Text Size

11. એકાદશ સ્કંધ

દત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 6

 કરોળિયાએ એમને શો સંદેશ પૂરો પાડ્યો ? કરોળિયો જેવી રીતે પોતાના અંતરમાંથી મુખ દ્વારા જાળું બનાવે છે, બહાર કાઢે છે, એમાં ક્રીડા કરે છે, અને અંતે એને પોતાની અંદર વિલીન કરે છે કે સમાવી લે છે તેવી રીતે પરમેશ્વર પણ જગતને પોતાની અંદરથી સ્વતંત્ર રીતે પેદા કરે છે, એમાં જીવરૂપે વિહરે છે, અને એને પોતાની અંદર સમાવી દે છે.

*

ભ્રમર કીડાને પકડીને પોતાના રહેવાના સ્થાનમાં કેદ કરે છે એટલે કીડો ભયને લીધે એનું ચિંતન કરતાં કરતાં શરીરને છોડ્યા વગર શરીરથી તદ્રૂપ થઇ જાય છે. એના પરથી જાણવાનું મળે છે કે પ્રેમથી, દ્વેષથી કે ભયથી પણ જેની અંદર ચિત્તને લગાડી દેવામાં આવે છે તેના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. વિષયોનું ચિંતનમનન માનવને વિષયી બનાવે છે તેવી રીતે પરમાત્માનું સ્મરણ કરવાથી પરમાત્મામય થવાય છે એટલા માટે આત્મકલ્યાણની કામનાવાળાએ પરમાત્માનું જ ચિંતન કરતા રહેવું.

*

ભગવાન દત્તાત્રેય શરીરને પણ ગુરુ તરીકે ઓળખાવે છે. આ શરીરનો મહિમા ઘણો મોટો છે. એને સાધનધામ તથા મુક્તિનું મંગલમય દ્વાર કહેવામાં આવ્યું છે. એના સ્વરૂપનો વિચાર કરવાથી વૈરાગ્ય થાય છે. એની મદદથી તત્વદર્શનની સાધનામાં સહાયતા મળે છે અને બીજાના કલ્યાણના કાર્યો પણ કરી શકાય છે. એની અંદર પરમાત્માનો વાસ હોવાથી એનો મહિમા દેવમંદિરથી પણ વધારે છે. એને બનતું શુદ્ધ ને શક્તિશાળી બનાવીને એની દ્વારા સત્કર્મોનું અનુષ્ઠાન કરવાનું ધ્યાન રાખવું જોઇએ.

મનુષ્યશરીરની રચના કોઇ સાધારણ વસ્તુ નથી. એ સર્જનની એક સુંદરમાં સુંદર સર્વોત્તમ સિદ્ધિ છે. ભાગવતમાં એ સંબંધી સરસ શ્લોકો રજૂ કરવામાં આવ્યા છે :

‘ભગવાને પોતાની અચિંત્ય માયાશક્તિની મદદથી વૃક્ષ, જંતુ, પશુ, પક્ષી, ડાંસ તથા માછલીની જુદી જુદી કેટલીય યોનિઓની રચના કરવા છતાં પણ સંતોષ ના અનુભવ્યો ત્યારે મનુષ્યશરીરની રચના કરી. એ પરમાત્માનો સાક્ષાત્કાર કરી આપનારી સદ્દબુદ્ધિથી સંપન્ન છે. એના નિર્માણથી એમને ખૂબ જ સંતોષ અને આનંદ થયો.’

‘આ મનુષ્યશરીર અનિત્ય છે, કાળનો કોળિયો થનારું છે. એની મદદથી પરમ કલ્યાણની પ્રાપ્તિ કરી શકાય છે. અનેક જન્મોના અંતે સાંપડનારા આ અત્યંત દુર્લભ શરીરને મેળવીને બુદ્ધિશાળી પુરુષ દુઃખ તથા અશાંતિનો અનુભવ કરાવનારા વિષયોની પાછળ પડવાને બદલે મૃત્યુની પહેલાં શીઘ્રાતિશીઘ્ર પરમાત્માને ઓળખીને બંધનમુક્ત થવાનો પ્રયાસ કરવો જોઇએ. ભોગો તો બધી યોનિઓમાં પ્રાપ્ત થાય છે. એમની પાછળ જીવનને બરબાદ ના બનાવવું જોઇએ.’
(અધ્યાય ૯, શ્લોક ૨૮, ૨૯નો ભાવાર્થ)

દત્તાત્રેય ભગવાન ઉપસંહાર કરતાં કહે છે કે એ બધું જોઇ-વિચારીને મને વૈરાગ્ય થયો છે. મારા અંતરમાં જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ સદાને સારું જલ્યા કરે છે. માણસે ગુરુ પાસેથી જ્ઞાન લઇને બેસી રહેવાને બદલે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઇએ. જ્ઞાનને જીવનમાં સંમિશ્રિત કરી દેવું જોઇએ. તો જ તેને સારો લાભ મળી શકે.

દત્તાત્રેયના ચોવીસ ગુરુની કથા અહીં સમાપ્તિ પર પહોંચે છે. એ કથા માનવમનની ગુણગ્રાહકતા, જિજ્ઞાસા, ઉદારતા તથા શ્રેષ્ઠતાની કથા છે. એક અતિ કીમતી કલ્યાણકથા. એ આપણને બતાવે છે કે સમસ્ત સંસાર એક વિશાળ જ્ઞાનાલય છે અને એની પ્રત્યેક ઘટના, વસ્તુ, પળ તેમ જ પ્રવૃત્તિ એક અથવા બીજા પ્રકારનો પદાર્થપાઠ પૂરો પાડે છે. માણસે આંખ ઉઘાડી રાખી, કાનને ખુલ્લા કરી, મનને મનનશીલ રાખીને જીવવાનું છે. તો એને સમજાશે કે જગતમાં ઉપદેશોની ને ઉપદેશકોની કમી નથી. અને સૌથી શ્રેયસ્કર ઉપદેશક એની અંદર, એના પોતાના પ્રાણની પાસે વિરાજે છે એ પણ સમજી શકાશે.

*

ભગવાન કૃષ્ણે ઉદ્વવને એ કથા સંભળાવીને કહ્યું કે રાજા યદુએ ભગવાન દત્તાત્રેયની પૂજા કરી અને એમના સદુપદેશને અનુસરીને આસક્તિને ત્યાગીને સમદર્શી બનીને કૃતકૃત્યતા મેળવી.

 

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok