવું સમજી લેવું. એવી વૃત્તિ દૈવી નથી પરંતુ આસુરી છે અને જે આસુરી વૃત્તિથી કે સંપત્તિથી સંપન્ન છે એ જ અસુર છે. એવા અમંગલ વૃત્તિ તથા પ્રકૃતિવાળા અસુરો સંસારમાં આજે પણ જોવા મળે છે. અન્યના સુખને અને અન્યની શાંતિ, સંપત્તિ તથા સમુન્નતિને જે જોઇ ના શકે, જોઇને આનંદી ના શકે પરંતુ જલવા લાગે, અને એથી પણ આગળ વધીને જે એના નાશને માટેનાં અનર્થકારક અમંગલ કર્મો કરે એ બધા અસુરોના અધીશ્વર છે, અઘાસુરના વંશજો છે એવું સમજી લેવું. એમના મન મલિન, કર્મો મલિન અને એમની વાણી પણ વિષમય હોય છે. એ બીજાની મહેનત પર જીવવા માગે છે, પરિગ્રહી હોય છે. પ્રમાદી બનીને જીવે છે, અને અજગરની જેમ બીજાની સુખાકારી કે સંપત્તિને હડપવાની જ વિઘાતક પ્રવૃત્તિ કર્યા કરે છે. અજગર જેવા એદી, કુટિલ ચાલના એવા અઘાસુરો સમાજને માટે હાનિકારક અથવા અભિશાપરૂપ છે. સમાજની સુખાકારીને માટે સૌએ સંયુક્ત રીતે ભગવાન કૃષ્ણની જેમ એવા અસુરોનો સામનો કરવા તૈયાર રહેવું જોઇએ.

ભાગવતકાર કહે છે કે અઘાસુર બકાસુરનો નાનો ભાઇ હતો. પૂતના એની બેન હતી. સાચું છે. અઘાસુર અને બકાસુર બંનેની બેન અપવિત્ર પૂતના અથવા અવિદ્યારૂપી માયા છે. અઘાસુર અને બકાસુર સાથે સાથે જ રહેતા હોય છે. બકાસુર બગલાની પેઠે દંભ કરે છે. એને દંભ વિના બીજું કશું ગમતું જ નથી. એવા બકાસુરો--દાંભિક લોકો પણ ભૂમિને માટે ભારરૂપ અને ભયજનક છે. એમના મનમાં એક વસ્તુ, વચનમાં બીજી વસ્તુ અને વર્તનમાં વળી ત્રીજી જ વસ્તુ રહેતી હોય છે. એ ત્રણેની એકવાક્યતા એમના જીવનમાં નથી દેખાતી.

પહેલાં આપણે બકાસુરની વાત કરી લઇએ. તે પછી એના ભાઇ અઘાસુરની વાત કરીશું.

બકાસુર બગલાનું રૂપ ધારણ કરીને એક સુંદર જલાશયના શાંત તટ પર બેઠેલો. એના વિશાળ ભયંકર રૂપને જોઇને ગોપ બાળકો ગભરાઇ તથા ડરી ગયાં. એની ચાંચ ખૂબ જ તીક્ષ્ણ હતી અને એની શક્તિનો અંત ન હતો. એણે ભગવાન કૃષ્ણને નષ્ટ કરવાની ઇચ્છાથી પ્રેરાઇને એમને પોતાની ચાંચથી પકડીને મોંમાં મૂક્યા અને એમને જોતજોતામાં ગળી ગયો. એ દેખીને બલરામ અને ગોપબાળકો ખૂબ જ દુઃખી થઇ ગયા. એમને શું કરવું તે ના સમજાયું.

કૃષ્ણને ગળીને બકાસુર ખૂબ જ આનંદ પામ્યો. એને થયું કે એણે એક મહાન કાર્ય કરી લીધું. કૃષ્ણે તો બકાસુરના નાશની પોતાની નિશ્ચિત યોજનાનુસાર કેવળ લીલા કરેલી. બકાસુરે બગલાનું રૂપ ધારેલું એની એમને માહિતી હતી. એ પૂર્વમાહિતીના અનુસંધાનમાં જ એ એમની સઘળી પ્રવૃત્તિ કરી રહેલા. બગલાના મુખમાં તાલુપ્રદેશની નીચે પહોંચીને એમણે એના તાલુપ્રદેશને બાળવા માંડ્યું એટલે એણે એમને ગભરાઇને બહાર કાઢ્યા, અને પોતાની સુતીક્ષ્ણ ચાંચની મદદથી એમના પર પ્રહાર કરવાનો આરંભ કર્યો. પરંતુ એ પ્રહાર કરે એ પહેલાં જ કૃષ્ણે એના મુખને પકડીને ચીરી નાખ્યું. એ દેખીને દેવો આનંદ પામ્યા અને ગોપબાલો આશ્ચર્યચકિત બની ગયા. બલરામ કૃષ્ણની રક્ષા થયેલી જોઇને એમને પ્રેમપૂર્વક ભેટીને અભિનંદન આપવા લાગ્યા. ગોપીઓ પણ એમના એ પરમ અદ્દભુત પરાક્રમની વાત સાંભળીને આશ્ચર્યચકિત બની ગઇ.

0                               0                                0

બકાસુરના નાશ પછી કંસની આજ્ઞાને અનુસરીને એનો ભાઇ અઘાસુર કૃષ્ણ તથા બીજા ગોપબાલોના નાશ માટે અજગરનું ભયંકર રૂપ લઇને આવી પહોંચ્યો. માર્ગમાં એ પોતાનું મોંઢું ફાડીને સૌને સ્વાહા કરવાના આશયથી બેસી ગયો. ગોપબાલો એ વિચિત્ર પ્રાણીને નિહાળીને પરમ આશ્ચર્ય પામ્યાં. આશ્ચર્યમાં એ સૌ વાછરડાંઓની સાથે એના મુખમાં પેસી ગયા. પરંતુ કૃષ્ણની પ્રતીક્ષા કરનારા અઘાસુરે એ બધાને ગળવાને બદલે મોંમાં જ રાખી મૂક્યા. એ બધાને બચાવવા માટે અઘાસુરના અસલ સ્વરૂપને ઓળખીને ભગવાન કૃષ્ણ પણ એમનું અનુકરણ કરતાં એના મુખમાં પેસી ગયા.

એ જોઇને અઘાસુરને અત્યંત આનંદ થયો. પરંતુ એ આનંદ ક્ષણજીવી નીવડ્યો. થોડા વખતમાં જ કૃષ્ણે એમના અસીમ યોગૈશ્વર્યની મદદથી શરીરને ખૂબ જ મોટું કરવા માંડ્યું. એને લીધે અઘાસુરનું ગળું રુંધાવા લાગ્યું. એની આંખે અંધારા આવ્યાં. એ ગભરાઇ ગયો. એનો પ્રાણ અટકી પડ્યો અને આખરે શરીર છોડીને બહાર નીકળ્યો. એ નિર્જીવ બની ગયો. ભગવાન કૃષ્ણે એમની અન્ય અલૌકિક અસાધારણ શક્તિની મદદથી એના મુખમાં પડેલા બધા જ ગોપોને વાછરડાં સાથે જીવતા કર્યા અને બહાર કાઢ્યા એ પછી એ પોતે પણ બહાર આવ્યા એટલે અજગરના શરીરમાંથી એક જ્યોતિ નીકળીને એમના શરીરમાં સમાઇ ગઇ.

એ વખતે ભગવાન કૃષ્ણની અવસ્થા કેવળ પાંચ વરસની હતી. એટલી નાની અવસ્થામાં જ એમણે એવી અલૌકિક અસામાન્ય શક્તિનું દર્શન કરાવ્યું એ હકીકત એમની લોકોત્તરતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરવા માટે પૂરતી છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok